નવી દિલ્હી, અમદાવાદ, મુંબઈ: આવકવેરા વિભાગે સુરતમાં હીરાની કંપનીઓના એક ગ્રૂપ અને બિલ્ડર્સની ઑફિસો સહિત ૩૫ સ્થળે દરોડા પાડ્યા હતા, જ્યારે મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ શેરદલાલો અને ફાઇનાન્શિયલ કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. મની લૉન્ડરિંગ સંબંધી તપાસના ભાગરૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં સોનું, ઝવેરાત અને ૧.૦૪ કરોડ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી.
સુરતમાં ગુરુવારે મતદાન પુરું થયા બાદ શુક્રવારે સવારથી આવકવેરા (આઈટી) વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શહેરમાં હીરા ઉદ્યોગકારોનાં ઘર અને બિલ્ડરની ઓફિસથી લઈને ઘર સુધીનાં અલગ અલગ અંદાજે ૩૫ કરતાં વધુ સ્થળો પર દરોડા પાડી સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા એક મોટા ગ્રૂપ અને તેમની સાથે સંકળાયેલાને ત્યાં શુક્રવારે વહેલી સવારે છ વાગ્યાથી આઈટીની ટીમ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હીરા ઉદ્યોગમાં ઘણા સમય બાદ દરોડા પડતા ઉદ્યોગકારોમાં ફફડાટની લાગણી ફેલાઈ હતી. હીરાની સાથે સાથે આઈટી વિભાગ દ્વારા બિલ્ડર લોબીને ત્યાં પણ રેઇડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વહેલી સવારે છ વાગ્યાથી શરૂ થયેલી રેડની કામગીરીમાં સુરતની સાથે વડોદરા સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા. અંદાજે ૧૦૦થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા ૪૦ જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસના ભાગરૂપે શેરબજારમાં લિસ્ટેડ બે કંપનીઓ સિક્યૉરક્લાઉડ ટેક્નોલોજીઝ લિમિટેડ અને પ્રો ફિન કૅપિટલ સર્વિસીસના મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીના ઑફિસ અને રહેણાકના ૧૬ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. એ બે કંપનીઓ ઉપરાંત તાજેતરમાં અન્ય ત્રણ કંપનીઓ ક્વૉન્ટમ ગ્લોબલ સિક્યૉરિટીઝ લિમિટેડ, યુનિટી ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ અને ડેઝર્ટ રિવર કૅપિટલ પ્રાઇવેટ લિમિટેડના ઠેકાણાં પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં સિક્યૉરક્લાઉડ ટેક્નોલોજીઝ લિમિટેડના પ્રમોટર અને સીઈઓ સુરેશ વેન્કટાચારીએ ક્વૉન્ટમ ગ્લોબલ સિક્યૉરિટીઝ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ તથા રોહિત અરોરા નામની વ્યક્તિ વિરુદ્ધ ચેન્નઈ પોલીસની સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલા એફઆઈઆરને પગલે મની લૉન્ડરિંગનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું. તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉક્ત સ્ટૉક બ્રોકરેજ અને ફાઇનાન્શિયલ કંપનીઓના માલિકો તથા ડિરેક્ટર્સેે ૧૬૦ કરોડ રૂપિયાના શૅર ઑફ્ફ માર્કેટ ટ્રાન્સફર કરીને વેચી નાખ્યા હતા. એ ગેરકાયદે વ્યવહાર દ્વારા તેમણે જંગી નફો મેળવ્યો હતો. (એજન્સી)