સરળ લાગતી મસાલા ફિલ્મોમાં વધારે મહેનત કરવી પડે છે: કાર્તિક આર્યન

મેટિની

નીધિ ભટ્ટ

એક સમયે ‘પંચનામા’ કે મોનોલોગવાળા છોકરા તરીકે ઓળખાતા કાર્તિક આર્યને ‘સોનૂ કે ટીટૂ કી સ્વીટી’થી ચાહકોના મનમાં એવી જગ્યા બનાવી કે તે આજની પેઢીના હરદિલ અઝીઝ અભિનેતાઓની યાદીમાં સામેલ થઈ ગયો. હમણાં જ જેની ‘ભૂલ ભુલૈયા-ટૂ’ રજૂ થઈ છે તે કાર્તિકની આવનારી ફિલ્મોની યાદીમાં ‘શાહઝાદા’, ‘કેપ્ટન ઈન્ડિયા’, ‘સત્યનારાયણ કી કથા’, ‘ફ્રેડી’ જેવાં નામ સામેલ છે. રજૂ કરીએ છીએ કાર્તિકની આ શાનદાન સફરની ખાસ વાત-
ક પાંચ વર્ષ પહેલાં તું લોકો માટે ‘પંચનામા’વાળો છોકરો હતો, ત્યાંથી હરદિલ અઝીઝ અભિનેતા બનવાના પ્રવાસ વિશે શું કહીશ?
તમે સાચું કહો છો. લોકોને મારું નામ જ ખબર નહોતી. તેઓ મોનોલોગવાળો છોકરો કહેતા હતા. ‘પંચનામા-ટૂ’ હિટ થયા બાદ પણ હું ઓડિશન આપતો રહેતો હતો. લોકો ત્યારે મારું નામ પણ જાણતા નહોતા. તેમને મારું નામ ‘સોનૂ…’ ફિલ્મ આવી પછી ખબર પડી. જોકે તે પહેલાં હું ચાર-પાંચ ફિલ્મ કરી ચૂક્યો હતો. શરૂઆતની ફિલ્મો ન ચાલી આથી એક અલગ પ્રેશર હતું, પણ મારા માટે ધીરજ સફળતાની ચાવી હતી. મેં ક્યારેય મારા પર મહેનત કરવાનું છોડ્યું નથી. ઘણી વાર એવું થાય કે આપણે નાસીપાસ થઈ જઈએ અને એમ થાય કે અહીંથી નીકળી જઈએ, પરંતુ મેં એવું વિચાર્યું કે ક્યારેક તો આ લોકો સમજશે. હું નવા અભિનેતાઓને પણ કહેવા માગું છું કે સખત મહેનત કરો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. હું એમ જ માનીને ચાલું છું કે કોઈ કામ આજે નથી થયું તો વાંધો નહીં, ક્યારેક તો થશે.
ક મસાલા એન્ટરટેઈનર ફિલ્મને સરળ માનવામાં આવે છે, આ વિશે તારું શું માનવું છે?
મારા મતે કોમેડી સૌથી અઘરું ઝોનર છે. કોમેડી કરતા સમયે ક્યારેક તમે ઉપર કે નીચે ચાલ્યા જાઓ છો. તેમાં એક સાવ બારીક લાઈન પકડીને રાખવી પડે છે જે ખૂબ જ મુશ્કેલ કામ છે. આજેે તો ઘણી કોમેડી ફિલ્મો બને છે, પણ ચાલે છે અમુક જ. હા, મારી અંદર એક નેચરલ કોમિક ટાઈમિંગ છે, તેથી કોમેડીનો ફ્લો સાચો રહે છે. વળી, હું કોઈ રડવાનો સીન હોય તો પણ આસાનીથી કરી શકું છું. મારા ડાયરેક્ટર મારાથી ખુશ થઈ જાય છે, કારણ કે આ બંને વસ્તુ મારામાં કુદરતી રીતે છે. મારા હિસાબે મારું મેદાન ફેમિલી ઓડિયન્સ છે. ફેમિલી ઓડિયન્સ જેવી ફિલ્મો જોવાનું પસંદ કરે છે, તેવી ફિલ્મોમાં તે મને જોઈ શકે છે.
ક તેં રોમેન્ટિક હીરો તરીકે તો પોતાની જગ્યા બનાવી, હવે આગળ શું કરવા માગે છે?
સૌથી પહેલાં તો હું મારા ચાહકોનો ખૂબ જ આભારી છું. તેમણે જે રીતે મને પ્રેમ કર્યો છે, હું પણ તેમને એટલો જ પ્રેમ કરું છું. ઘણી વાર એવો વિચાર પણ આવે છે કે મેં કંઈ એટલું બધું કામ નથી કર્યું તેમ છતાં તેઓ મને આટલું ચાહે છે. આના લીધે મને અલગ અલગ પ્રકારનાં કામ કરવાની પ્રેરણા મળે છે. મને એક ભૂમિકામાં તેમણે પસંદ કર્યો છે તો બીજીમાં પણ કરશે, તેવી હિંમત બંધાય છે. મેં ઝોનર બદલવા અંગે કોઈ વિચાર કર્યો નથી. હું માત્ર એંગેજિંગ ફિલ્મો કરતો રહીશ અને મારી આવનારી ફિલ્મો આવી જ છે. હું એમ નથી વિચારતો કે હાલમાં રોમેન્ટિક ફિલ્મો કરું છું તો આગલી ફિલ્મ કંઈક બીજા પ્રકારની હશે. માનો કે મારી પાસે લગાતાર ત્રણ નવી ફિલ્મ આવે તો છોડીશ નહીં. હું માત્ર સ્ક્રિપ્ટ જોઉં છું.
ક કરોનાકાળમાં એવી ખબરો આવતી હતી કે તારે અમુક ફિલ્મો ગુમાવવી પડી. તે સમયને કેવી રીતે સંભાળ્યો અને શું તને લાગે છે કે તને ટાર્ગેટ કરવામાં આવ્યો હોય?
યાર, આ વિશે હું બોલવા નથી માગતો. આજ સુધી નથી બોલ્યો તો હવે શા માટે બોલું. હું આ બધા પર વિચારવાને બદલે મારા કામ પર ધ્યાન આપું છું.
ક એમ માનવામાં આવે છે કે મસાલા ફિલ્મોમાં વધારે એક્ટિંગ નથી કરવી પડતી. ઈન્ટેન્સ કે ગંભીર ફિલ્મોમાં કામ કર્યા બાદ જ દાદ મળે છે, તું શું માને છે?
હા, એ તો છે. જ્યારે હું ધમાકા ફિલ્મ કરતો હોઉં ત્યારે લોકો કહે છે કે શું એક્ટર છે. જ્યારે આવી ફિલ્મો કરું છું ત્યારે લોકોને લાગે છે કે એ તો આસાનીથી થઈ જાય છે, પણ હકીકત તો એ છે કે બધું જ કરવું મુશ્કેલ છે. આવી ફિલ્મોમાં મહેનત વધારે લાગે છે. એટલે હું માનું છું કે તમામ પ્રકારની ફિલ્મોને એક સરખી પ્રશંસા મળવી જોઈએ. આનું કારણ એ છે કે લોકો હસી-મજાકને સરળતાથી લે છે એટલે તેમને લાગે છે કે આવી ફિલ્મો પણ સરળતાથી બની જતી હશે, પણ હું ઈમાનદારીથી કહું છું કે આ સૌથી મુશ્કેલ ઝોનર છે. જોકે આવી માન્યતા હોવા છતાં પણ ઈન્ડસ્ટ્રીના લોકો સમજે છે કે તમે જે કંઈ કર્યું છે તે બરાબર કર્યું છે અને તમને તમારો હક મળે છે, પણ હા, બંને ઝોનરને બરાબર સમજવામાં આવે તો સારું રહેશે. હું દરેક પ્રકારની ફિલ્મ કરું છું. મારી આવનારી ફિલ્મો એકબીજાથી અલગ છે.
ક સાર્તિક વિશે એટલે કે સારા-કાર્તિકના સંબંધો વિશે શું કહીશ? તે માત્ર પ્રમોશન માટે હતું?
નહીં નહીં, પ્રમોશનલ નહોતું. હવે હું કઈ રીતે સમજાવું. અમે લોકો પણ માણસ છીએ.
દરેક વાત પ્રમોશન માટે નથી હોતી. હું આ વિશે આટલું જ કહીશ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.