સ્વસ્થ માનસિક વિકાસ માટે તરુણોએ યુવાવસ્થામાં થોડુંઘણું જોખમ ઉઠાવવું જરૂરી છે

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

તરુણાવસ્થામાં જોખમ ઉઠાવવું એ સામાન્ય ઘટના છે, પરંતુ કયા પ્રકારનું જોખમ તેઓ માટે ઉપયોગી સાબિત થઈ શકે અને કયા પ્રકારનાં જોખમો દ્વારા તેઓની જિંદગી પર ભય તોળાવા લાગે તે નક્કી કોણ કરે? માતા-પિતા તરીકે આપણને તો એવું જ લાગે કે આપણા બાળકના જીવનમાં ક્યારેય એક પણ પ્રકારની સમસ્યા હોવી જ ન જોઈએ. તેઓ ક્યારેય કોઈ પ્રકારના રિસ્કમાં સામેલ જ ન થવાં જોઈએ, પરંતુ તેઓના સ્વસ્થ માનસિક વિકાસ માટે તરુણાવસ્થાનાં વર્ષો દરમિયાન થોડું ઘણું જોખમ ઉઠાવવું બહુ જરૂરી બની જાય છે, પરંતુ કેવું રિસ્ક એ વાત સમજ્યા વગર મોટા ભાગના તરુણો દ્વારા જાતને નુકસાન પહોંચે એ મતલબનું જોખમ ઉઠાવી લેવામાં આવતું હોય છે. માટે જ જો ટીનેજની શરૂઆતમાં જ રિસ્કના પ્રકારોને સમજી અને તેમાંથી જે કેલ્ક્યુલેટિવ કે ઉપયોગી જોખમો છે એ તરફ તેઓને વાળવામાં આવે તો તેઓના સર્વાંગી વિકાસ માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તો સારાં જોખમો કે કેલ્ક્યુલેટિવ રિસ્ક કોને કહેવાય? તમે કોઈ એવું કાર્ય હાથમાં ઉપાડો કે જેની સફળતા અને નિષ્ફળતાના અમુક ચોક્કસ માપદંડનો તમને ખ્યાલ હોય અને જેના દ્વારા એ જોખમને પણ તકમાં ફેરવવાની આવડત કેળવાતી હોય તેને ગણતરીપૂર્વકનું રિસ્ક કહેવાતું હોય છે. જેમાં તમે કોઈ સ્ટેજ એક્ટિવિટી, સ્પોર્ટ્સ, આર્ટ, થિયેટર જેવી બાબતોને તેઓના જીવનમાં સાંકળો, તેઓને એકલા પ્રવાસ કરવા દેવા, કોઈ ટ્રેકિંગ કેમ્પમાં મોકલવા, એમાંથી ઊભાં થતાં નાનાં-મોટાં રિસ્કને જાતે ઉકેલતાં એ શીખે.
અને તમે સ્ટેજ પર જાઓ, પરફોર્મ કરો, નુકસાન વેઠો, ભૂલો કરો, એમાંથી શીખો એ જિંદગી માટે નુકસાનકારક નથી એટલું જ નહીં, લોકો સાથે સામેથી વાત કરવી, કોઈ નવું ઇન્નોવેટિવ ટાસ્ક કરવા માટે જાતને તૈયાર કરવી આ દરેક બાબતોમાં પણ અમુક અંશે રિસ્ક તો રહેલું છે જ, પરંતુ એક ચોક્કસ પ્રકારનું, આડેધડ લીધેલાં જોખમો કરતાં અનેક ગણું નાનું.
બીજા પ્રકારનાં અનહેલ્ધી રિસ્ક જેને કહેવાય છે એમાં એ બધું જ આવી જાય છે જે એક ટીનેજર તરીકે અત્યારે તેઓને કરવાનું ભરપૂર મન થતું હોય છે, જેમ કે ઝડપથી વાહન ચલાવવું, નશો કરવાની ઈચ્છા થવી, કોઈની વાત ન માનવી, ઉતાવળા નિર્ણયો કરવા, ગુસ્સામાં આવી જવું અને ખરાબ વર્તન કરવું વગેરે જેવી અનેક બાબતોમાં ટીનેજર તરીકે તમારું બ્રેઈન રીતસર તમારી પાસે દુનિયાના ડહાપણ અને શાણપણ સામે બળવો કરાવતું હોય છે. ક્યારેક તમે તમારા પેરેન્ટ્સને ખૂબ ડાહ્યા-ડમરા લાગો ને ક્યારેક અતિશય બળવાખોર.
આવું તમારું મગજ આ ઉંમરે તમારી પાસે કરાવે છે એનો મતલબ એ નથી કે બધો જ દોષ તમે તમારા બ્રેઈન પર ઢોળી તેનાથી થતા નુકસાનથી બચી શકશો કે તમારા વાંકથી છટકી શકશો. એક સ્માર્ટ ટીનેજર તરીકે તમારી ફરજ છે કે આ પ્રકારનાં જોખમ ઉઠાવવાથી જાતને બચાવવી કેવી રીતે?
ઘણી વાર એવું બનતું હોય છે કે આજના સખત પ્રોટેક્ટિવ પેરેન્ટ્સ દ્વારા પોતાના ટીનેજ સંતાનના જીવનમાં રિસ્ક લેવા જેવી કોઈ ઘટના બને એ પહેલાં તો તેઓ જ તેનું નિરાકરણ લાવી દેતા હોય છે.
ક્યારેક એવું બને કે આ જ તરુણો મોટા થઈને આ ઘટનાનાં પરિણામો શું આવશે એ જ વિચારવાનું બંધ કરી દે, આથી ટીનેજમાં રિસ્ક લેવું જરૂરી તો છે જ, પરંતુ કેવું એ વહેલી તકે શીખવું પડે. આ ઉપરાંત તરુણોને તેઓના પેરેન્ટ્સ દ્વારા સતત જે એક પ્રકારનો કમ્ફર્ટ ઝોન આપવામાં આવે છે, એ આગળ જતાં બહુ નુકસાનકારક સાબિત થાય છે.
તરુણો જ્યારે ધરાર એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી
પોતાની જાતે આડેધડ રિસ્ક લેવા માંડે ત્યારે પેરેન્ટ્સ હેબતાઈ જાય છે, આથી એક ચોક્કસ સમયે તેઓના જીવનમાંથી થોડું કમ્ફર્ટ કે સગવડોને પાછાં ખેંચી લેવાં એ તેઓના હેલ્ધી વિકાસ માટે અત્યંત જરૂરી છે.
એક વાત ખાસ યાદ રાખો કે તમારા બાળકનાં ખોટાં વખાણ ન કરો, તે નાસીપાસ ન થાય એ માટે તેના ખરાબ પ્રદર્શન કે પછી તેની ભૂલને છાવરી તેનાં વખાણ કરવાથી તે ક્યારેય જોખમ લઈ મેળવેલ હાર કે દુ:ખને પચાવી મહેનત કરી ફરી જોખમ ઉઠાવવાનું સાહસ કરી મેળવાતી જીતની મજા લઈ શકશે નહીં. સતત કોઈ રિસ્ક લીધા વગરની જિંદગી જીવેલા રૂના પૂમડા જેવા તરુણો મોટા થઈને એક નાની એવી નિષ્ફળતા થકી આપઘાત કરી લેવા જેવા ઘાતક વિચારો કે ડિપ્રેશનનો ભોગ બની જવા જેવી તકલીફોનો ભોગ બની જતા હોય છે.
એક સર્વે મુજબ, અમુક નિષ્ણાતોના મત લઈને એ સાબિત કરાયું છે કે ટીનેજ બ્રેઇનમાં ડોપામાઈન હોર્મોનનો સ્રાવ સામાન્ય કરતાં વધુ થતો જોવા મળે છે. ડોપામાઈનને કારણે આપણી ન્યુરો સિસ્ટમની અંદર એક પ્રકારનો આનંદ અને મજાનું તત્ત્વ ઉમેરાતું હોય છે, જે સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં જ્યારે ટીનેજરના મગજમાં ઉદ્ભવે ત્યારે એક એવા પ્રકારનો યુફોરિયા જન્માવે છે જે નશાની માફક તેઓ વારંવાર લેવા લલચાતા હોય છે તો બીજી તરફ હજુ તેઓનું મગજ પોતાની ડિસિશન મેકિંગ સ્કિલ એટલે કે નિર્ણય લેવાની ક્ષમતાઓને સંપૂર્ણપણે વિકસાવી શક્યું હોતું નથી. એટલે શું સારું છે ને શું ખરાબ એ નક્કી કરી ન શકતા મગજને જે વાતમાં મજા આવ્યે રાખતી હોય એને ક્યારે અટકાવવી એ ચોક્કસ સમયમાં તેઓ નક્કી કરી શકતા નથી જેના કારણે ટીનેજર્સને સતત એક પ્રકારનો રોમાંચ મેળવ્યા કરવાની ઝંખના ઓછી જ ન થાય એવું બનતું હોય છે. એટલા માટે જ હેલ્ધી કે રિઝનેબલ રિસ્ક જેવી કોઈ વ્યાખ્યાઓ તેઓના મગજમાં બંધબેસતી નથી. તરુણોનું મગજ એક હાઈ સ્પીડ એન્જિન જેવું હોય છે અને એ પણ ડ્રાઈવર વગરનું!.. તેને યોગ્ય દિશા આપવી એ સૌની નૈતિક જવાબદારી બની રહે છે. ઉ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.