(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનના વધુ શહેરોમાં કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણો હળવાં કરવામાં આવ્યાના નિર્દેશો સાથે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને ડૉલર નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ પણ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાને બ્રેક લાગવાની સાથે ડૉલર સામે રૂપિયામાં ૫૪ પૈસાનો ઘટાડો થયો હતો. આમ એક તરફ વૈશ્ર્વિક સોનાના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનાની આયાત પડતરો પણ વધી આવતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૭થી ૧૯૮ની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૦ના ઉછાળા સાથે રૂ. ૬૫,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.
પ્રવર્તમાન લગ્નસરાના સમયગાળામાં જ સોનામાં વિશ્ર્વ બજાર પાછળ તેજીનો પવન ફૂંકાઈ જવાથી અપેક્ષિત રિટેલ સ્તરની માગનો વસવસો જળવાઈ રહ્યો હતો. તેમ જ વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ ખપપૂરતી રહી હતી. આજે હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૭ વધીને રૂ. ૫૩,૬૩૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૯૮ વધીને રૂ. ૫૩,૮૫૪ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૩૩૦ની તેજી સાથે રૂ. ૬૫,૭૬૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ચીનના વધુ અમુક શહેરોમાં કોવિડ-૧૯ને લગતાં નિયંત્રણો હળવા કર્યાના અહેવાલ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટી આસપાસ પહોંચતા આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ આગલા બંધથી એક તબક્કે વધીને પાંચ મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૮૦૯.૯૧ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ આસપાસ ૧૭૯૯.૨૬ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૧૮૧૨.૧૦ ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૧૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઇંધણ મોંઘું થતા અર્થતંત્ર ધીમું પડવાની સંભાવના
નવી દિલ્હી: મૂડીઝે વર્ષ ૨૦૨૩ દરમિયાન ખાદ્યપદાર્થો તેમજ એનર્જીની ઉંચી કિંમતોને કારણે અર્થતંત્રની વૃદ્વિ રોકાવવાની અને સામાજીક તણાવ વધવાની શક્યતાને પગલે વિશ્ર્વના દેશોની ક્રેડિટ પાત્રતાને નેગેટિવ આઉટલૂક આપ્યું છે. તદુપરાંત નાણાકીય સ્થિતિ અને આર્થિક નુકસાન દેવાના બોજને બિનટકાઉ સ્તર તરફ ધકેલી દેશે, જ્યારે ઋણ ખર્ચમાં વધારાથી દેવા અંગેની ક્ષમતામાં ઘટાડો થશે. વિશ્ર્વના ૧૩ દેશને આવરી લેવાયા છે. જ્યાં ભારત જેવો દેશ આગામી વર્ષે દેવાની ચૂકવણી માટે પોતાની કુલ આવકમાંથી ૨૦ ટકા હિસ્સો ખર્ચ કરશે. મૂડીઝ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ માટે અમારો ધિરાણપાત્રતા માટેનો આઉટલુક નકારાત્મક છે. મોંઘવારી ઘટવાની શરૂઆત થશે પરંતુ ખાદ્યપદાર્થો અને એનર્જીની કિંમતો ઊંચી રહેશે જેને કારણે આર્થિક વૃદ્વિદર રુંધાશે તેમજ સામાજીક તણાવમાં વધારો થશે.
સ્થાનિક સોનામાં ₹ ૧૯૮ની અને ચાંદીમાં ₹ ૧૩૩૦ની તેજી
RELATED ARTICLES