સિબ્બલે નહેરૂ-ગાંધીના ઓશિયાળા નથી એ સાબિત કર્યું

એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસમાં સોનિયા-રાહુલ ગાંધી સામે નેતૃત્વના મુદ્દે બાંયો ચડાવનારા કપિલ સિબ્બલે રાજ્યસભામાં જવા માટે જોરદાર ખેલ પાડીને સૌને દંગ કરી દીધા છે. સિબ્બલ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે ને સોનિયા-રાહુલ સાથેના પ્રેમભર્યા સંબંધો જોતાં કૉંગ્રેસ તેમને ફરી રાજ્યસભામાં મોકલે એ વાતમાં માલ નથી. તેના કારણે લાગતું હતું કે, સિબ્બલ સાવ નવરા થઈ જશે. તેમની રાજકીય કારકિર્દી પતી જશે.
સિબ્બલે આ ધારણાને ખોટી પાડીને સમાજવાદી પાર્ટીના સમર્થનથી બુધવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવીને સોપો પાડી દીધો છે. સિબ્બલે એલાન પણ કર્યું કે, પોતે ૧૬ મેના રોજ કૉંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. સિબ્બલ ઉત્તર પ્રદેશમાંથી કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે પણ યુપીમાં કૉંગ્રેસ પાસે ગણીને બે ધારાસભ્ય છે તેથી કોઈને પણ રાજ્યસભામાં મોકલી શકાય તેમ નથી.
સિબ્બલને તો બીજેથી પણ રાજ્યસભામાં મોકલવા કૉંગ્રેસ રાજી નહોતી તેથી સિબ્બલે સમાજવાદી પાર્ટીની પંગતમાં બેસીને સાબિત કર્યું કે, પોતે નહેરૂ-ગાંધી ખાનદાનની મહેરબાનીના મોહતાજ નથી. આઝમખાનને જેલમાંથી બહાર લાવવાના બદલામાં રાજ્યસભાની બેઠક મેળવીને તેમણે કોઈએ કલ્પના ના કરી હોય એવો દાવ ખેલી નાખ્યો છે. સિબ્બલ લોકસભાની ચૂંટણી ભલે ના જીતી શકે પણ તેમનાં રાજકીય કનેક્શન હજુ પણ જડબેસલાક છે તેનો આ પુરાવો છે.
કપિલ સિબ્બલે પોતાનું ચોકઠું ફિટ કરીને સાબિત કરી દીધું કે, હવે એ ભારતના રાજકારણના નવા રામ જેઠમલાણી છે. સિબ્બલે ભૂતકાળમાં જેઠમલાણી કરતા હતા એ ખેલની યાદ અપાવી દીધી છે. સિબ્બલ જે રાજ્યસભાની ચૂંટણી માટે મેદાનમાં ઉતર્યા છે તેમની ચૂંટણી ૨૦૧૬ના જુલાઈમાં યોજાયેલી. એ વખતે જે સભ્યો નિવૃત્ત થયેલા તેમાં એક રામ જેઠમલાણી પણ હતા. જેઠમલાણી એ વખતે રાજસ્થાનમાંથી રાજ્યસભાના સભ્ય હતા.
રામ જેઠમલાણી ૨૦૧૦માં ભાજપના નેતાઓને પટાવીને રાજ્યસભામાં પહોંચી ગયેલા પણ પછી તેમની આદત પ્રમાણે ભાજપને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરતાં ભાજપ સાથે તેમને મનમેળ નહોતો રહ્યો. તેના કારણે જેઠમલાણીને ભાજપ ટિકિટ આપે એ વાતમાં માલ નહોતો. બીજી કોઈ પાર્ટી પણ જેઠમલાણીનો હાથ પકડે એવી શક્યતા નહોતી તેથી સૌને લાગતું હતું કે જેઠમલાણીનું બોર્ડ પતી ગયું. હવે ફરી જેઠમલાણી રાજ્યસભામાં જઈ નહીં શકે.
કપિલ સિબ્બલની જેવી હાલત હતી એવી જ હાલત જેઠમલાણીની હતી, પણ જેઠમલાણી જોરદાર કાબા સાબિત થયા. તેમણે એવું ચક્કર ચલાવ્યું કે, લાલુ પ્રસાદ યાદવ તેમના પર વારી ગયા ને જેઠમલાણીને બિહારમાંથી રાજ્યસભામાં મોકલવાનો તખ્તો તૈયાર કરી આપ્યો હતો. બિહારમાંથી લાલુની પાર્ટી આરજેડીની ટિકીટ પર બે સભ્યો ચૂંટાઈ શકે તેમ હતા. તેમાંથી એક બેઠક માટે લાલુ પ્રસાદે પોતાનાં પત્ની રાબડીદેવીને ઉમેદવાર બનાવ્યાં હતાં જ્યારે બીજી બેઠક જેઠમલાણીને દાન કરી દીધી હતી. બિહારમાં એ વખતે લાલુ પ્રસાદ યાદવ અને નીતિશ કુમારનું ગઠબંધન સત્તામાં હતું તેથી લાલુના બે ને નીતિશના બે એમ ચાર ઉમેદવારો રમતાં રમતાં રાજ્યસભામાં પહોંચી ગયાં હતાં.
લાલુ જેઠમલાણી પર વારી ગયા તેનું કારણ ઘાસચારા કૌભાંડમાં તેમણે લાલુને કરેલી મદદ હતી. જેઠમલાણી સુપ્રીમ કોર્ટના મોટા વકીલ હતા. લાલુ ઘાસચારા કૌભાંડમાં ભૂંડી રીતે ભેરવાયેલા હતા. પટણાની સીબીઆઈ કોર્ટે ઘાસચારા કૌભાંડમાં લાલુને પાંચ વર્ષની સજા ફટકારતાં લાલુની રાજકીય કારકિર્દીને વાટ લાગી ગઈ હતી. બંધારણીય જોગવાઈ પ્રમાણે ફોજદારી કેસમાં અપરાધી ઠર્યા એટલે લાલુએ રાજ્યસભાનું સભ્યપદ ગુમાવવું પડ્યું હતું.
ફોજદારી કેસમાં બે વર્ષથી વધારે સજા થાય એટલે લોકસભા, રાજ્યસભા, વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય ના રહી શકો કે ચૂંટણી પણ ના લડી શકો. આ ચુકાદાને કારણે લાલુ સાવ નવરા થઈને બેઠા હતા ને ઘાસચારાના કેસમાં છૂટવા માટે હવાતિયાં માર્યા કરતા હતા. જેઠમલાણીની કબાડિયા અને મહાચોરોને છોડાવવામાં માસ્ટરી હતી તેથી લાલુએ જેઠમલાણીના પગ પકડવા પડેલા. બદલામાં જેઠમલાણીએ પોતાના માટે રાજ્યસભાની ટિકિટ પાકી કરી નાખી હતી. જેઠમલાણી ૨૦૧૦માં સોહરાબુદ્દીન કેસમાં ફસાયેલા અમિત શાહની મજબૂરીનો લાભ લઈને ભાજપની મદદથી રાજ્યસભામાં ઘૂસેલા.
કપિલ સિબ્બલે પણ એ જ ખેલ કર્યો છે. સિબ્બલ પણ સુપ્રીમ કોર્ટના મોટા વકીલ છે ને આઝમખાનને બહાર લાવવા બદલ અખિલેશ તેમના પર રીઝ્યા છે. સિબ્બલ અત્યારે જે સ્થિતિમાં છે એ જોતાં આ વખતે જ નહીં પણ હજુ બીજી એક ટર્મ માટે પણ સિબ્બલ રાજ્યસભામાં પહોંચી જશે એવું લાગે છે. સિબ્બલે આ વખતે આઝમખાન કાર્ડનો ઉપયોગ કર્યો પણ હજુ તેમની પાસે લાલુ પ્રસાદ યાદવ અને હેમંત સોરેનના રૂપમાં બીજાં બે કાર્ડ છે જ કે જેની મદદથી સિબ્બલ ફરી રાજ્યસભામાં જઈ શકે.
લાલુ પરિવાર જાતજાતના કેસોમાં ફસાયેલો છે ને તેમાંથી બહાર નિકળવા માટે સિબ્બલ જરૂરી છે. કાયદાકીય દાવપેચમાં ફસાયેલા લાલુને જામીન અપાવીને સિબ્બલે એક ઉપકાર કર્યો જ છે જ પણ લાલુના પરિવાર સામે એક પછી એક કેસ થઈ રહ્યા છે. ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવનો કેસ કપિલ સિબ્બલ લડી જ રહ્યા છે તેથી બીજા કેસ પણ તેમની પાસે જ આવશે.
આ કારણે આ વખતે પણ રાજદ બિહારથી સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર હતો. રાજદને બિહારમાં આ વખતે રાજ્યસભાની બે બેઠક મળવાનું નક્કી છે તેથી એક બેઠક પરથી લાલુ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર જ હતો. સિબ્બલે પોતાના ઉપકારનું વળતર લેવાનું બાકી રાખીને ભવિષ્યનો રસ્તો ખૂલ્લો રાખ્યો છે.
લાલુ યાદવના પરિવારની જેમ સોરેન પરિવાર પણ કાયદાકીય દાવપેચમાં ફસાયો છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સામે મંત્રી હતા ત્યારે માઈન્સની લીઝ પરિવારને આપીને કુલડીમાં ગોળ ભાંગવાનો આરોપ છે. આ કેસમાં તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવાની અરજી ચૂંટણી પંચ પાસે પેન્ડિંગ છે. પંચ આ અરજી માન્ય રાખે તો સોરેનને બૂચ વાગી જાય. આ મામલો કોર્ટમાં પણ ગયો છે અને કોર્ટમાં સોરેનના વકીલ કપિલ સિબ્બલ છે. સિબ્બલ તેની કિંમત સોરેન પાસેથી વસૂલશે જ એ જોતાં તેમનું ભાવિ પણ સુરક્ષિત છે, ભવિષ્યમાં જેએમએમના સાંસદ બની શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.