સિનેમાની સફર

ઉત્સવ
સ્થાયી પાત્રો વિશેની જાણકારી મેળવ્યા બાદ હવે આ બધાં સ્થાયી પાત્રોના પ્રકારો વિશે જાણકારી મેળવી લઈએ

સાહબ બાથરૂમ મેં હૈ -આશ કરણ અટલ

નાયકના પ્રકાર
દેવદૂત પ્રકારનો નાયક
ભારતીય હિન્દી ફિલ્મોમાં એક સમય એવો આવ્યો હતો, જ્યારે ફિલ્મોમાં રોબિનહૂડ જેવો અથવા તો દેવદૂત પ્રકારનો નાયક જોવા મળ્યો હતો. નાયકનો આ પ્રકાર બાળકોને અને બાળકબુદ્ધિ દર્શકોને ઘણો પસંદ પડ્યો હતો. ક્યાંક કોઈ ગરીબ પર અત્યાચાર થતો જોવા મળે એટલે આ દેવદૂત પ્રકારનો નાયક આંખો પર મહોરું પહેરીને પ્રગટ થઈ જતો હતો. સિનેમા હૉલમાં તાળીઓનો અવાજ ગુંજવા લાગતો હતો. ક્યારેક રોબિનહૂડ તો ક્યારેક સુપરમેન બનીને આજે પણ આવા દેવદૂત પ્રકારનો નાયક આપણી ફિલ્મોમાં અસ્તિત્વ ધરાવે છે.
ગરીબોનો હમદર્દ, કમજોરોનો દોસ્ત આ પ્રકારનો નાયક શ્રીમંતોને લૂંટીને બધા પૈસા ગરીબોમાં વહેંચી નાખે છે. પોતાની પાસે ક્યારેય એક પૈસો રાખતો નથી. આમેય જોકે તે રાખી લે તો તેની પાસે હિસાબ માગનારું કોણ છે?
આવા પ્રકારના નાયકને કારણે જ આપણા દેશના ગરીબોએ આજ સુધી ક્રાંતિ કરી નથી. આવા પ્રકારના નાયકે આપણી ભોળી જનતાને આશા બંધાવી દીધી છે. તેણે એક ઈલ્યુઝન પકડાવી દીધું છે કે ‘હું છુંને.’
સામાન્ય લોકો પાસેથી તેમની કોશિશ છીનવી લીધી. જ્યારે પણ ગરીબ મુસીબતમાં સપડાય છે ત્યારે તે હાથ પર હાથ રાખીને કોઈ સુપરમેન, કોઈ રોબિનહૂડની રાહ જોયા કરે છે. તે બેફિકર થઈ જાય છે કે હવે તો રોબિનહૂડ ઘરેથી નીકળી ગયો હશે. બસ હવે તો પહોંચતો જ હશે.
——–
ટ્રેજિક નાયક
સિનેમાના પ્રારંભિક દિવસોમાં ટ્રેજેડી ફિલ્મની ઘણી બોલબાલા હતી. કે. એલ. સાયગલ, દિલીપ કુમારને ટ્રેજિક નાયકની ભૂમિકા ભજવવામાં નિપુણ માનવામાં આવતા હતા. દિલીપ કુમારને તો ટ્રેજેડી કિંગનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
સાહિત્યના ધીરોદત્ત પ્રકારના નાયકના બધા જ ગુણો ફિલ્મોના આ દુ:ખી નાયકમાં જોવા મળતા હોય છે. ધીરજવાન, વિનમ્ર અને શ્રમવાન, કાયમ પોતાના દુ:ખને દાઢી વધારીને પ્રગટ કરનારો. ક્યારેય પોતાનું દુ:ખ બોલીને વ્યક્ત ન કરનારો. આ નાયક એવો હતો કે પોતાના પ્રેમની દુનિયા ઉજાડી નાખનારા લોકોને પણ તેણે કાયમ માફ કરી દીધા હતા. ક્યારેય બદલો લેવાનું કામ કર્યું નહીં.
આવો એકદમ પ્રાત: સ્મરણીય ઉચ્ચ કોટિનો હોય છે ટ્રેજિક પ્રકારનો નાયક. આજકાલના દર્શકો આવા પ્રકારના નાયકની અવગણના કરતા હોવાથી હવે આવા પ્રકારનો નાયક લુપ્ત પ્રજાતિ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જો આવુું જ ચાલ્યા કરશે તો એક દિવસ ડાયનોસોર જેમ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયા એમ ફિલ્મોની દુનિયામાંથી ટ્રેજિક નાયક લુપ્ત થઈ જશે.
(શબ્દાંકન: વિપુલ વૈદ્ય)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.