સ્થિતિની ગંભીરતા આપણી વિચારસરણી પર આધાર રાખે છે.

ઉત્સવ

જે સ્થિતિ આવે એ સ્થિતિને સ્વીકારી લેવાની તૈયારી સાથે જીવીએ તો જિંદગી જીવવા જેવી બની જતી હોય છે

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

એક પરિચિત યુવાનને હાર્ટ એટેક આવી ગયો. તેની ઉંમર ચાલીસ વર્ષ જેટલી છે. તેની લાઈફસ્ટાઈલ અને કંઈ પણ ખાવાની આદતોને કારણે તેના શરીરને નુકસાન પહોંચ્યું હતું. તેને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. જોકે સ્વાભાવિક રીતે ડોક્ટરોએ તેને કહ્યું કે તમારે હવે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવો પડશે અને અમુક પરેજીઓ પાળવી પડશે. તે યુવાન શારીરિક રીતે તો સાજો થઈને ઘરે પાછો આવી ગયો, પણ તે હતાશામાં સરી પડ્યો. તે યુવાનને ખાવાપીવાનો બહુ શોખ છે. ડોક્ટરે કહ્યું કે કેટલીક પરેજીઓ પાળવી પડશે એટલે તે એવું માનવા લાગ્યો કે જિંદગી ખતમ થઈ ગઈ છે.
તે યુવાનના ભાઈએ મને કોલ કર્યો કે તમે મારા ભાઈને સમજાવો કે તેની જિંદગી પૂરી નથી થઈ ગઈ અને દુનિયા પણ ખતમ નથી થઈ ગઈ.
હું તે પરિચિત યુવાનને મળવા ગયો અને મેં તેને ડઝનબંધ કિસ્સાઓ કહ્યા કે જેમાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય અથવા તો એકથી વધુ વખત હાર્ટ એટેક આવ્યા હોય અને પછી પણ તેઓ નિયમિત જિંદગી જીવતા હોય. મેં તેને અન્ય કિસ્સાઓ પણ કહ્યા કે ડોક્ટરોએ કોઈના નામનું નાહી નાખ્યું હોય અને પછી એ વ્યક્તિઓ ફરી ઊભી થઈ હોય અને સામાન્ય જીવન જીવતી હોય.
જોકે તે યુવાન માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે કહ્યું કે હવે આમ પણ આ જિંદગીનો કોઈ અર્થ નથી, કારણ કે આટલાં બધાં બંધનો સાથે મારું જીવવાનું તો મુશ્કેલ થઈ જશે.
મેં તે યુવાનની પત્નીને, તેના ભાઈને, તેના ભાઈની પત્નીને અને ઘરના અન્ય સભ્યોને કહ્યું કે આને ફરી વાર પ્રવૃત્તિમાં વ્યસ્ત કરી દો.
થોડા સમય પછી તેણે ઑફિસ જવાનું શરૂ કર્યું. તે સંયુક્ત કુટુંબમાં રહે છે અને તે કુટુંબનો પ્રમાણમાં સારો એવો કહી શકાય એવો બિઝનેસ છે. તે ફરી કામ કરતો થયો એટલે ધીમે ધીમે તેનામાં પરિવર્તન આવતું ગયું અને તેને ફરી જિંદગીમાં રસ પડવા લાગ્યો.
હું તે યુવાનને મળવા ગયો એ વખતે તેની સ્થિતિ જોઈને એક વડીલ મિત્રનો કિસ્સો યાદ આવી ગયો.
હું ‘સુખનો પાસવર્ડ’ કોલમ લખું છું, પણ ઘણા માણસો મને રિયલ લાઈફમાં સુખનો પાસવર્ડ આપી જતા હોય છે.
થોડાં વર્ષો અગાઉ એક વડીલને લાંબા સમય પછી મળવાનું થયું હતું. અચાનક અમે ક્યાંક મળી ગયા. એ વખતે મને ખબર પડી કે તેમને કોઈ ગંભીર રોગ થયો હતો. એટલે મેં દુ:ખ વ્યક્ત કર્યું કે આ જાણીને મને બહુ આઘાત લાગ્યો, કેમ કે ડોક્ટરે તેમને કહી દીધું હતું કે તમારી પાસે થોડાક મહિનાઓનો જ સમય છે. મને એમ થયું કે મને આ જાણીને આંચકો લાગ્યો તો તેમને કેવો આંચકો લાગ્યો હશે. એટલે મેં તેમને સધિયારો આપવાની કોશિશ કરી.
આપણને આશ્ર્વાસન આપવાનું, સલાહ આપવાનું બહુ ગમતું હોય છે. હું પણ આદત પ્રમાણે તેમને સધિયારો આપવા માંડ્યો કે ‘અરે! ઘણા લોકો ગંભીર રોગોમાંથી, જીવલેણ રોગોમાંથી પણ બહાર આવતા હોય છે…’
તે વડીલ હસી પડ્યા. તેમણે કહ્યું કે ‘ટેક ઈટ ઈઝી, દોસ્ત. મેં સ્વીકારી લીધું છે કે મારે હવે થોડા મહિનાઓમાં પૃથ્વી પરથી જવાનું છે અને મને કોઈ ટેન્શન નથી, દુ:ખ નથી. એવો અફસોસ પણ નથી કે હું જતો રહીશ! જિંદગી ભરપૂર જીવી લીધી છે. એટલે કોઈ અફસોસ નથી.’
પછી તેમણે મને પૂછ્યું, ‘બાકી શું ચાલે છે? તમારી તબિયત કેમ છે? તમારું લખવાનું કેવું ચાલે છે?’
વિચાર કરો! મને એમ હતું કે હું તેમને કંઈક સધિયારો આપું, પણ એને બદલે મને તેમની પાસેથી શીખવા મળ્યું કે મૃત્યુને આટલી સહજતાથી સ્વીકારી શકાય. મૃત્યુ નિશ્ર્ચિત હોય ત્યારે ભલભલા માણસોને ભાંગી પડતા મેં જોયા છે. બહુ હોશિયારી ઠોકતા હોય એવા માણસોના ચહેરાઓનો રંગ ઊડી જતો મેં જોયો છે. તેઓ મોતના ખોફ હેઠળ જીવવા લાગતા હોય છે.
તે વડીલને સેલ્યુટ મારવાનું મન થયું. હું તેમને ભેટી પડ્યો. મેં કહ્યું કે તમે કોઈ મોટા ફિલોસોફરથી ઊંચી વાત કરી દીધી. એ વડીલ અને હું એક કલાક રસ્તામાં ઊભા રહ્યા, અમે ખૂબ વાતો કરી. અમે એક બેંકની બહાર મળ્યા હતા. હું એટીએમમાંથી પૈસા કઢાવવા ગયો હતો એ વખતે તેઓ બહાર મળી ગયા હતા.
એ વડીલ એટલે ‘મુંબઈ સમાચાર’માં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા, કલમ ચલાવી ચૂકેલા બહુશ્રૂત વિદ્વાન અને અમારા સૌના આદરણીય ડોક્ટર કિશોર દવે!
લગભગ બધા લોકો છેલ્લે અફસોસ સાથે જતા હોય છે. આવા અપવાદરૂપ કિસ્સાઓ હોય છે જેમાં કોઈ અફસોસ વિના જતા હોય છે. કિશોરભાઈને અસાધ્ય બીમારી થઈ હતી, પણ તેમણે અત્યંત સહજ રીતે એ વાત કહી હતી અને તેમણે કોઈ અફસોસ વિના દુનિયામાંથી વિદાય લીધી હતી.
અને મને કવિ બાલાશંકર કંથારિયાની એક વાત યાદ આવી, ‘ગુજારે તારા શિરે જગતનો નાથ સહેજે, ગણ્યું જે પ્યારાએ પ્યારું, એ જીવનમાં સ્વીકારી લેજે.’
દોસ્તો, એક જ વાત હોય. એક વ્યક્તિ એને જુદી રીતે જોશે, બીજી વ્યક્તિ એને તદ્દન જુદી રીતે જોશે. અડધો ભરેલો ગ્લાસ જોઈને કોઈ કહેશે કે ગ્લાસ અડધો ખાલી છે તો કોઈ કહેશે કે એ અડધો ભરેલો છે. એ ગ્લાસ અડધો ખાલી જોવો છે કે અડધો ભરેલો જોવો છે એ આપણા ઉપર છે. દોસ્તો, સ્થિતિ કોઈ પણ હોય, આપણા વિચારો અને આપણી પ્રતિક્રિયા પર એ સ્થિતિની ગંભીરતા નિર્ભર કરતી હોય છે. એક સ્થિતિમાં એ વ્યક્તિ હસી કાઢશે અને એ જ સ્થિતિમાં બીજી વ્યક્તિ એવી પ્રતિક્રિયા આપશે કે જાણે આખું ખતમ થઈ ગયું હોય!
જે સ્થિતિ આવે એ સ્થિતિને સ્વીકારી લેવાની તૈયારી સાથે જીવીએ તો જિંદગી જીવવા જેવી બની જતી હોય છે અને મરણ પણ માણવા જેવું બની જતું હોય છે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.