સ્વાતંત્ર્ય દિનને ધ્યાનમાં રાખતાં શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત

આમચી મુંબઈ

સતર્કતા: પંદરમી ઑગસ્ટના સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે રેલવે પોલીસે પેસેન્જર ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી ત્યારે સીએસએમટીમાં પેસેન્જરની સાથે તેના સામાનને ચેક કરતા પોલીસ અને ડૉગ સ્કવૉડ. (અમય ખરાડે)

મુંબઈ: સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની કોઇ પણ પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે મુંબઈ પોલીસે સજ્જડ તૈયારીઓ કરી દીધી છે. મહાનગરની ગલીઓમાં કાયદાનો અમલ કરતાં અનેક યુનિટ્સ બંદોબસ્ત માટે ગોઠવવામાં આવ્યા છે. ઉપરાંત એન્ટિ-ડ્રોન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવશે.
સ્વાતંત્ર્ય દિને કોઇ અનિચ્છનીય ઘટના બનશે એવી કોઇ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ નિત્યક્રમના ભાગરૂપે મહત્ત્વના સ્થળો પર સુરક્ષા વધારવામાં આવી છે અને અધિકારીઓને સ્પોટ વિઝિટ હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી છે, એમ અધિકારીએ કહ્યું હતું.
ધ્વજવંદનના જે જે સ્થળોએ મહાનુભાવો એકઠા થવાના છે ત્યાં સ્થાનિક પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ), ડોગ સ્કવોડ વિગેરેને તહેનાત કરવામાં આવશે.
અમે ભાંગફોડિયા પ્રવૃત્તિને રોકવા તપાસ હાથ ધરી રહ્યા છીએ. બુધવારથી ઓપરેશન ઓલઆઉટ હાથ ધરાયું છે. જેમાં હોટેલ, વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. રસ્તાઓ પર બેરિકેટિંગ કરીને તપાસ કરાઇ રહી છે. ગુનાહિત પાર્શ્ર્વભૂમિ ધરાવતા અને તડીપાર કરવામાં આવ્યા હોય એવા ગુંડાઓ મળી જાય તો કઠોર કાર્યવાહી કરવામાં આવશે.
ગલીઓમાં પોલીસ કર્મચારીઓનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસોની સાપ્તાહિક રજા રદ કરવાનો નિર્ણય હજી લેવાયો નથી. છેલ્લાં થોડા વર્ષોથી આવા અવસરોમાં પોલીસોની સાપ્તાહિક રજાઓ રદ કરવામાં આવે છે.
દેશ આ વખતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો હોવાથી ઠેર ઠેર ભારે ભીડ થવાની સંભાવના છે. દરમિયાન ૧૫ ઓગસ્ટથી અમે ઓપરેશન રિયુનાઇટેડ રજૂ કરી રહ્યા છે, જેને હેઠળ ગુમ થયેલા બાળકોને શોધી કાઢવાની કામગીરી કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટ સુધી ઓપરેશન ચાલશે, એમ અધિકારીએ કહ્યું હતું. રવિવારે સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે દોડનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. (પીટીઆઇ)
———–
રેલવે પોલીસે સુરક્ષા વધારી

સઘન પેટ્રોલિંગની સાથે ‘પેસેન્જર ચેકિંગ ડ્રાઈવ’ હાથ ધરાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પંદરમી ઑગસ્ટના સ્વાતંત્ર્યતા દિવસ અને તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનના પરિસરમાં પોલીસની સુરક્ષામાં વધારો કરવાની સાથે ખાસ કરીને પેસેન્જર ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હોવાનું રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. પેસેન્જર સેફ્ટી અને તહેવારોને ધ્યાનમાં રાખીને સ્ટેશનના પરિસરમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનના એડિશનલ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ વધારવાનો આદેશ આપ્યો છે. તમામ સંવેદનશીલ રેલવે સ્ટેશન, સ્ટેશનના પરિસર તથા લોકલ ટ્રેનોની સાથે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવામાં આવશે, જે અંતર્ગત ખાસ કરીને પેસેન્જર ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્ટેશનના પરિસરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા થનારી હરકતોને રોકવા માટે લગભગ ચાર હજાર કર્મચારીને તહેનાત કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ અને તેમના સામાનને ચેક કરશે, એમ મુંબઈ રેલવે પોલીસના કમિશનર કેસર ખાલીદે જણાવ્યું હતું.
કોરોનાના નિયંત્રણ પછી રેલવે સ્ટેશનોમાં પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે, તેમાંય વળી આ વર્ષે સરકારે તમામ તહેવારો કોવિડ-૧૯ પૂર્વેના તબક્કાની માફક ઉજવણી કરવાનો અનુરોધ કર્યો છે. મુંબઈ પરિવહનમાં ખાસ કરીને લોકલ ટ્રેનોમાં રોજના ૭૦થી ૭૫ લાખ પ્રવાસી ટ્રાવેલ કરે છે, જ્યારે લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પણ પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે, તેથી પ્રવાસીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ ટ્રેનોમાં સઘન ચેકિંગ કરવાનો આદેશ આપ્યો છે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.
નવમી ઑગસ્ટના ભાયખલામાં ચાર બૉમ્બ રાખવામાં આવ્યા હોવાનો અજાણ્યા શખસ દ્વારા કૉલ કરવામાં આવ્યા પછી રેલવે પોલીસે ફોન કરનારાની ધરપકડ કરી છે. રેલવે કંટ્રોલ રૂમની સાથે ડૉગ સ્ક્વૉડ, સ્પેશિયલ ફોર્સના જવાનોને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ), જીઆરપી (ગવર્મેન્ટ રેલવે પોલીસ), હોમગાર્ડ, સિટી પોલીસની સાથે વિશેષ ફોર્સના જવાનોને સતર્ક રહેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, એમ એ. શેખે (રેલવે ક્રાઈમ) ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.
સ્વાતંત્ર્યતા દિવસની સાથે જનમાષ્ટમી અને ગણેશ ચતુર્થીને ધ્યાનમાં રાખીને સ્ટેશનના પરિસરમાંથી અવરજવર કરનારા તમામ લોકો પર બને ત્યાં સુધી નજર રાખવામાં આવે. પોલીસના જવાનોની સાથે સ્ટેશનના પરિસરના સીસીટીવી કેમેરાનો પણ વધુ ઉપયોગ કરવા સાથે ક્રાઉડ કંટ્રોલ મેનેજમેન્ટ ટીમને સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. રેલવે પોલીસ, ક્રાઉડ કંટ્રોલ મૅનેજમેન્ટ તથા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી)નું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે, એમ રેલવે પોલીસે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.