સરકારી હૉસ્પિટલોની નર્સોની માગણી પૂરી કરવાની સરકારે ખાતરી આપતાં હડતાળ મોકૂફ

આમચી મુંબઈ

મુંબઇ: મહારાષ્ટ્ર રાજ્ય સંચાલિત હૉસ્પિટલોની નર્સો ૨૮ મેથી અનિશ્ર્ચિત મુદતની હડતાળ પર હતી. પંદર જુલાઈ સુધીમાં તેમની માગણીઓનું નિરાકરણ કરવાની સરકાર દ્વારા ખાતરી આપ્યા બાદ આંદોલન મોકૂફ કરી દીધું છે, એમ નર્સિંગ એસોસિયેશને બુધવારે જણાવ્યું હતું.
ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા નર્સોની ભરતી કરવાના સરકારના નિર્ણયના વિરોધમાં તેઓ હડતાળ પર ઊતરી ગયા હતા. મહારાષ્ટ્ર સ્ટેટ નર્સિંગ એસોસિયેશન (એમએસએનએ)એ દાવો કર્યો હતો કે સરકારના આ નિર્ણયના કારણે નર્સોનું તેમના કામના કલાકો અને મહેનતાણાના સંદર્ભમાં શોષણ થઇ શકે છે.
નર્સોએ ૨૬ અને ૨૭ મેના રોજ પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને જો તેમની માગણીઓ સંતોષવામાં
નહીં આવે તો વધુ તીવ્ર આંંદોલન કરવાની ચીમકી આપી હતી. મહારાષ્ટ્રના તબીબી શિક્ષણ પ્રધાન અમિત દેશમુખ બુધવારે વિરોધ કરી રહેલી નર્સોને મળ્યા હતા.
ચર્ચા સકારાત્મક હતી અને પંદર જુલાઈ સુધીમાં તેમની માગણીઓનું નિરાકરણ કરવાની લેખિત ખાતરી આપ્યા બાદ અમે અમારું આંદોલન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે, એમ એમએસએનએએ જણાવ્યું હતું.
મુંબઈ સહિતની સરકારી હૉસ્પિટલોની પંદર હજારથી વધુ નર્સો હડતાળ પર ઊતરી હતી. મુંબઈમાં લગભગ પંદરસો નર્સોએ હડતાળમાં ભાગ લીધો હતો. તેના કારણે આરોગ્ય વિભાગ પર દબાણ આવ્યું હતું. કેટલીક હૉસ્પિટલોને પહેલીથી આયોજિત સર્જરીની સંખ્યામાં ઘટાડો કરવાની ફરજ પડી હતી, એમ એમએસએનએએ વધુમાં જણાવ્યું હતું.
એમએસએનએએ નર્સિંગ અને એજ્યુકેશન ભથ્થાં પણ માગ્યાં છે. કેન્દ્ર અને કેટલાંક રાજ્યો ૭,૨૦૦ રૂપિયાનું નર્સિંગ ભથ્થું ચૂકવે છે. મહારાષ્ટ્રમાં પણ નર્સોને આ લાભ મળવો જોઈએ, એમ એમએસએનએએ જણાવ્યું હતું. (પીટીઆઇ)

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.