સ્મારક: સ્મૃતિનાં સુવર્ણ સંભારણાં

આમચી મુંબઈ

– હેન્રી શાસ્ત્રી

જોરશાકો ઠાકુરબારી: ટાગોરનું જન્મસ્થાન
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જ નહીં, એમની સાથે સંકળાયેલી અનેક બાબતો બંગાળની જ નહીં, ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. એટલે ગુરુદેવનું જન્મસ્થાન જોરશાકો ઠાકુરબારી આપણો અમૂલ્ય વારસો છે. લાલ રંગની ઈંટથી બાંધવામાં આવેલી આ ઈમારત ટાગોર પરિવારના આવાસ તરીકે જાણીતી છે. કોલકાતાના ઉત્તર વિભાગમાં સ્થિત આ નિવાસસ્થાનનું બાંધકામ ૧૭૮૪માં રવીન્દ્રનાથ ટાગોરના દાદા પ્રિન્સ દ્વારકાનાથ ટાગોરે કર્યું હતું. ૧૮૧૦ની આસપાસથી સામાજિક સુધારણામાં આ ઈમારતનો પાયાનો ફાળો રહ્યો છે. આ ઘરમાં રહેતા પુરુષો જ મક્કમ મનોબળના અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હતા એવું નહોતું, સ્ત્રીઓ સુધ્ધાં ઘણી પ્રગતિશીલ અને જમાનાથી આગળ ચાલનારી હતી. આ આવાસમાં રહેતી મહિલાઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ અને અમેરિકા ગઈ હતી અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતી હતી.
પ્રગતિશીલ ગણાતી બ્રહ્મો સમાજની પદ્ધતિથી પહેલા લગ્ન પણ આ ઈમારતમાં જ સંપન્ન થયાં હતાં. આમ આ ઈમારતનું બાંધકામ તો સજ્જડ છે જે, એના રહીશોનાં મૂલ્યો પણ મજબૂત છે અને બંને આજની તારીખમાં અકબંધ સચવાયાં પણ છે.
———–
સહેલાણીઓનું અનેરું આકર્ષણ

પેટ કરાવે વેઠ એ બહુ જાણીતી વાત છે. જોકે ક્યારેક ગરીબી અને મજબૂરી એક એવે રસ્તે લઈ જાય છે કે ‘આ તો સારું થયું’ એમ કહેવાનું મન થઈ જાય. ગૌતમ બુદ્ધના જન્મસ્થાન તરીકે પ્રખ્યાત બિહારના ગયા જિલ્લાની સીતાદેવીને આવો અનુભવ થયો છે.
આ મહિલાએ એવું કામ કરી દેખાડ્યું છે જેમાંથી અનેક લોકો પ્રેરણા લઈ શકે છે અને અનેક લોકો એમની હિંમતને બે હાથે સલામ કરે છે.
કોઈ પણ પ્રકારનું શિક્ષણ ન મળ્યું હોવા છતાં સીતાદેવી ઈલેક્ટ્રિક ચીજવસ્તુના સમારકામનું કામ કરી રહ્યાં છે. વાત એમ બની કે સીતાદેવીના પતિ દુકાન ચલાવતા હતા. ઘણા મજૂરો કામ કરતા હતા. એક સમય એવો આવ્યો કે મજૂરોએ વધુ વળતરની માગણી કરી જે સંતોષવી શક્ય નહોતું. પરિસ્થિતિ પામી સીતાદેવીએ રોજ દુકાનમાં આવવાની શરૂઆત કરી અને પંખા, કૂલર, ઈન્વર્ટર વગેરે રિપેર કરતાં શીખી લીધું. કેટલાકે પ્રશંસા કરી તો ટીકા કરનારા પણ હતા. સરવાળે પતિ-પત્નીનું કામ વધ્યું અને કમાણી પણ વધી. આજે એમની દુકાન સહેલાણીઓમાં પણ આકર્ષણ બની ગઈ છે.
———
વિજયગાથાનું પ્રતીક

પેરિસનાં યાદગાર સ્મારકોમાં ‘આર્ક દ ટ્રાયમ્ફ’ તરીકે ઓળખાતું આ મોન્યુમેન્ટ નેપોલિયને મેળવેલી વિજયગાથાનું પ્રતીક છે. ફ્રાંસની ક્રાંતિ તેમ જ નેપોલિયને ખેલેલા યુદ્ધ દરમિયાન જે સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા તેમના પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવા માટે આ સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું. અહીં ફ્રાંસે મેળવેલા વિજય તેમ જ લશ્કરના સેનાપતિઓનાં નામ કોતરવામાં આવ્યાં છે. એનું બાંધકામ નેપોલિયનના વરદ હસ્તે ૧૮૦૬માં શરૂ થયું હતું અને ત્રીસ વર્ષ પછી ૧૮૩૬માં એ તૈયાર થયું હતું. આ ઐતિહાસિક સ્થળ સાથે કેટલીક મજેદાર કથાઓ જોડાયેલી છે. ફ્રાન્સના એક આર્કિટેક્ટે હાથીના આકારની ઇમારત ઊભી કરવાની દરખાસ્ત મૂકી હતી, પણ બાંધકામ શરૂ થાય એ પહેલાં જ ફ્રેંચ સરકારે ના પાડી દીધી હતી. અંતે ૧૮૦૬માં બાંધકામ શરૂ થયા પછી ૧૮૩૬માં એ પૂરું થયું હતું. સ્મારકના ચારેય પિલર એટલે કે સ્તંભ પર યુદ્ધનાં દૃશ્યો અને ચાર મહત્ત્વના વિજયનું આલેખન કરવામાં આવ્યું છે. અન્ય વિજયગાથા દીવાલની અંદર રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ૫૫૮ લશ્કરના જનરલનાં નામ છે. નેપોલિયને આ બાંધકામ શરૂ કરાવ્યું હતું, પણ એ પૂરું થાય એ જોવા એ જીવતો નહોતો રહ્યો.
————
ગામની ક્ધયાઓની પ્રિય વાવ

ગુજરાતની વાવમાં વૈવિધ્ય ઘણું છે. રાજકોટ જિલ્લાના વીરપુર ગામે આવેલી મીનળ વાવ એનું લાક્ષણિક ઉદાહરણ છે. સિદ્ધરાજ જયસિંહ અને તેમનાં પત્ની મીનળદેવીએ આ વાવ બંધાવી હતી. આ વાવમાં બેઠી મુદ્રામાં ભૈરવે ડમરુ અને ઊંચા હાથમાં હરણ ધારણ કર્યું છે, પોઢેલી મુદ્રામાં વિષ્ણુ છે.
અલબત્ત, ગામની ક્ધયાઓ આને મીનળદેવીના સ્થાપત્ય તરીકે જ ઓળખે છે. એવું પણ કહેવાય છે કે તેની નાભિ પર બાળક ધારણ કરેલું છે અને તેમના પગ આગળ ગર્ભવતી મહિલા છે. ગાંધીનગર જિલ્લામાં આવેલી છત્રાલની વાવ પ્રાચીન વાવ છે. દીવાલના ઉપરના ભાગમાં અર્ધગોળ પથ્થરોની ધાર છે. ગણેશનું શિલ્પ જોવા મળે છે. ખેડા જિલ્લાના કપડવંજની બત્રીસ કોઠાની વાવ શહેરની વચ્ચે આવેલી છે. આ વાવમાં બત્રીસ માળ છે એટલે એ બત્રીસ કોઠાવાળી વાવ તરીકે પણ ઓળખાય છે. સ્થાપત્ય પરથી અનુમાન બાંધવામાં આવ્યું છે કે આ વાવ ૧૩મી સદીમાં બાંધવામાં
આવી હશે.
——
એક પાનાનું અખબાર

વર્તમાનપત્ર તરીકે પણ ઓળખાતા અખબારી વ્યવસાયનો ભૂતકાળ અવનવો છે. ‘મુંબઈ સમાચાર’ શરૂ થયું એના ૨૧૭ વર્ષ પહેલાં જર્મન ભાષામાં સાપ્તાહિક અખબાર પ્રસિદ્ધ થયું હોવાની નોંધ છે.
વ્યવસ્થિત રીતે પ્રથમ અંગ્રેજી અખબાર ૧૬૬૫માં Oxford Gazette નામથી પ્રસિદ્ધ થયું હોવાની નોંધ છે. ૨૪ અંક પછી એનું છાપકામ ઓક્સફર્ડથી ખસેડી લંડનથી શરૂ કરવામાં આવ્યું હતું.
અહીં એનું નામ બદલી London Gazette કરવામાં આવ્યું હતું. આ અખબાર હજી પણ પ્રકાશિત થાય છે. ૧૭૦૨ની ૧૧ માર્ચે પ્રસિદ્ધ થયેલું he Daily Courant પ્રથમ બ્રિટિશ દૈનિક ગણાય છે.
એલિઝાબેથ નામની મહિલાએ શરૂ કરેલું આ અખબાર માત્ર એક જ પાનાનું હતું. એની પાછલી બાજુએ માત્ર જાહેરખબર છાપવામાં આવતી હતી. આગળની બાજુએ કેવળ વિદેશી સમાચાર જ છાપવાનો નિર્ણય એલિઝાબેથે લીધો હતો.
કોઈ પણ પ્રકારની કોમેન્ટ – અભિપ્રાય વ્યક્ત નહોતાં કરવામાં આવતાં. વાચકો પોતાની મેળે જ બાબત સમજી યોગ્ય અર્થ કાઢી લેશે એવું તેનું માનવું હતું.
જોકે ૪૦ દિવસના પ્રકાશન પછી મહિલા પ્રકાશકે અખબાર અન્ય પ્રકાશકને વેચી
દીધું હતું.
૧૭૩૫ સુધી The Daily Courant ચાલ્યું અને પછી તેને Daily Gazetteer સાથે ભેળવી દેવામાં આવ્યું જે ૧૭૪૬માં બંધ થઈ ગયું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.