Homeદેશ વિદેશસોનામાં રૂ. ૧૫૪ની અને ચાંદીમાં રૂ. ૧૨૧ની નરમાઈ

સોનામાં રૂ. ૧૫૪ની અને ચાંદીમાં રૂ. ૧૨૧ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની થનારી જાહેરાત પૂર્વે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવવા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળતા સોનાચાંદીના ભાવમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૩થી ૧૫૪નો ઘટાડો આવ્યો હતો. જોકે, આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૧નો ઘટાડો આવ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી જળવાઈ રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૩ ઘટીને રૂ. ૫૬,૨૨૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૫૪ ઘટીને રૂ. ૫૬૪૪૭ના મથાળે રહ્યા હતા. વધુમાં મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૧ના ઘટાડા સાથે રૂ. ૬૫,૬૩૯ના મથાળે રહ્યા હતા. આવતીકાલે અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની જાહેર થનારી મિનિટ્સમાં આગામી વ્યાજદરમાં વધારા અંગે કોઈ સંકેત આપવામાં આવે છે કે નહીં તેના પર રોકાણકારોની નજર સ્થિર થઈ હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૮૩૮.૬૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા ઘટીને ૧૮૪૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. બજાર વર્તુળોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી મે સુધીમાં બૅન્ચમાર્ક વ્યાજદર પાંચ ટકા સુધી વધારશે અને જુલાઈ સુધીમાં તે વધારીને ૫.૩૦૮ ટકા સુધી લઈ જશે. જો આવતીકાલે જાહેર થનારી મિનિટ્સમાં આક્રમક વ્યાજવધારાનો સંકેત આપવામાં આવશે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular