સલમાનના ધમકીપત્રને મુંબઈ પોલીસે ગંભીરતાથી લીધો છે: સંજય પાંડે

આમચી મુંબઈ

ઍક્ટરના નિવાસસ્થાન બહારની સુરક્ષા વધારાઈ

જડબેસલાક સુરક્ષા: સલમાન ખાનના બાન્દ્રાના નિવાસસ્થાનની બહાર પોલીસે કડક જાપ્તો રાખ્યો છે. (જયપ્રકાશ કેળકર)

મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનને મળેલા ધમકીભર્યા પત્રને પોલીસે ‘ગંભીરતા’થી લીધો છે અને દરેક પાસાંની તપાસ કરવામાં આવી રહી છે, એવું મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ સોમવારે જણાવ્યું હતું. સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને જાનથી મારવાની ધમકી મળ્યા પછી પોલીસે અભિનેતાના નિવાસસ્થાન બહારની સુરક્ષા વધારી દીધી હતી.
સલમાન ખાનના પિતા અને જાણીતા ફિલ્મ રાઈટર સલીમ ખાન (૮૬) રવિવારે સવારે વૉક માટે બૅન્ડસ્ટૅન્ડ ગયા ત્યારે તેમને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. સલીમ ખાન બૅન્ડસ્ટૅન્ડની જે બૅન્ચ પર હંમેશાં બેસતા હોય છે ત્યાં અજાણ્યો શખસ એક ચિઠ્ઠી મૂકી ગયો હતો. ચિઠ્ઠીમાં સલમાન અને સલીમ ખાનને ઉદ્દેશીને ‘સલીમ ખાન, સલમાન ખાન બહુત જલ્દ આપકા મુસેવાલા હોગા,’ એવી ધમકી આપવામાં આવી હતી. ચિઠ્ઠીમાં છેલ્લે અંગ્રેજીના કેટલાક અક્ષર પણ નોંધવામાં આવ્યા હતા. ધમકીભર્યો પત્ર મળ્યા બાદ સલીમ ખાને આ બાબતે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધમકીને પગલે અભિનેતાના નિવાસસ્થાન ફરતેના વિસ્તારમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
પત્રકારો સાથેની વાતચીતમાં પોલીસ કમિશનર પાંડેએ જણાવ્યું હતું કે આ ગંભીર મામલો હોવાથી અમે તેને ગંભીરતાથી લીધો છે. અમારા અધિકારીઓ આ કેસની સક્રિયપણે તપાસ કરી રહ્યા છે.
સોમવારે મોડી સાંજ સુધી આ કેસમાં કોઈને તાબામાં લેવાયો નથી. પત્ર બનાવટી હોવાનું કહેવું હાલના તબક્કે વહેલું ગણાશે અને આ કેસમાં લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ (ગૅન્ગની સંડોવણી) અંગે અમે કંઈ કહેવા માગતા નથી. પત્રમાં જે કંઈ પણ લખ્યું હોય, અમે તેને ગંભીરતાથી લઈ તપાસ કરી રહ્યા છીએ, એમ પાંડેએ જણાવ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.