સપ્ત બદરી, સપ્ત પ્રયાગ – સરસ્વતીના જળને સ્વાસ્થ્યપ્રદ નહીં, જ્ઞાનપ્રદ પણ ગણાવાયું છે

ધર્મતેજ

જીવનનું અમૃત – ભાણદેવ

સરસ્વતી નદી અને અલકનંદા નદીનો સંગમ ‘કેશવપ્રયાગ’

સરસ્વતીના આ પ્રાગટયસ્થાનને તીર્થ ગણવામાં આવે છે અને તેને ‘માનસોદ્ભેદતીર્થ’ કહેવામાં આવે છે.
હમણાં-હમણાં આ ભીમપુલ પાસે સરસ્વતીનું નાનું મંદિર પણ બન્યું છે અને સરસ્વતી દેવીની નાની મૂર્તિની પ્રતિષ્ઠા પણ થઇ છે.
આ પ્રચંડ વેગ અને પ્રચંડ નાદ સાથે વહેતી આ સરસ્વતી નદી ભીમપુલ નીચેથી પસાર થઇને આગળ દોડે છે. પશ્ર્ચિમ દિશા તરફથી સતોપથ અને અલકાપુરીનું જળ લઇને અલકનંદા દોડતી-દોડતી આવે છે. આ બંને બહેનો અહીં માનાગામની નીચેના વિસ્તારમાં અન્યોન્ય ભેટે છે, બન્નેનો સંગમ થાય છે. સરસ્વતી અને અલકનંદાના આ સંગમને જ ‘કેશવપ્રયાગ’ કહેવામાં આવે છે. આ ભૂમિનું કેન્દ્રસ્થ તીર્થ આ ‘કેશવપ્રયાગ’ જ છે. ભીમપુલ પાસેથી એક પગદંડી સંગમસ્થાન અર્થાત્ કેશવપ્રયાગ તરફ જાય છે. અહીં સ્નાનનો મહિમા નથી. આટલા શીતલ સ્થાનમાં સ્નાનનો શો મહિમા હોય? આ તીર્થનાં દર્શન, આચમન, પ્રોક્ષણ આદિનો મહિમા છે.
તદનુસાર અમે પણ દૂરથી જ કેશવપ્રયાગ તીર્થનાં દર્શન કરી સંતોષ માન્યો.
‘સ્કંદપુરાણ’ના કેદારખંડમાં આ પ્રયાગને ‘કેશવપ્રયાગ’ નામ આપવામાં આવેલ છે અને આ સ્થાનનો ખૂબ મહિમા પણ ગવાયો છે.
લોકમાન્યતા એવી છે કે આ ‘માનસોદ્ભેદ’માં પ્રગટ થયેલ સરસ્વતીધારાના જળ જેવું સુંદર, મધુર અને સ્વાસ્થ્યપ્રદ જળ સમગ્ર ગઢવાલમાં ક્યાંય નથી. આ તો પથ્થરમાંથી પ્રગટતું જળ છે ને!
‘સ્કંદપુરાણ’માં સરસ્વતીના જળને માત્ર સ્વાસ્થ્યપ્રદ નહીં, પરંતુ જ્ઞાનપ્રદ પણ ગણાવેલ છે.
ડયૃણ-શ્ર્નક્ષયૃ-શ્ર્નણળણક્ષુઘળ શ્ર્નટૂટ્ટ્રૂરુધમધ્ડર્ણેીં
લફશ્ર્નમટ્ટ્રૂળ ણ રુમખ્રગજ્ઞર્ડીં ઇંૂબજ્ઞ ટશ્ર્ન્રૂ ઇંડળખણ ॥
“જે સરસ્વતીનાં દર્શન, સ્પર્શ, સ્નાન, પૂજા, સ્તુતિ અને વંદના કરે છે તેના કુળમાં સરસ્વતીનો કદી વિચ્છેદ થતો નથી. અર્થાત્ તેના કુળ પર સરસ્વતીની કૃપા રહે છે.
ભીમપુલથી એક પગદંડી સામ્યાપ્રાશ તરફ જાય છે. સરસ્વતી અને અલકનંદાના સંગમની વચ્ચેના સ્થાનને ‘સામ્યાપ્રાશ’ કહેવામાં આવે છે. આ સામ્યાપ્રાશના મેદાનમાં જ ભગવાન વ્યાસનો આશ્રમ હતો. કોઇક વળે આ સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વનું કેન્દ્ર રહ્યું હશે. અહીં આ સામ્યાપ્રાશના તેમના આશ્રમમાં રહીને ભગવાન વ્યાસે ભારતીય સંસ્કૃતિ-વૈદિક સંસ્કૃતિનાં ઉત્થાન અને જાળવણી માટે પ્રચંડ કાર્ય કર્યું છે. અહીં વૈશંપાયન આદિ શિષ્યોનું શિક્ષણ સંપન્ન થયું છે. અહીં જ આ પાવન ભૂમિમાં જ્ઞાનીઓના શિરતાજ શુકદેવજીનો જન્મ થયો છે. અહીં જ સામેની ગુફામાં બેસીને ભગવાન વ્યાસે તેમના અપરંપાર શાસ્ત્રગ્રંથોની રચના કરી છે. અહીં જ આ ભૂમિમાં જ નારદજીએ ભગવાન વ્યાસજીને ‘શ્રીમદ્ ભાગવત’ની રચના કરવાની પ્રેરણા આપી અને નારદજી તેમને ‘ચતુ:શ્ર્લોકી ભાગવત’ સંભળાવ્યું હતું. અહીં જ આ પરમ પાવન ભૂમિમાં શુકદેવજીને ભગવાન વ્યાસજી પાસેથી ‘શ્રીમદ્ ભાગવત’ ગ્રહણ કર્યું અને પછી શુકતાલમાં પરીક્ષિતને શ્રવણ કરાવ્યું હતું. આ ભૂમિનો આવો અપરંપાર
મહિમા છે.
ભગવાન વ્યાસની કૃતિઓમાં આ શ્ર્લોક વારંવાર આવે છે અને ‘શ્રીમદ્ ભાગવત’માં પણ આ શ્ર્લોક છે:
ણળફળ્રૂર્ઞૈ ણપશ્ર્નઇંૈટ્ટર્રૂૈ ણર્ફૈ ખેમ ણફળજ્ઞણ્ળપપ્ર
ડજ્ઞમિં લફશ્ર્નમટિં વ્રળર્લૈ ટટળજ્ઞ ઘ્રૂપૂડફ્રિૂજ્ઞટ્ર ॥
– હપિડ્ર ધળઉંમટ ર્ીં ૧-૨-૪
“ભગવાન નારાયણને અને નરોમાં શ્રેષ્ઠ ભગવાન નરને, દેવીને, સરસ્વતીને અને ભગવાન વ્યાસને પ્રણામ કરીને આ વિજય અપનાવનાર ‘શ્રીમદ્ ભાગવત’નો પાઠ કરવો જોઇએ.
અહીં આ પ્રસિદ્ધ અને મૂલ્યવાન શ્ર્લોકમાં પાંચ દેવને વંદન છે:
૧. ભગવાન નારાયણ
૨. ભગવાન નર
૩. દેવી અર્થાત્ માતા મૂર્તિદેવી
૪. ભગવતી સરસ્વતી
૫. ભગવાન વ્યાસ.
આ પાંચેય દૈવત આ કેશવપ્રયાગ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત છે.
ભગવાન નારાયણ અને ભગવાન નરની તો આ ભૂમિ જ છે, તપશ્ર્ચર્યાસ્થાન છે, તેથી તેઓ તો અહીં છે જ.
દેવી અર્થાત્ માતા મૂર્તિદેવીનું સ્થાન અલકનંદાના સામા કિનારે છે.
ભગવતી સરસ્વતી અહીં નદીરૂપે સદા પ્રવાહમાન છે.
ભગવાન વ્યાસનો તો આશ્રમ જ અહીં છે.
સામ્યાપ્રાશના મેદાન તરફ થોડે આગળ ચાલીએ એટલે એક મંદિર સુધી પહોંચાય છે. આ મંદિર તાજેતરમાં જ રચાયું છે. બાલાત્રિપુરસુંદરીનું મંદિર છે. અમે મંદિરે પહોંચ્યા. મંદિર હજુ બંધ છે. પટ ખૂલ્યા નથી. મંદિરના દ્વાર ભલે બંધ હોય, મંદિર તો છે ને! મંદિરમાં પ્રતિષ્ઠિત બાલાત્રિપુરસુંદરી તો અહીં બિરાજમાન છે જ ને! શિયાળામાં માનવો-પૂજારીઓ અહીંથી નીચે ચાલ્યા જાય છે. દૈવત તો અહીં જ રહે છે ને! ઠંડીથી ડરીને દૈવત નીચે ન જ જાય. અમે બંધ મંદિરમાં બિરાજમાન જગદંબા બાલાત્રિપુરસુંદરીને પ્રણામ કર્યાં, પ્રાર્થના કરી અને બંધ મંદિરમાં પ્રતિષ્ઠિત જગદંબાનાં દર્શન પણ કર્યાં.
આ બાલાત્રિપુરસુંદરીનું મંદિર ઊંચા સ્થાન પર છે. અહીંથી આ કેશવપ્રયાગનો સમગ્ર વિસ્તાર દૃષ્ટિગોચર થાય છે. જુઓ, સૌથી નીચે બે દેવનદીઓ જોઇ શકાય છે. ભગવતી અલકનંદા અને ભગવતી સરસ્વતી અને અહીંથી કેશવપ્રયાગનાં દર્શન થાય છે. અહીંથી ભીમપુલ પણ જોઇ શકાય છે અને અહીંથી માનાગામ પણ જોઇ શકાય છે.
અહીંથી નર-પર્વત અને નારાયણ-પર્વતનાં સુંદર દર્શન થાય છે. અહીંથી નારાયણ-પર્વતની ગોદમાં જ રહેલા માતામૂર્તિના મંદિરનાં દર્શન પણ થાય છે. માતામૂર્તિના મંદિર પાસેથી એક પગદંડી અલકનંદાને કિનારે કિનારે ઉપરવાસ જાય છે તેના દર્શન પણ થાય છે. ક્યાં જાય છે આ પગદંડી? આ પગદંડી લક્ષ્મીવન થઇને, ચક્રતીર્થ થઇને સતોપથ તરફ અને ત્યાંથી સ્વર્ગારોહિણી તરફ જાય છે. અલકનંદાના આ કિનારે સામ્યાપ્રાશમાં થઇને પણ એક પગદંડી આગળ જાય છે. આ પગદંડી વસુધારા તરફ જાય છે. વસુધારાનો ધોધ અહીંથી ત્રણેક કિ. મી.ના અંતરે છે.
અમે અહીં આ મંદિરમાં બાલાત્રિપુરસુંદરીનાં દર્શન તો કર્યાં, પરંતુ સાથે સાથે આ સમગ્ર વિસ્તારનાં દર્શન પણ ભેટ ભરીને-મન ભરીને કર્યાં જ!
સરસ્વતીના પશ્ર્ચિમ તટે વસુધારા સુધી અને ભીમપુલથી સંગમસ્થાન અર્થાત્ કેશવપ્રયાગ સુધી ત્રિકોણાકાર વિસ્તારને સામ્યાપ્રાશતીર્થ કહે છે. અહીં આ વિસ્તારમાં જ ભગવાન વ્યાસનો આશ્રમ હતો. અત્યારે અહીં ભગવાન વ્યાસના આશ્રમનાં કોઇ ચિહ્નો જોવા મળતાં નથી, પરંતુ સ્થાન તો તે જ છે અને કોઇ ચિહ્નો ન હોય તો પણ સ્થાન પણ એક તીર્થ હોય છે. તદનુસાર આ સામ્યાપ્રાશ તીર્થ છે.
આ સમગ્ર વિસ્તારને બદરીનાથ ક્ષેત્ર કહે છે. તેને બદરિકાશ્રમ પણ કહે છે અને બદરીનારાયણ પણ કહે છે. આમાં ‘બદરી’ શબ્દનો પ્રયોગ થયો છે. બદરી એટલે બોરડી, અર્થાત્ બોર આપનાર વૃક્ષ. પરંપરાગત માન્યતા એવી છે અને તદ્વિષયક શાસ્ત્રોમાં એવા ઉલ્લેખો પણ મળે છે કે અહીં આ ક્ષેત્રમાં પ્રાચીનકાળમાં બદરી અર્થાત્ બોરડીનું અરણ્ય હતું. આ ક્ષેત્રમાં હવે વર્તમાનકાળમાં બોરડીનાં વૃક્ષો ક્યાંય જોવા મળે છે કે નહીં? હા! જોવા મળે છે. ઇન્દ્રધારાતીર્થની આજુબાજુના મેદાનમાં અને આ સામ્યાપ્રાશના મેદાનમાં અમે આવાં બોરડીને મળતાં કાંટાળાં વૃક્ષો જોયાં છે. પ્રાચીન કાળમાં બોરડીનું જંગલ હોય અને કાળાંતરે ઘટતાં-ઘટતાં હવે અવશેષરૂપે બોરડીનાં થોડાં વૃક્ષો અહીં બચીને રહ્યાં હોય તેમ લાગે છે.
અહીં આ બાલાત્રિપુરસુંદરીના મંદિરનાં પ્રાંગણમાંથી અમે જોયું કે માનાગામથી ઉપરવાસ નર-પર્વત પર સુંદર અરણ્ય બની ગયું છે. દેવદારને મળતાં લીલાંછમ ઘટાદાર વૃક્ષોની વનરાઇ અહીં બની ગઇ છે. આવું અરણ્ય અહીં તો અમે પહેલીવાર જોયું. આ પહેલાં અમે અહીં અનેક વાર આવ્યા છીએ. અહીં આવું ગાઢ અરણ્ય, આવાં ઘટાદાર લીલાંછમ વૃક્ષો તો અમે કદી જોયાં નથી. અહીં આવું અરણ્ય બન્યું કેવી રીતે?
અમે જાણ્યું કે વનવિભાગે આ વૃક્ષો વાવ્યાં છે અને ઉછેર્યાં છે. અહીંની ઠંડીમાં જીવી શકે અને વિકસી શકે તેવાં વૃક્ષોના રોપા વિદેશમાંથી મગાવવામાં આવ્યા છે ને અહીં તેમને રોપીને ઉછેરવામાં આવે છે. તદનુસાર અહીં આ નવું અરણ્ય બની રહ્યું છે. ઇન્દ્રધારા અને ભૃગુધારાની ઉપરવાસ નારાયણ પર્વત પર પણ આ રીતે અરણ્ય બનાવવાનો પ્રકલ્પ ચાલી રહ્યો છે.
આ જોઇને-જાણીને મન પ્રસન્ન થઇ ગયું. જો અહીં અરણ્ય-ઉછેરની આ પ્રક્રિયા આમ જ સારી રીતે ચાલતી રહેશે તો સંભવ છે કે આગામી થોડાં વરસોમાં નર-નારાયણ પર્વતમાળા અરણ્યથી આચ્છાદિત થઇ જશે અને ક્ષેત્ર હરિયાળું ક્ષેત્ર બની જશે. આપણે આશા રાખીએ કે આમ જ બને અને આગામી થોડાં વરસોમાં આ સમગ્ર ક્ષેત્ર લીલુંછમ ક્ષેત્ર બની જાય, બોડિયા પહાડો હરિયાળા પહાડો બની જાય! નર-નારાયણ પર્વત લીલાછમ બની જાય.
હવે આ સામ્યાપ્રાશની વિદાય લઇને અમે ભીમપુલ પરથી પસાર થઇને માનાગામ તરફ આવ્યા. અમે ટૅક્સી-સ્ટેન્ડ પર એક સ્થાને બેઠા છીએ. અહીં એક મારચા માતાજી સાથે કાંઇક પરિચય થયો.
માતાજી પોતાના પરિવાર સાથે શિયાળો ગાળવા માટે ચમોલી ગયાં હતાં. હવે જયારે શિયાળો પૂરો થઇ ગયો છે અને સૌ માનાગામવાસીઓ ચમોલીથી અહીં માનાગામમાં આવી રહ્યાં છે ત્યારે સૌની સાથે માતાજી પણ અત્યારે જ અહીં પહોંચ્યા છે. પીઠ પર ઠીક ઠીક વજનદાર બોજો ઊંચકીને અહીં પહોંચ્યા છે. શરીર વૃદ્ધ છતાં સશક્ત જણાય છે.
માતાજી વિધવા છે અને પોતાનાં સંતાનો સાથે રહે છે. માતાજીના પતિ પોલીસ હતા અને માતાજીને પતિનું પેન્શન મળે છે. માતાજીનો એક પુત્ર ડૉક્ટર છે અને તદનુસાર માતાજીને આર્થિક રીતે કોઇ કષ્ટ નથી. આમ છતાં માતાજીને એક કષ્ટ છે. વસ્તુત: કોઇ કષ્ટ ન હોવા છતાં માતાજીના મને એક મોટું કષ્ટ ઊભું કરી દીધું. કાલ્પનિક કષ્ટો ઊભાં કરવામાં માનવીને કોઇ ન પહોંચે ! ભગવાન માનવીને સુખી કરવા ઇચ્છે છે, પરંતુ માનવી ધરાર દુ:ખી થાય છે અને પછી દુ:ખ સામે કાગારોળ કરી મૂકે છે.
વાત એમ છે કે માતાજીના ડૉક્ટર પુત્રને બે પુત્રીઓ છે, પરંતુ એક પણ પુત્ર નથી. અમારી પાસે જાણે પુત્ર આપવાનો કોઇ મંત્ર કે કોઇ જડીબુટ્ટી હોય તેમ માતાજી કરગરે છે.
“દીકરાના ઘરે એક દીકરો થાય તો મને શાંતિ થાય. બસ, એક પોતરો!
મેં માતાજીને કહ્યું:
“પરંતુ દીકરાના ઘરે બે દીકરીઓ છે ને!
માતાજીનું મન ખાટું થઇ ગયું. તેમના મુખ પર અણગમાની રેખાઓ આવી ગઇ.
દીકરી એટલે જાણે બોજો અને દીકરો એટલે જાણે સ્વર્ગના સુખની ચાવી! આ ભ્રામક માન્યતા આપણી જાતિગત ચેતનામાં એટલી ઊંડી બેસી ગઇ છે કે હજુ તેમાંથી મુક્ત થવું દૂર જણાય છે. દીકરો-દીકરી સરખાં તેવી વાતો આપણે કરીએ છીએ, તેવા ઉદ્ઘોષ આપણે કરીએ છીએ, પરંતુ તે ઉદ્ઘોષ ચરિતાર્થ ક્યારે થશે?
અમે કેશવપ્રયાગને ફરી એકવાર પ્રણામ કરીને બદરીનાથ પહોંચી ગયા. અગાઉ કરેલી ગોઠવણ પ્રમાણે અમે ભગવાન બદરીનાથની સાંજે ૫.૦૦ વાગ્યે થતી કર્પૂર-આરતીમાં સંંમિલિત થયા. ભગવાનનાં અને તેમની પંચાયતનનાં નિરાંતે મનભર દર્શન થયાં. મન પ્રસન્ન થઇ ગયું.
રાત્રિનિવાસ બદરીનાથમાં જ થયો. સવારે ફરી વાર તપ્તકુંડમાં સ્નાન કરીને અમે ભગવાનનાં વિદાયદર્શન માટે મંદિરમાં ગયા. ગિરદી ખાસ નથી. નિરાંતે દર્શન થયાં.
કોઇ પણ તીર્થમાં જઇએ ત્યારે ચાર દર્શન થવાં જોઇએ:
૧. પ્રારંભિક દર્શન-પ્રથમ દર્શન.
૨. પ્રધાન દર્શન
૩. પેટાતીર્થોનાં દર્શન
૪. વિદાયદર્શન
અમે ભગવાન બદરીનાથના અને આ ક્ષેત્રનાં લગભગ સર્વ પેટાતીર્થોનાં વિધિવત્ નિરાંતે દર્શન પામ્યા.
‘પુન: બોલાવજો’ એવી પ્રાર્થના અને અભિલાષા સાથે આ મહાન તીર્થ બદરીનાથની વિદાય લઇને અમે આગળ ચાલ્યા.

 

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.