સોનાક્ષી ઈઝ રેડી ટુ મિંગલ?!

મેટિની

કલ્પના મહેતા

છેલ્લા કેટલાય સમયથી દબંગ ગર્લ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના અફેરની ચર્ચા બોલીવૂડની ગલીઓમાં જોરશોરથી થઈ રહી છે. સોનાક્ષી સિંહા ૩૫ વર્ષની છે અને ઝહીર તેનાથી એક વર્ષ નાનો છે. હાલમાં જ બીજી જૂનના જ્યારે સોનાબેબીનો બર્થડે હતો ત્યારે સત્તાવાર રીતે બંને જણે પોતાના સંબંધનો એકરાર કરી લીધો હતો. ઝહીરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો અને પોસ્ટમાં ‘આઈ લવ યુ’ એવું લખ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં સોનાક્ષી સિંહા તથા ઝહીર બંને સાથે દેખાય છે. સોનાક્ષી નાસ્તો કરતી હોય છે. ઝહીરે કેપ્શનમાં લખ્યુુંં હતું કે ‘હેપ્પી બર્થડે સોન્ઝ, મને ના મારવા માટે થેંક યુ. આઇ લવ યુ. આગામી સમયમાં આ જ રીતે હસતાં, ખાતાં તથા ખુશીઓ મનાવતાં રહીશું.’
ઝહીરની આ પોસ્ટ પર સોનાક્ષીએ પણ કોમેન્ટ કરી હતી. જવાબમાં તેણે લખ્યું હતું કે ‘થેંક યુ… લવ યુ… હવે હું તને મારવાની છું.’ ઝહીરની આ પોસ્ટ પર સેલેબ્સ તથા ચાહકોએ કોમેન્ટ્સ કરી હતી. બંનેની નજીકનાં સૂત્રોની વાત પર વિશ્ર્વાસ કરીએ તો કદાચ બંને જણ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ જાય એવી શક્યતા છે. જોકે બંનેના પરિવાર તરફથી આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે અને અવારનવાર સાથે પણ જોવા મળતાં હોય છે. થોડાક દિવસ પહેલાં જ બંને જણ પ્રોડ્યુસર દિનેશ વિજનની બહેન પૂજાનાં લગ્નમાં સાથે જોવા મળ્યાં હતાં. થોડા સમય પહેલાં સોનાક્ષીએ પોતાની બ્યુટી બ્રાન્ડ શરૂ કરી હતી. એ સમયે તેણે ડાયમંડ રિંગ ફ્લોન્ટ કરી હતી. ત્યારે સોનાક્ષીએ સગાઈ કરી હોવાની ચર્ચા થતી હતી. સોનાક્ષી સિંહાના પ૧વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘દહાડ’થી ડિજિટલ ડેબ્યુ કરવાની છે. આ ઉપરાંત તે ઝહીર ઈકબાલ તથા હુમા કુરેશી સાથે ‘બલ ડક’ ફિલ્મમાં જોવા મળશે. સોનાક્ષીએ ૨૦૧૦માં સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું અને તે છેલ્લે ૨૦૨૧માં ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળી હતી. ઝહીરની વાત કરીએ તો તે જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. નાનપણથી જ ઝહીરના પરિવાર તથા સલમાન વચ્ચે સારા સંબંધો છે. સલમાન ખાનની ફિલ્મ ‘નોટબુક’થી ૨૦૧૯માં ઝહીરે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.