સિંધિયાએ રાષ્ટ્રીય ઍરો સ્પૉર્ટ્સ નીતિ જાહેર કરી

ટૉપ ન્યૂઝ

નવી દિલ્હી: કેન્દ્રના નાગરિકી ઉડ્ડયન ખાતાના પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે રાષ્ટ્રીય ઍરો સ્પૉર્ટ્સ નીતિ જાહેર કરી હતી.
પૅરાગ્લાઈડિંગ, ઍરોબેટિક્સ અને બલૂનિંગ સહિતની ૧૧ રમતોને પ્રોત્સાહન આપવા આ નીતિ ચાર સ્તરીય વહીવટી માળખાની રચના કરશે.
દેશભરમાં ઍર સ્પૉર્ટ્સ માટેના સ્થળો શોધી કાઢવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
અમુક કોરિડોરમાં અમે ડ્રોનના ધોરણે ઍર સ્પૉર્ટ્સ માટે અલગ ઍર સ્પેસનું નિર્માણ કરવાની વિચારણા કરી રહ્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.
આ બાબત ઍર સ્પૉર્ટ્સને વેગ અને પ્રોત્સાહન આપશે, એમ તેમણે કહ્યું હતું. ભારતમાં ઍર સ્પૉર્ટ્સને લગતાં સાધનોનું ઉત્પાદન કરવા પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર વળતર આપવાની યોજના ઘડવા વિચારણા કરી રહી છે.
યુવાશક્તિને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા દેશને ઍર સ્પૉર્ટ્સની વૈશ્ર્વિક રાજધાની બનાવવાનો સમય આવી ગયો છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતને ઍર સ્પૉર્ટ્સમાં ટોચનો દેશ બનાવવાની દૂરંદેશી
રાખીને આ નીતિ ઘડવામાં આવી છે.
આ નીતિ હેઠળ સરકારે ઍરોબેટિક્સ, ઍરો મૉડલિંગ ઍન્ડ રૉકેટરી, બલૂનિંગ, ઍમેટર બિલ્ડ ઍન્ડ ઍક્સપરીમેન્ટલ ઍરક્રાફ્ટ, ડ્રોન્સ, ગ્લાઈડિંગ ઍન્ડ પાવર ગ્લાઈડિંગ, હૅન્ડ ગ્લાઈડિંગ ઍન્ડ પાવર હૅન્ડ ગ્લાઈડિંગ, પેરાશ્યૂટિંગ, પેરાગ્લાઈડિંગ ઍન્ડ પેરામોટરિંગ, પાવર્ડ ઍરક્રાફ્ટ ઍન્ડ રોટર ઍરક્રાફ્ટ જેવી ૧૧ ઍર સ્પૉર્ટ્સ રમતો ઓળખી કાઢી છે.
આ યાદી લંબાવી શકાય એમ હોવાનું તેમણે કહ્યું હતું. વર્તમાનમાં ભારતની ઍર સ્પૉર્ટ્સ ઈન્ડસ્ટ્રીની આવક ૮૦થી ૧૦૦ કરોડ રૂપિયાની છે. આ ઈન્ડસ્ટ્રીની આવક વધારીને રૂ. ૧૦,૦૦૦ કરોડ કરવાનું અમારું લક્ષ્ય છે, એમ તેમણે કહ્યું હતું. (એજન્સી)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.