Homeદેશ વિદેશસર્વોચ્ચ અદાલતમાં ૩૭ વર્ષનો પ્રવાસ સુખમય રહ્યો: ચીફ જસ્ટિસ

સર્વોચ્ચ અદાલતમાં ૩૭ વર્ષનો પ્રવાસ સુખમય રહ્યો: ચીફ જસ્ટિસ

ભારતના ચીફ જસ્ટિસ લલિત, આગામી
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને અન્ય મહાનુભાવો

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતમાં કામગીરીનો ૩૭ વર્ષનો અનુભવ સુખમય રહ્યો હોવાનું વિદાય લેતા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે જણાવ્યું હતું. મંગળવાર, ૮ નવેમ્બરે નિવૃત્ત થતા ચીફ જસ્ટિસ લલિત સોમવારે સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયમૂર્તિના પદના છેલ્લા દિવસે સેરીમેનિયલ બૅન્ચમાં તેમના અનુગામી જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી જોડે બેઠા હતા. તેમણે જણાવ્યું હતું કે મેં વકીલ તરીકે અને ન્યાયમૂર્તિ તરીકે એમ બન્ને કામગીરીઓને માણી છે.
ચીફ જસ્ટિસ લલિતે જણાવ્યું હતું કે મને વડા ન્યાયમૂર્તિના હોદ્દાનો અખત્યાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડને સોંપતાં આનંદ થાય છે. તેમણે સર્વોચ્ચ અદાલતમાં કામગીરીની શરૂઆત તેમના પિતા દેશના ૧૬મા ચીફ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડ સમક્ષ રજૂ થઈને કરી હતી. મેં આ અદાલતમાં ૩૭ વર્ષ પસાર કર્યા છે. મેં અહીંની પ્રૅક્ટિસ સર્વોચ્ચ અદાલતની
કોર્ટ નંબર-૧માં શરૂ કરી હતી. મૂળ હું બોમ્બે હાઈ કોર્ટમાં પ્રૅક્ટિસ કરતો હતો અને એ વખતના ચીફ જસ્ટિસ વાય.વી. ચંદ્રચૂડ સમક્ષ એક મેટર મેન્શન કરવા માટે આવ્યો હતો. એ સર્વોચ્ચ અદાલતમાં મારો પહેલો દિવસ હતો. આ કોર્ટમાં મારો પ્રવાસ શરૂ થયો અને આ કોર્ટમાં પૂરો થયો. જે વ્યક્તિ સમક્ષ મેં મેટર મેન્શન કરી હતી, તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના હોદ્દાનો અખત્યાર તેમના અનુગામીઓને સોંપ્યો. અનુગામીને અખત્યાર સોંપવાના એ સિલસિલામાં આજે હું એક વિશિષ્ટ વ્યક્તિને પદભાર સોંપી રહ્યો છું. એ વ્યક્તિ મેં જે વ્યક્તિ-ચીફ જસ્ટિસ-સમક્ષ કારકિર્દી શરૂ કરી હતી, તેમના પુત્ર છે. મારે માટે આ એક સુંદર અવસર છે. હું આથી વધુ કોઈ અપેક્ષા રાખી ન શકું. (એજન્સી)

 

RELATED ARTICLES

Most Popular