સહુથી ઝડપી અને મફત… ‘સલાહ’

વીક એન્ડ

મસ્તરામનીમસ્તી – મિલન ત્રિવેદી

મારું માનો તો… કહીને તમારી વાતમાં વચ્ચે આખલો અચાનક ઢીક મારે એમ ઘૂસે એ વણમાગ્યો સલાહવીર.
હમણાં મહારાષ્ટ્ર સરકારમાં સલાસલી વધી ગઈ છે. સરકારમાં બેઠેલા લોકોને જેટલી ચિંતા નથી તેટલી ચિંતા નવરી બજારમાં વ્યસ્ત લોકોને છે. હજી તો તમે વાતની શરૂઆત કરો કે મહારાષ્ટ્ર સરકાર… ત્યાં તો ગમે તેમ કરી અને વચ્ચે ઘૂસીને સલાહ દેવાનું શરૂ કરે. ‘ઉદ્ધવ ઠાકરેએ હું કહું તે રીતે પગલાં લેવાં જોઈએ. બધું સમુંસૂતરું પાર પડી જાય’. ‘પવાર સાહેબ મારું માને તો…’ અરે ભાઈ, તારું તારા ઘરના માનતા નથી. તું ભીંડાના શાકની ડિમાન્ડ મૂકે છે અને દાધારિંગી બૈરી દૂધીનું બટકાવે છે. પવારસાહેબ શું કામ માને? અને ‘દેવેન્દ્ર ફડણવીસ હું કહું તે રીતે કરે તો કાલ સવારે મુખ્ય પ્રધાન તરીકે બેસી શકે’. હું તારા ઘરના સોફા પર તારી ઘરવાળી કહે તો જ બેસી શકે છે. દેવેન્દ્રજી શું કામ તારી સલાહ માને અને જે ગયા છે તે કદાચ માત્ર મા લક્ષ્મીની વાત જ માનતા હોય એમ પણ બને.
માત્ર સરકારની બાબતમાં નહીં, પરંતુ કોઈ પણ બાબતમાં તમે કોઈ વાત ઉચ્ચારો અને ત્યાં થોડો પણ પ્રશ્ર્નાર્થ સંભળાય એટલે અંદરનો સલાહવીર જાગૃત થાય.
અમે અમારા હાસ્યના કાર્યક્રમમાં હંમેશાં શરૂઆતમાં જ કહી દઈએ કે ‘એક હાસ્ય કલાકાર તરીકે અમારી વણમાગી સલાહ છે કે જે હસે નહીં તેનો ભરોસો ન કરવો, એને વેવાઈ કે વેવાણ (એ તો હસમુખી જ જોઇએ, શું ક્યો છો?) પણ ન બનાવવાં (આટલું બોલો એટલે તરત જ લોકો હસવા માંડે)’. પછી બીજી સલાહ આપું કે ‘પાછું બહુ હસે તેનો પણ ભરોસો ન કરવો. ઉઠમણા કે બેસણા જેવા પ્રસંગે થોડું સોગિયું ડાચું પણ જરૂરી હોય છે. પ્રસન્ન વદને બાપુજીના ખરખરા ન કરાય’. અને ત્રીજી અને છેલ્લી સલાહ કે ‘કોઈની સલાહ માનવી નહીં’.
ઘણા અભણ મંત્રીઓ શિક્ષણમંત્રી બની ગયા હોય અને પાછા પીએચ.ડી. થયેલાને સલાહ આપતા હોય. એલા ભાઈ, નોન મેટ્રિકને આરોગ્ય વિભાગના મંત્રી બનતા જોયા છે. આવું થાય ત્યારે સમાજ આખો ડખ્ખે ચડે, પણ ત્યાં કોઈ સલાહવીર નહીં પહોંચે.
મંજુ માથાફરેલને અમારા ગામની એક દીકરીને સલાહ દેતી સાંભળી, ‘જો બાઈ, ધણી થોડો આકરો સારો, નમાલા ધણી નકામા, મારું માન તો માફી માગી પાછી સાસરે વૈ જા.’ મંજુ બે વરસથી રિસામણે બેઠેલી છે તે આવી સલાહ દે તો હસવું જ આવેને?
હમણાં અમારા એક લોકસાહિત્યના પ્રખર વક્તા એવા અનુભા ગઢવીને ગળામાં થોડી તકલીફ થઈ. હવે આજીવિકા જ અમારું ગળું છે. કોઈ રોગ કે વ્યક્તિ તમારું ગળું પકડી લે તો સ્વાભાવિક છે ચિંતા થાય જ અને હું થોડો મેડિકલ ફિલ્ડ સાથે ભૂતકાળમાં સંકળાયેલો એટલે મને ફોન આવ્યો કે શું કરવું જોઈએ? મારા મિત્ર ડો. વિમલ હેમાણી સારા ઈ.એન.ટી. સર્જન એટલે મેં માગી એટલે સલાહ આપી. ‘અહીં આવી જાઓ, બધું સારું થઈ જશે.’ અમે ત્રણ-ચાર જણા સાથે ગયેલા એટલે પહેલી સલાહ મારી સાથે રહેલા ચૂનિયાએ આપી કે ‘ડોક્ટરની ચેમ્બરમાં બે જણ જશે, તમે બધા બહાર બેસજો.’ ત્યાં બીજી સલાહ આવી ‘કોરોનાની હળવી શરૂઆત છે એટલે હાથ સેનિટાઈઝ કરો અને માસ્ક પહેરો.’ અમે બહાર વેઇટિંગમાં બેઠા હતા ત્યાં જ ચૂનિયાએ પૂછ્યું કે ‘શું થયું છે?’ તો અનુભા કહે, ‘એક ડોક્ટરને દેખાડ્યું તો તેણે કહ્યું કે મસો થયો છે…’ તરત જ ચૂનિયાએ પૂછ્યા વગર એન્ટ્રી મારી, ‘ઘોડાનો વાળ બાંધો. અહીંથી ઊભા થાવ. ખોટા ખર્ચામાં પડો નહીં. મારા એક મિત્રને ત્યાં બે ઘોડા છે, અબઘડી ચાર-પાંચ વાળ એને ખબર ન પડે એમ લઈ આવું.’ મેં કહ્યું, ‘ગળામાં અંદર છે. તારા બાપુજીને ફોન કરીને પૂછ કે ગળામાં ઘોડાનો વાળ અંદર કઈ રીતે બંધાય?’ સામાન્ય રીતે તમે કોઈ પણ દર્દની વાત કરો તો તેના જે સ્પેશિયાલિસ્ટ હોય તેની પાસે આપણે જવું જોઈએ, પરંતુ તે ભણેલા ડોક્ટરોની વાત છે. અત્યારે સામાન્ય માણસ છે તે તમામ પ્રકારની ડિગ્રી ધરાવતો ડોક્ટર થઈ ગયો છે. તમે જે દર્દ બોલો તેની દવા તેની પાસે હાજર જ હોય. મસા તો ઘણી જગ્યાએ થાય, પણ બહાર દેખાતા હોય ત્યાં તમે કદાચ આ ઘોડાવૈદું કરી શકો. અંદર મસા થાય ત્યાં ક્યાં બાંધવા જાઓ, પરંતુ જેને સલાહ જ દેવી છે તેનું શું કરવું?
એક બહુ જૂની વાત તમને યાદ દેવડાવું. જગાનો બળદ માંદો પડ્યો એટલે તરત જ ગામના ઉતાર મનુ નડતર બીડીના ઠૂંઠાને દોરા સુધી ખેંચતાં બોલ્યો, ‘ભગાકાકાના બળદને પણ ગળામાં આવો જ સોજો આવેલો. ડોક્ટરના પૈસા ન ખરચવા હોય તો ભગાકાકાને પૂછી આવ.’ જગો દોડતો ભગાની ડેલીએ પહોંચ્યો. તેને કહ્યું કે ‘મારા બળદને તારા બળદ જેવું જ દરદ છે. તારા બળદને શું ઈલાજ કરેલો?’ એટલે ભગાએ કહ્યું કે ‘તેને મેં એક કિલો એરંડિયું પાયું હતું.’ જગો દોડતો દોડતો પોતાના બળદ પાસે ગયો અને બળદે ના પાડી છતાં બળપૂર્વક એક કિલો એરંડિયું પાઈ દીધું. એકાદ કલાકમાં બળદ મરી ગયો. જગો દોડતો દોડતો ભગા પાસે ગયો અને કહ્યું કે ‘મારો બળદ તો તરફડીને મરી ગયો.’ ભગો કહે, ‘મારો પણ મરી ગયો હતો.’ જગાએ રાડ પાડી કે ‘તો મને પહેલાં કહેવાયને?’ ભગો કહે, ‘તેં મને ઈલાજ પૂછ્યો હતો, પરિણામ પૂછ્યું હતું?’ એટલે અમુક લોકોને મોઢામાં આંગળાં નાખી બોલાવો તો જ બોલે. આવા લોકોથી પણ ચેતવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.