સુલતાન ખાલિદ વિરુદ્ધ બ્રિટિશર્સ: ઈતિહાસને ચોપડે ચડેલા સૌથી નાના યુદ્ધની કથા

વીક એન્ડ

ભાત ભાત કે લોગ-જ્વલંત નાયક

યુદ્ધ. આ નાનો અમથો શબ્દો ભલભલા મોટા માથાને ધ્રુજાવી નાખે છે. યુદ્ધ અને એના પગલે થનારી ખાનાખરાબીની સતત લટકતી તલવારે હજારો વર્ષથી માનવજાતને પોતાના તાબામાં રાખી છે. માનવ ઈતિહાસનું ભાગ્યે જ કોઈ વર્ષ એવું હશે, જ્યારે વિશ્ર્વના કોઈ ને કોઈ સ્થળે ભીષણ યુદ્ધ ન લડાતું હોય. વીસમી સદીમાં માનવજાતે બે મહાયુદ્ધોનો માર વેઠ્યો. એ પછી એકવીસમી સદીમાંય સિરિયા, અફઘાનિસ્તાનથી માંડીને યુક્રેન સુધી લાખો નિર્દોષ માનવીઓ યુદ્ધના ખપ્પરમાં હોમાતા રહ્યા છે. યુક્રેનની ખાનાખરાબી અટકી નથી ત્યાં તાઈવાનમાં ચીને દેખાડેલી આક્રમકતાને પગલે સાંપ્રત જગતની લશ્કરી-આર્થિક મહાસત્તાઓ ગણાતાં અમેરિકા અને ચીન સામસામે આવી ગયાં છે. બીજા વિશ્ર્વયુદ્ધમાં જેમ જર્મની અને ઇટાલીની યુતિ હતી, એમ હાલમાં ચીન અને રશિયા એકસાથે બેઠેલાં જણાય છે. બીજી તરફ અમેરિકા અને મિત્રદેશો પણ આક્રમક સૂર છેડી રહ્યાં છે. કુલ મિલાકર બાત યે હૈ કી વિશ્ર્વ ત્રીજા મહાયુદ્ધને આરે આવીને ઊભેલું જણાય છે.
યુદ્ધ પહેલી નજરે આકર્ષક લાગે છે. આપણે ત્યાં ઘણાને વારે વારે યુદ્ધની સંક ઊપડે છે અને પાકિસ્તાન અને ચીનને ધૂળ ચટાડી દેવાની વાતો થાય છે. ભારતીય દળોની બહાદુરી અને સમર્પણ વિષે લગીરે શંકા ન રાખીએ તોય એ હકીકત હંમેશાં નજર સમક્ષ રાખવી પડે કે યુદ્ધ ચાલુ તો ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ એને બંધ કરવાનું આપણા હાથમાં હોતું નથી. તાજો દાખલો યુક્રેન પર રશિયાએ કરેલા આક્રમણનો છે. રશિયાએ હુમલાઓ કર્યો ત્યારે લાગતું હતું કે બહુ બહુ તો અઠવાડિયામાં રશિયા યુક્રેનને મસળી નાખશે, પરંતુ અનેક પરિબળોને કારણે એવું થઇ શક્યું નથી અને યુક્રેન-રશિયા સંઘર્ષ આજે મહિનાઓથી ચાલી રહ્યો છે! યુદ્ધની આ લાક્ષણિકતા હંમેશાં યાદ રાખવી ઘટે.
ખેર, વર્ષો સુધી ચાલનારા લોહીઝાણ યુદ્ધોની વાતોથી ઈતિહાસનાં પુસ્તકો ભર્યાં પડ્યાં છે, પરંતુ આજે એક એવા યુદ્ધની વાત કરવી છે, જેને દુનિયાના આજ સુધીના સૌથી ‘ટૂંકા યુદ્ધ’ તરીકેનું ‘બહુમાન’ પ્રાપ્ત થયેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઝાંઝીબારના સુલતાન અને રોયલ બ્રિટિશ નેવી વચ્ચે ખેલાયેલો સંગ્રામ પૂરા એક કલાકેય નહોતો ચાલ્યો! માત્ર ૩૮ મિનિટ્સમાં આ યુદ્ધનો વીંટો વળી ગયેલો!
ઇતિહાસમાં ‘એન્ગ્લો-ઝાંઝીબાર યુદ્ધ’ તરીકે ઓળખાતી આ ઘટનાને યુદ્ધ કહેવી કે કેમ, એય એક પ્રશ્ર્ન છે. ઈસ્ટ આફ્રિકાના પૂર્વ કિનારે આવેલું ૨,૪૬૧ વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતું ઝાંઝીબાર આજે તો એક મર્યાદિત સ્વતંત્રતા ધરાવતો દેશ છે, પરંતુ ઓગણીસમી સદીમાં ઝાંઝીબારની ગણના શક્તિશાળી વાણિજ્ય મથક તરીકે થતી હતી. એ સમયે ઝાંઝીબારથી ઊપડતાં જહાજો મુખ્યત્વે હાથીદાંત અને મસાલા ભરીને ઊપડતાં અને વિદેશોથી કાપડ લાદીને પાછાં ફરતાં. જોકે અહીં સૌથી મોટું બજાર જો કોઈ હોય તો એ કાળા ગુલામોનું હતું! ‘ધી હિસ્ટોરીઅન’ નામનું મેગેઝિન કહે છે કે ૧૮૮૦નું વર્ષ આવતાં સુધીમાં ઝાંઝીબાર બંદરેથી ૨૫,૦૦૦થી માંડીને ૩૦,૦૦૦ જેટલા કાળી ચામડી ધરાવતા ગુલામોનો સોદો થઇ ચૂક્યો હતો. ઝાંઝીબારના તત્કાલીન સુલતાન માટે ગુલામોનો આ વેપાર સોનાની ખાણ સમાન હતો. એવુંય કહેવાય છે કે સુલતાનની જે કોઈ સમૃદ્ધિ હતી એ ગુલામોના આ વેપાર પર જ આધારિત હતી.
એ સમયે બ્રિટન અને જર્મની વચ્ચે પણ આર્થિક વર્ચસ્વ જમાવવાનો સંઘર્ષ ચાલુ જ હતો. આ દરમિયાન ૧૮૯૦માં બ્રિટને જર્મની સાથે એક વિશિષ્ટ પ્રકારની સમજૂતી કરી. આ સમજૂતી મુજબ બ્રિટન ઝાંઝીબાર સહિતના કેટલાક આફ્રિકન પ્રદેશોની રક્ષા માટે કરારબદ્ધ થયું. બ્રિટને જે રીતે ભારતમાં પોતાનું થાણું બનાવ્યું, એ રીતે ઝાંઝીબારમાં થાણું નહોતું સ્થાપ્યું, પરંતુ ઝાંઝીબારના દરેક મહત્ત્વના નિર્ણયો બ્રિટિશ રાજદ્વારીઓ જ લેતા, એ હકીકત છે.
ઝાંઝીબારની ‘સુલતાની’
માટે ખાલિદનો ખેલ
બ્રિટિશરોએ ઝાંઝીબારનું રક્ષણ કરવા અંગે સંધી કરી હતી, એનો સીધો અર્થ એ હતો કે ઝાંઝીબારની દરેક આંતરિક બાબતોમાં બ્રિટનનો હસ્તક્ષેપ રહેવાનો હતો. કોઈક કારણોસર બ્રિટિશર્સ ઝાંઝીબારની આવકના મોટા સ્રોત ગણાતા ગુલામોના વેપારને બંધ કરાવવા માગતા હતા. બ્રિટને સૌથી પહેલું કામ ઝાંઝીબારમાં પોતાની કઠપૂતળી બનીને કામ કરે, એવા સુલતાનને ગાદીએ બેસાડવાનું કર્યું. એ સમયે ઝાંઝીબારમાં હમદ બિન થુવૈનીને બ્રિટિશરો પોતાનો ‘મિત્ર’ ગણતા હતા, આથી ઝાંઝીબારની રાજગાદીએ હમદને બેસાડવામાં આવ્યો. ઈ. સ. ૧૮૯૩માં હમદ ઝાંઝીબારના પાંચમા સુલતાન તરીકે તખ્તનશીન થયો. લગભગ ત્રણેક વર્ષ સુધી બહુ વાંધો ન આવ્યો. હમદે બ્રિટનમાં બેઠેલા પોતાના અસલી આકાઓના ઇશારે ઝાંઝીબારનો રાજકારભાર ચલાવ્યો, પરંતુ ૨૫ ઓગસ્ટ, ૧૮૯૬ને દિવસે અચાનક જ સુલતાન હમદ બિન થુવૈની ગુજરી ગયો! હમદનું મૃત્યુ કયાં કારણોસર થયું, એ વિષે જાત જાતની વાતો ચાલી, પરંતુ મોટા ભાગના લોકોનું માનવું હતું કે સુલતાન હમદની હત્યા કરવામાં આવી હતી. હમદને કોણે માર્યો? રાજકારણનું કડવું સત્ય એ છે કે ટોચ પર બેઠેલી વ્યક્તિની હત્યા કરવામાં મોટે ભાગે એની જ કોઈ નજીકની વ્યક્તિનો હાથ હોય છે! સુલતાન હમદના કિસ્સામાં પણ એવું જ થયું હોવાનું મનાય છે.
હમદનો એક ભત્રીજો હતો. એનું નામ ખાલિદ બિન બરઘશ. આ ખાલિદને પોતાના ચાચા બ્રિટનની ચાટુકારી કરે એ પસંદ નહોતું. બની શકે કે એની નજર ગુલામોના વેપાર થકી મળતા તગડા નફા પર હોય! એવું કહેવાય છે કે આ ખાલિદ બિન બરઘશે જ પોતાના કાકા સુલતાન હમદને ઝેર આપીને ઠેકાણે પાડી દીધા. સુલતાન હમદ મૃત્યુ પામ્યા હોવાની જાહેરાત થઇ, એટલે તરત જ ખાલિદે સૌથી પહેલું કામ પોતાને સુલતાન હમદના એકમાત્ર વારસદાર જાહેર કરવાનું કર્યું, આથી ઝાંઝીબારની ગાદી સીધી જ ખાલિદને મળી ગઈ. આ આખો ઘટનાક્રમ બ્રિટિશર્સ માટે આઘાતજનક હતો. એ લોકો ખાલિદનો ખેલ ન સમજે એટલા નાદાન નહોતા. બીજી તરફ ખાલિદે પણ સુલતાન બનતાંની સાથે જ પોતાના તેવર દેખાડ્યા અને બ્રિટનથી આવતા હુકમોનું પાલન કરવાનું બંધ કર્યું. ખાલિદ ઝાંઝીબારમાં પોતાની ઈચ્છા પ્રમાણે રાજ કરવા માંડ્યો. સ્વાભાવિક છે કે બ્રિટિશર્સને આવો માણસ આંખમાં કણાની માફક ખૂંચે.
ઝાંઝીબારના સુલતાન સામે ‘ગન બોટ ડિપ્લોમસી’
ખાલિદને ભીડવવા માટે બ્રિટિશરોએ ‘ગન બોટ ડિપ્લોમસી’ અમલમાં મૂકી. જો તમે ઓલ ટાઈમ ગ્રેટ ગણાતી ફિલ્મ ‘ગોડ ફાધર’ જોઈ હશે તો આ ડિપ્લોમસી આસાનીથી સમજી શકશો. ફિલ્મ વિષે ફરી ક્યારેક વાત કરીશું, પણ અહીં જે ‘ડિપ્લોમસી’ની વાત કરી, એમાં દુશ્મનને લમણે બંદૂક તાકીને વાટાઘાટ દ્વારા ‘ઉકેલ’ મેળવવાની વાત હતી.
બ્રિટિશરોએ ઝાંઝીબારના દરિયામાં પોતાનાં ત્રણ યુદ્ધજહાજો ખડાં કરી દીધાં, જેમનાં નાળચાં સુલતાન ખાલિદના મહેલની દિશામાં તકાયેલાં હતાં. એ પછી સુલતાનને સંદેશો મોકલવામાં આવ્યો, આવતી કાલે સવારે ૯ વાગ્યા પહેલાં તમારી સત્તા અને મહેલ છોડીને નીકળી જાવ, નહિતર અમારી ગનબોટ્સ ધણધણી ઊઠશે! બાસ, આ જ હતી ઓગણીસમી સદીની પ્રખ્યાત (અથવા કુખ્યાત) ‘ગન બોટ ડિપ્લોમસી’! જોકે સુલતાન ખાલિદ મારીમચડીને ઝાંઝીબારના ‘ગોડફાધર’ થવા માગતા અંગ્રેજોને મચક આપવાના મૂડમાં નહોતો, આથી એણે બ્રિટિશરો સામે બાથ ભીડવા માટે પોતાનું લશ્કર જમાવવાની શરૂઆત કરી.
ઝાંઝીબારની સેના અને ગુલામો સહિત હજારો લોકોને બીજા દિવસે સવારે ૮ વાગ્યાના સુમારે બ્રિટિશ આક્રમણનો પ્રતિરોધ કરવા માટે ખડા કરી દેવામાં આવ્યાં. એ સાથે જ બ્રિટિશ અધિકારીને મેસેજ મોકલવામાં આવ્યો, અમે અમારો ધ્વજ ઉતારવા માગતા નથી. (એટલે કે સત્તા નહિ છોડીએ.) સાથે જ અમે માનીએ છીએ કે તમે અમારા પર આક્રમણ નહિ કરો.
સામે બ્રિટિશ અધિકારીએ ઉત્તર વાળ્યો, અમે તમારી ઉપર આક્રમણ કરવા નથી જ ઈચ્છતા, પરંતુ તમે સત્તા છોડવા તૈયાર નથી, એટલે અમે આક્રમણ કરવા માટે મજબૂર થયા છીએ! ઘડિયાળમાં ૯ના ટકોરા પડ્યા એ સાથે જ સમયના પાબંદ બ્રિટિશરોએ પોતાનાં ત્રણેય યુદ્ધ જહાજોમાંથી સુલતાન ખાલિદના મહેલ પર તોપગોળા વરસાવવાના ચાલુ કરી દીધા!
આખો કિસ્સો તમને કોઈ ફિલ્મની સિચ્યુએશન જેવો લાગે છેને? જેમાં હીરો પોતાના દેશ પર આક્રમણ કરનાર દુશ્મનો સામે લડવા માટે દેશના લોકોને પોરસ ચડાવતો હોય, અને હજારો લોકો દુશ્મન સામે લડવા સામી છાતીએ ધસી ગયા હોય, રાઈટ?! પણ ફિલ્મો અને વાસ્તવિકતા વચ્ચે હજારો જોજનનું અંતર હોય છે. કહેવાય છે કે બ્રિટિશ જહાજોએ આગ ઓકવાની શરૂઆત કરી, એની બીજી જ મિનિટે સુલતાન ખાલિદ પોતાનો મહેલ છોડીને પલાયન કરી ગયો! એનું લશ્કર પણ લાંબી ઝીંક ઝીલવામાં નિષ્ફળ ગયું. માત્ર ૩૮ મિનિટ્સમાં (કેટલાક ૪૨ અથવા ૪૫ મિનિટ્સનું કહે છે) ઝાંઝીબારની સેનાએ શરણાગતિ સ્વીકારી લીધી!
અહીં એક પ્રશ્ર્ન ચોક્કસ થાય કે જો ખાલિદ આટલો જલદી ડરી જાય એવો હતો, તો એણે બ્રિટિશરો સામે યુદ્ધ છેડવાને બદલે સમયસર સત્તા છોડી શા માટે ન દીધી? કેટલાક પ્રશ્ર્નોના ઉત્તરો ક્યારેય નથી મળતા. ખાલિદની મૂર્ખતાને કારણે માત્ર અડધો-પોણો કલાક ચાલેલા આ ‘યુદ્ધ’માં ઝાંઝીબારના ૫૦૦ જેટલા સૈનિકો અને ગુલામો વગર કોઈ વાંક-ગુનાએ મૃત્યુ પામ્યા! આ યુદ્ધમાં બ્રિટનના માત્ર એક સૈનિકને થોડી ઈજાઓ થઇ હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.