સિલ્વર સ્ક્રીનને સરકારી સર્ટિફિકેટ

મેટિની

ગૃહ પ્રધાન અમિત શાહ માટે ‘પૃથ્વીરાજ’ના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. રિલીઝ પહેલાં રાજકારણીઓને ફિલ્મ દેખાડવાની પ્રથા જૂની છે

કવર સ્ટોરી -હેન્રી શાસ્ત્રી

૧૯૬૫ના જાન્યુઆરી મહિનાની વાત છે. દેવ આનંદ ફુલ ટેન્શનમાં હતા, કારણ કે તેમની ફિલ્મ ‘ગાઈડ’ સામે સેન્સર બોર્ડે લાલ આંખ કરી હતી કે ભાઈ, તમારી ફિલ્મમાં તો વ્યભિચાર છે (આર્કિયોલોજિસ્ટની પત્ની રોઝી સાથે રાજુ ગાઇડને અફેર થઈ જાય છે). સ્માર્ટ દેવસા’બે ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કર્યું એ સમયના માહિતી અને પ્રસારણ ખાતાનાં કેન્દ્રીય પ્રધાન ઇન્દિરા ગાંધી માટે. શો પૂરો થયા પછી દેવ આનંદે સહેજ ગભરાટભર્યા સ્વરમાં ઇન્દિરાજીને પૂછ્યું, ‘ફિલ્મમાં તમને કંઈ વાંધાજનક લાગ્યું? તમને સંતાપ થયો?’ ઇન્દિરાજીનો જવાબ હતો, ‘ના, ફિલ્મ સારી છે. મંત્રાલય તરફથી ફિલ્મ રિલીઝ માટેની પરવાનગી આપતો પત્ર તમને મળી જશે.’ અને વિના મુશ્કેલીએ ‘ગાઈડ’ રિલીઝ થઈ ગઈ. ત્રીજી જૂને રિલીઝ થનાર અક્ષય કુમારની ‘પૃથ્વીરાજ’ ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન પહેલી જૂને ગૃહપ્રધાન અમિત શાહ માટે રાખવામાં આવ્યું છે એ સંદર્ભમાં ‘ગાઈડ’નો કિસ્સો યાદ આવી ગયો. રિલીઝ પહેલાં વિવિધ કારણોસર સત્તારૂઢ રાજકારણીઓને ફિલ્મ દેખાડવાની પ્રથા જૂની છે.
‘ચાણક્ય’ અને ‘મૃત્યુંજય’ જેવી દમદાર ઐતિહાસિક સિરિયલ બનાવનાર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દિગ્દર્શિત ‘પૃથ્વીરાજ’ જાંબાઝ ભારતીય રાજાની કથા છે જેણે દેશની સુરક્ષા ખાતર બલિદાન આપી દીધું. આ ફિલ્મના ટાઇટલ સામે કરણી સેના નામની સંસ્થાએ જો ફિલ્મનું નામ બદલવામાં નહિ આવે તો એ રાજસ્થાનમાં રિલીઝ નહીં થવા દે એવો ઈરાદો સ્પષ્ટ કર્યો છે. ફિલ્મ બિગ બજેટની છે અને અનેક વર્ષના સંશોધન પછી તૈયાર થઈ છે એવો દાવો કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં તેની રિલીઝ સામેનો કોઈ અંતરાય પરવડે નહીં.
વળી વર્તમાન કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે લોકો દેશનાં ઐતિહાસિક મૂલ્યોથી વાકેફ થાય. એટલે અમિત શાહ જેવા ટોચના રાજકારણીની પોઝિટિવ પ્રતિક્રિયા ફિલ્મ માટે ફાયદાકારક સાબિત થઈ શકે. જે ફિલ્મને ગૃહપ્રધાને વખાણી છે એ ફિલ્મ જોવી જ જોઈએ એવી લાગણી થવી સ્વાભાવિક છે. એકંદરે આવો પ્રયાસ ફિલ્મ જોનાર દર્શકોની સંખ્યા વધારી શકે છે. એના બે મુખ્ય લાભ એ થઈ શકે કે જનતા આપણા ભવ્ય ઈતિહાસથી વિસ્તારપૂર્વક વાકેફ થાય અને નિર્માતાને બે પૈસાની કમાણી થાય. પહેલાથી રાષ્ટ્ર ગૌરવ વધે અને બીજું એ કે જો આવા સાહસથી નિર્માતા બે પૈસા કમાય તો એવા બીજા પ્રયાસ કરવા અન્ય ફિલ્મમેકર પણ પ્રેરાય. રાજકારણીઓ માટે વિશેષ શોનું આયોજન વિશેષ હેતુથી જ હોય અને એમાં કશું ખોટું પણ નથી.
તાજેતરમાં વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બતાવવામાં આવી હતી. કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર દર્શાવતી આ ફિલ્મ પહેલે જ દિવસે તગડું કલેક્શન મેળવી શકી હતી. ફિલ્મ અને એની માવજત દર્શકોને સ્પર્શી ગઈ એ હકીકત છે અને વડા પ્રધાને કરેલી પ્રશંસા વધુ દર્શકોને થિયેટર સુધી લઈ જવામાં નિમિત્ત બની હોઈ શકે છે. ફિલ્મ કેવી છે એ વાત બાજુએ રાખી એટલું તો સ્વીકારીએ કે દેશના સર્વોચ્ચ નેતાનું સર્ટિફિકેટ ફિલ્મને વધુ દર્શક મેળવી આપવામાં અને એ નિમિત્તે વ્યાવસાયિક સફળતામાં ઉમેરો કરી શકે છે.
૨૦૦૫માં રજૂ થયેલી ‘સરકાર’ રિલીઝ કરતાં પહેલાં રામ ગોપાલ વર્માએ બાળાસાહેબ ઠાકરેને દેખાડવી પડી હતી એવી વાત વહેતી થઈ હતી. આ ફિલ્મ બાળાસાહેબના જીવન પર આધારિત હોવાની માન્યતા હતી. અલબત્ત, રામ ગોપાલ વર્માએ આ વાતને સાફ રદિયો આપી કહ્યું હતું કે ‘મારા પર કોઈ જાતનું દબાણ નહોતું. ઠાકરે પરિવાર તરફથી ‘સરકાર’ દેખાડવા વિશે કોઈ વિનંતી પણ નહોતી કરવામાં આવી. મિસ્ટર બચ્ચને ભજવેલા સુભાષ નાગરેના પાત્રનું સામ્ય તેમના જીવન સાથે કોઈ સામ્ય હોઈ શકે એવું મને લાગ્યું એટલે મેં તેમને ફિલ્મ જોવા આમંત્રણ આપ્યું હતું. સામ્ય છે કે કેમ એ પોતે જ નક્કી કરે એવી મારી ઈચ્છા હતી. બાળાસાહેબે મારી વિનંતી સ્વીકારી હતી.’
દસેક વર્ષ પહેલાં તમિળ ફિલ્મ ‘વિશ્ર્વરુપમ’ની રિલીઝ પર તમિળનાડુ સરકારે પ્રતિબંધ ફરમાવતાં કમલ હાસને મદ્રાસ હાઈ કોર્ટ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. અલબત્ત, એનો કોઈ ફાયદો ફિલ્મને એ સમયે નહોતો થયો, પણ એના હિન્દી સંસ્કરણને સારી સફળતા મળી હતી તેમ જ વિદેશમાં સુધ્ધાં સારો વકરો કરવામાં સફળ રહી હતી. ‘આંધી’ વિશે કહેવાય છે કે રિલીઝ પહેલાં તત્કાલીન માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન આઈ. કે. ગુજરાલને બતાવવામાં આવી હતી અને તેમની લીલી ઝંડી મળ્યા પછી ફિલ્મ રિલીઝ થઈ હતી.
એક નોંધ પ્રમાણે ભાજપના આધિપત્યવાળી કેન્દ્ર સરકાર નહોતી ત્યારે પણ દિલ્હીમાં લાલકૃષ્ણ અડવાણી માટે ફિલ્મના સ્પેશિયલ શો રાખવામાં આવતા હતા. વર્ષો પહેલાં અડવાણીજી ફિલ્મ ક્રિટિક હતા અને મનપસંદ ફિલ્મ અને નાટક જોવાનો શોખ એમને પહેલેથી જ હતો. એટલે આ સ્ક્રીનિંગ લાભ માટે ઓછા અને શોખ માટે વધુ હતા. આમિર ખાને ‘તારે ઝમીં પર’નો ખાસ શો તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ માટે રાખ્યો હતો અને મનમોહન સિંહે ‘આપણી શિક્ષણ વ્યવસ્થા વિશે આ ફિલ્મ પાઠ ભણાવે છે’ એવી પ્રતિક્રિયા આપી હતી. અલબત્ત, આ પ્રતિક્રિયાનો કેવો અને કેટલો લાભ ફિલ્મને થયો એ વિશે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી, પણ થયો હશે એમ ધારી શકાય ખરું. બીજાં પણ ઉદાહરણ છે.
સ્વતંત્રતા મળી એ પહેલાં તો બ્રિટિશ સેન્સરના જુલમનો સામનો ફિલ્મમેકરોને કરવો પડ્યો હતો. જોકે વી. શાંતારામની ‘ધર્માત્મા’ (૧૯૩૫)નું ઉદાહરણ નોખું તરી આવે છે. ‘ધ હિન્દુ’ અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ‘આ ફિલ્મનું મૂળ નામ ‘મહાત્મા’ હતું, પણ એ સમયના બોમ્બે સ્ટેટના હોમ મિનિસ્ટર કનૈયાલાલ મુનશીએ વાંધો ઉઠાવ્યો હતો.’ શાંતારામની પુત્રી મધુરા જસરાજના કહેવા અનુસાર ‘મુનશીએ શાંતારામ પર અંગત સ્વાર્થ માટે મહાત્મા ગાંધીનું નામ વટાવી ખાવાનો આક્ષેપ કર્યો હતો.’

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.