Homeએકસ્ટ્રા અફેરસોનિયાએ બફાટ કર્યો પણ કર્ણાટકને અલગ કરવાની વાત ખોટી

સોનિયાએ બફાટ કર્યો પણ કર્ણાટકને અલગ કરવાની વાત ખોટી

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર પતી ગયો પણ ચૂંટણી પ્રચાર પહેલાં કૉંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીના કહેવાતા નિવેદને બબાલ કરી નાખી છે. સોનિયાએ ૬ મેએ હુબલીમાં ચૂંટણી સભાને સંબોધી ત્યારે એવું કહેલું કે, કૉંગ્રેસ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ અને અખંડિતતા પર ક્યારેય આંચ આવવા દેશે નહીં.
ચૂંટણી સભા પૂરી થયા પછી, કૉંગ્રેસે ટ્વિટ કરી કે, ૬.૫ કરોડ કર્ણાટકવાસીઓને કૉંગ્રેસ પાર્લામેન્ટ્રી પાર્ટી (સીપીપી)નાં ચેરપર્સન સોનિયા ગાંધીનો મજબૂત સંદેશ. કૉંગ્રેસ કર્ણાટકની પ્રતિષ્ઠા, સાર્વભૌમત્વ અને અખંડિતતા પર સામે કદી કોઈને ખતરો ઊભો નહીં કરવા દે.
ભાજપે સોનિયાની આ વાતને પકડી લઈને સોનિયા ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ભાજપે અનિલ બલુનીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને ચૂંટણી પંચ પાસે મોકલીને રાવ નાખીને સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. ભાજપના નેતા તરુણ ચુગેનું કહેવું છે કે, સોનિયા ગાંધીએ કર્ણાટકના સાર્વભૌમત્વની વાત કરીને દેશના બંધારણનું અપમાન કર્યું છે અને તેમણે દેશની જાહેરમાં માફી માગવી જોઈએ.
સોનિયાનું નિવેદન ટ્વિટ કરાયું તેના બીજા દિવસે નરેન્દ્ર મોદીએ આ મુદ્દો ઉઠાવેલો. મોદીએ કહેલું કે, કૉંગ્રેસ કર્ણાટકને ભારતથી અલગ કરવાની વકીલાત કરી રહી છે. કૉંગ્રેસનો શાહી પરિવાર ભારતના સાર્વભૌમત્વની વિરુદ્ધ છે અને કર્ણાટકને ભારતથી અલગ કરવાની વાત કરી રહ્યો છે. કૉંગ્રેસના શાહી પરિવારે કહ્યું છે કે, તેઓ કર્ણાટકની સાર્વભૌમત્વની રક્ષા કરવા માગે છે. કોઈ દેશ સ્વતંત્ર થાય છે ત્યારે તેને સાર્વભૌમ રાષ્ટ્ર કહેવામાં આવે છે. મતલબ કે કૉંગ્રેસ ખુલ્લેઆમ કર્ણાટકને ભારતથી અલગ કરવાની હિમાયત કરી રહી છે. કૉંગ્રેસમાં ટુકડે-ટુકડે ગેંગનો રોગ આ હદે વધી જશે એવું મેં વિચાર્યું નહોતું.
ભાજપમાં મોદી સર્વશક્તિમાન છે અને સૌથી બુદ્ધિમાન છે તેથી મોદી કંઈ પણ કહે એટલે ભાજપના બીજા નેતાઓએ બુદ્ધિ ચલાવ્યા વિના તેના પર મચી પડવાનું હોય. આ મુદ્દે એવું જ થયું ને ભાજપના નેતા સોનિયા પર તૂટી પડ્યા. મોદીએ કહ્યું એટલે સોનિયાએ કર્ણાટકને ભારતથી અલગ કરવાની તરફેણ કરી છે એવી રજૂઆત કરીને સોનિયા સામે પગલાં લેવાની ફરિયાદ પણ કરી નાખી.
ભાજપ ટેકનિકલી સાચો છે કેમ કે સોવરેઈન સ્ટેટ એટલે કે સાર્વભૌમ રાષ્ટ્રનો મતલબ એવો દેશ થાય છે કે જે સ્વતંત્ર હોય અને જેના પર બીજા કોઈની સત્તા ના હોય. કર્ણાટકને સોવરેઈન સ્ટેટ એટલે કે સાર્વભૌમ રાષ્ટ્ર ના ગણાવી શકાય કેમ કે કર્ણાટક ભારતનો એક ભાગ છે. કર્ણાટકની સરકાર ભારત સરકારના હાથ નીચે છે અને ભારતના બંધારણે નક્કી કર્યા પ્રમાણે રાજ્ય સરકારને મળેલા કેટલાક અધિકારો ભોગવે છે પણ કર્ણાટક પ્રદેશ માટે સર્વસત્તાધીશ નથી.
અંગ્રેજીમાં સોવરેઈનનો અર્થ સર્વોચ્ચ સત્તા છે ને ભારતમાં સર્વોચ્ચ સત્તા ભારત સરકારની છે તેથી ભારત માટે સોવરેઈન સ્ટેટ એટલે કે સાર્વભૌમ રાષ્ટ્ર વાપરી શકાય પણ કર્ણાટક માટે ના જ વાપરી શકાય. સોનિયા ગાંધીએ કર્ણાટકની સોવેરેઈનિટીની વાત ના જ કરવી જોઈએ એ મુદ્દો સાચો છે.
સોનિયા ગાંધીએ બફાટ કર્યો છે તેમાં બેમત નથી પણ તેનું ભાજપ જે અર્થઘટન કરી રહ્યો છે એ ખોટું છે. સોનિયા કે કૉંગ્રેસ કે સોનિયા કર્ણાટકને ભારતથી અલગ કરવાની તરફેણ કરી રહ્યાં છે એ વાત જ હાસ્યાસ્પદ છે. ને વાસ્તવમાં તો આવી વાત કરીને ભાજપ લોકોની નજરમાં હાસ્યાસ્પદ ઠરી રહ્યો છે.
સોનિયાએ બફાટ કર્યો તેથી ભાજપને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનો અધિકાર છે ને ચૂંટણી પંચ સોનિયાને માફી માગવાનું કહે કે બીજાં પગલાં લે તો તેમાં પણ ખોટું નહીં હોય કેમ કે સોનિયાએ ભૂલ કરી છે પણ આ ભૂલ જાણીજોઈને કે બદઈરાદાથી કરી હોય એવું લાગતું નથી. આ સંજોગોમાં ભાજપે આ મુદ્દાને ચગાવવો ના જોઈએ.
કમનસીબે ભાજપનું રાજકારણ આવી વાતો પર જ કેન્દ્રિત થઈ ગયું છે. ભાજપ નક્કર મુદ્દા આધારિત વાતો કરવાના બદલે ફલાણાએ આમ કર્યું ને ઢીકણાએ આમ કર્યું એવી વાતોમાં જ રચ્યોપચ્યો રહે છે ને લોકોને રચ્યાંપચ્યાં રાખવા માગે છે. ફલાણાના બાપ-દાદાએ આમ કરેલું ને ફલાણા પરિવારે તેમ કરેલું એવી વાતો જ ભાજપના પ્રચારમાં કેન્દ્રસ્થાને થઈ ગઈ છે.
ભાજપ બધાં રાજ્યોમાં આ જ ધંધો માંડે છે ને કર્ણાટકમાં પણ એ જ કરી રહ્યો છે. કર્ણાટકમાં ભાજપની સરકાર છે ને આ સરકારે શું ઉકાળ્યું તેની વાતો કરવાના બદલે ભાજપ આ બધી વાતોના આધારે જ ચૂંટણી જીતવા નીકળ્યો છે. તેનું કારણ કદાચ એ છે કે, ભાજપની સરકારે કર્ણાટકમાં કશું ઉકાળ્યું નથી. ભાજપને પોતાના કામના જોરે લોકોના મત મળવાની આશા નથી તેથી પાણીમાંથી પોરા કાઢવા જેવી વાતો કરીને મત મેળવવા મથે છે.
ભાજપે દેશના મુખ્ય પક્ષ તરીકે હકારાત્મક વલણ બતાવવું જોઈએ ને દેશમાં હકારાત્મક રાજકારણને પ્રોત્સાહન આપીને નવા યુગની શરૂઆત કરાવવી જોઈએ. ભાજપની કેન્દ્રમાં છેલ્લાં નવ વર્ષથી સરકાર છે. બીજી બધી વાતો કરવાના બદલે આ નવ વરસમાં કરેલાં કામોના જોરે ભાજપ મત માગે તો ઉજળો લાગે. તેના બદલે ભાજપ તો બદબોઈ કરીને મત મેળવવાની હલકી માનસિકતામાં વધારે ને વધારે ખૂંપતો જાય છે. વધારે કમનસીબી એ કહેવાય કે, દેશના વડા પ્રધાન પોતે આવી વાતોને મહત્ત્વ આપે છે.
એક જમાનો હતો જ્યારે રાજકારણમાં રાજકીય સૌજન્ય પળાતું. રાજકીય પક્ષો વિરોધી નેતાઓનાં નિવેદનોની ચૂંથ કરીને લોકોમાં નકારાત્મકતા પેદા કરીને મત માગવાના બદલે વિચારધારાની વાત કરીને મત માગતા હતા. વિચારધારા જ તેમની ઓળખ હતી પણ હવે કૂથલીખોરી ટાઈપની વાતો પર વધારે ભરોસો મુકાય છે. તેનું કારણ કદાચ એ પણ છે કે, પ્રજાને પણ આવી વાતો જ વધારે ગમે છે. પ્રજાને મુદ્દાઓમાં રસ નથી પણ મડદાં ઉખેળવામાં રસ છે.
આ દેશની પ્રજાને ભાજપનો સાંસદ બ્રિજભૂષણ સિંહ દેશની દીકરીઓ એવી કુસ્તીબાજ છોકરીઓ સાથે અશ્ર્લીલ હરકતો કરે તેમાં ખોટું લાગતું નથી પણ સોનિયાની જીભ લપસે તેમાં દેશ રસાતાળ જતો રહ્યો એવું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -