સ્વયં દૃષ્ટિહીન હોવા છતાં અન્યના જીવનમાં પ્રકાશ પાથરે છે સત્યપ્રકાશ

પુરુષ

ઈશ્ર્વરે બનાવેલા આ શરીરના એક એક અંગનું મહત્ત્વ આપણે ત્યારે જ સાચું સમજી શકીએ જ્યારે તે અંગ આપણી પાસે ન હોય અથવા તેને ક્ષતિ પહોંચી હોય. ફક્ત વિચાર કરીએ કે શરીરનું કોઈ એક અંગ ન હોય તો? તો પણ આપણને કંપારી છૂટી જાય. તો જેમને જન્મથી જ કોઈ એક અંગ ન હોય તેવી વ્યક્તિના જીવનનો વિચાર કરો.
પરંતુ કહે છે કે ઈશ્ર્વર જો મનુષ્યને એકાદ અંગ ઓછું આપે તો અન્ય અંગોમાં વધુ ક્ષમતા પણ આપે છે અને આ વાત સો ટકા સાચી છે બનારસના ૨૫ વર્ષીય યુવાન સત્યપ્રકાશ માલવીય માટે. તે જન્મથી જ દૃષ્ટિહીન છે, પણ પોતાના ઘરેથી જ મસાલાનો સફળ વ્યવસાય ચલાવે છે, એટલું જ નહીં, આજ દેશભરના દિવ્યાંગો તેની સાથે જોડાઈને કામ કરવા માગે છે. આજે સત્યપ્રકાશ દસ અન્ય મહિલાઓ અને દિવ્યાંગોને રોજગાર આપવા સક્ષમ છે. સત્યપ્રકાશ જણાવે છે કે ‘મધ્ય પ્રદેશનાં ઘણાં શહેરોમાં અને દેશનાં અન્ય રાજ્યોમાંથી પણ લોકો મારો સંપર્ક કરે છે. તેમાંથી લગભગ બાર-પંદર તો મારી જેમ દિવ્યાંગ છે. મારી કહાણી સાંભળીને તેઓ મારી સાથે જોડાવા માગે છે. કેટલાક મારી પાસે કામ પણ માગે છે, પરંતુ હું હજી એટલો મોટો વેપારી નથી બન્યો કે બધાને કામ આપી શકું, પણ તેમનામાં કામ કરવાની ચેતના જગાવવાની મારી ઈચ્છા પૂરી જરૂર
થઈ છે.’
સત્યપ્રકાશ કહે છે કે તેનું બહુ નામ નથી થયું, નથી કોઈ એવોર્ડ મળ્યો, પણ તેનું કામ આજે ઘણા જાણે છે. એક ગૃહ ઉદ્યોગની જેમ કરેલા કામને દેશભરના લોકો સુધી લઈ જવું એક મોટો પડકાર છે, પણ વર્તમાનપત્રોમાં તેના વિષે આવેલા લેખે તેનું કામ આસાન બનાવ્યું છે.
સત્યપ્રકાશ કહે છે, ‘દિવ્યાંગોમાં ભીખ માગવાની પ્રવૃત્તિ બંધ કરાવવી મારું સપનું છે. હું મારા જેવા દિવ્યાંગોને પગભર બનાવવાની ઈચ્છા રાખું છું. તેના માટે જરૂરી હતું કે હું પોતે કામ કરીને દાખલો બેસાડું.’
તેણે વર્ષ ૨૦૨૦માં બે રૂપિયાની મૂડી સાથે મસાલા બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. પોતાને મળેલી સ્કોલરશિપ અને કેટલીક સામાજિક સંસ્થાઓ પાસેથી મળેલી રકમ તેણે આ માટે રોકી હતી. આજે તે આ વ્યવસાયમાંથી મહિને ત્રીસ હજાર રૂપિયાની આવક મેળવે છે અને દસ મહિલાઓને રોજગાર પણ આપ્યો છે.
પોતાના ધંધાના માર્કેટિંગ માટે સત્યપ્રકાશ અન્ય શહેરોમાં સ્થાનિક પ્રદર્શનોમાં ભાગ લે છે. દૃષ્ટિહીન હોવાથી આ કામમાં તેને મુશ્કેલી તો ઘણી પડે છે, પણ હારીને બેસી રહે તે સત્યપ્રકાશ શાનો?! તે માને છે કે ‘દિવ્યાંગોને કામ મળવું મુશ્કેલ છે, તેને કારણે ભીખ માગવા જેવી પ્રવૃત્તિ તરફ તે લોકો વળી જાય છે. જો મારી વાતમાંથી પ્રેરણા મેળવીને એ લોકો પણ કોઈ કામ કરે તો મને લાગશે કે મારી મહેનત સફળ થઈ.’ – હેમંત વૈદ્ય

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.