સપ્ત બદરી, સપ્ત પ્રયાગ – વિષ્ણુપ્રયાગ ગંધમાદન-પર્વતમાળાનું પ્રવેશદ્વાર છે

ધર્મતેજ

જીવનનું અમૃત – ભાણદેવ

અહીં આ વિષ્ણુપ્રયાગમાં મહાનદી પતિતપાવની અલકનંદા અને ઘૌલી-ગંગાનો સંગમ થાય છે.
અલકનંદા બદરીનાથ તરફથી આવે છે અને ધૌલીગંગા કામેટ-શિખરની હિમ-નદીમાંથી નીકળે છે. ધૌલીગંગાની એક ઉપનદી ઋષિગંગા છે. આ ઋષિગંગા નંદાદેવીક્ષેત્રમાંથી નીકળે છે. આનો અર્થ એમ થયો કે અહીં વિષ્ણુપ્રયાગમાં ઉત્તરાખંડના એક ખૂબ મહત્ત્વપૂર્ણ અને પવિત્ર શિખર નંદાદેવીનું જળ પણ આવે છે.
વિષ્ણુપ્રયાગ એક રમણીય, પવિત્ર અને દર્શનીય તીર્થ છે. આ પ્રયાગ ચારેય બાજુથી ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. સામેના પહાડો પર વનરાજી પણ છે. જોશીમઠથી બદરીનાથ જનાર કે બદરીનાથથી પરત આવનાર પ્રત્યેક વાહન વિષ્ણુપ્રયાગ પાસેથી જ પસાર થાય છે. થોડી વાર અહીં રોકાઈને યાત્રી આ પવિત્ર સંગમસ્થાન વિષ્ણુપ્રયાગનાં દર્શન પામી
શકે છે.
અમે અમારી મોટરના ડ્રાઈવરને કહી રાખ્યું છે: “પ્રવીણભાઈ! આપણે વિષ્ણુપ્રયાગમાં રોકાવું છે, ગાડી રોકજો.
પ્રવીણભાઈએ ‘હા’ તો કહી છે, તોપણ મોટર સંગમસ્થાને ઊભી રાખવાને બદલે આગળ ચલાવી. મેં કહ્યું: “રોકો! રોકો! અહીં આપણે દર્શન કરવાનાં છે!
પ્રવીણભાઈએ મોટર ઊભી તો રાખી, પરંતુ સંગમસ્થાનથી થોડી આગળ ઊભી રાખી. શા માટે?
ખુલાસો તેમણે જ કર્યો: “સ્વામીજી! તે સ્થાન પર પથ્થરો પડતા રહે છે, એટલે ગાડી ત્યાં ઊભી ન રખાય. આ સલામત સ્થાન છે.
અમને પ્રવીણભાઈની વાત સાચી લાગી અને અમે તેમને મનોમન ઠપકો આપવાને બદલે શાબાશી આપી.
અમે નીચે ઊતરીને કિનારા પર ઊભા રહ્યા.
આ વિષ્ણુપ્રયાગનું સંગમસ્થાન અતિ સુંદર અને ભવ્ય છે. અહીં રસ્તાની બાજુમાં જ ભગવાન વિષ્ણુનું નાનું સુંદર મંદિર છે. વિષ્ણુપ્રયાગ પર તો ભગવાન વિષ્ણુનું જ મંદિર હોય ને! નીચે સંગમસ્થાન પર એક કુંડ છે. તેને પણ ‘વિષ્ણુકુંડ’ કહે છે. યાત્રી ઈચ્છે તો અહીં સ્નાન-આચમન-પ્રોક્ષણ કરી શકે છે. પ્રાચીન કાળમાં દેવર્ષિ નારદજીએ આ વિષ્ણુકુંડ પાસે તપશ્ર્ચર્યા કરી હતી અને અહીં દેવર્ષિ ભગવાન વિષ્ણુનાં દર્શન પામ્યા હતા. રાજમાર્ગ પરથી નીચે સંગમસ્થાન સુધી પહોંચવા માટે સરસ પગથિયાં બનાવેલાં છે.
અલકનંદા નદી પરના સાત પ્રયાગ હૃષીકેશ-બદરીનાથ-માનાગામ રાજમાર્ગ પર અવસ્થિત છે. કોઈ યાત્રી ઈચ્છે તો બદરીનાથ-માનાગામ જતી વખતે કે પાછા ફરતી વખતે આ સાતેય પ્રયાગનાં દર્શન કરી શકે છે.
નોંધનીય હકીકત એ પણ છે કે આ સાતેય પ્રયાગ અલકનંદાના પ્રવાહ સાથે યોજાય છે, અર્થાત્ અલકનંદા સાથે સાત ભિન્નભિન્ન નદીઓનો સંગમ થવાથી આ સાત પ્રયાગ
બને છે.
અમે વિષ્ણુપ્રયાગસંગમનાં દર્શન મનભર કર્યાં. ત્યારપછી બીજું પણ એક સુંદર દર્શન કર્યું.
નર-પર્વત (જમણી બાજુ) અને નારાયણ-પર્વત (ડાબી બાજુ)નો પ્રારંભ અહીંથી થાય છે. અહીં પ્રારંભમાં આ બંને પર્વતમાળા ખૂબ નજીકનજીક છે. જાણે ભગવાન બદરીનાથના ક્ષેત્રમાં પ્રવેશ કરવાનું આ મહાદ્વાર હોય તેમ લાગે છે. અહીંથી નર-નારાયણ-પર્વતમાળાનો પ્રારંભ થાય છે અને આ પર્વતમાળા માનાગામ સુધી વિસ્તરેલી છે. અહીંથી આ પર્વતમાળામાંથી અલકનંદા બહાર નીકળે છે. યાત્રી આ દ્વારમાં પ્રવેશે એટલે બદરીનાથક્ષેત્રમાં પ્રવેશે છે અને આ દ્વારમાંથી બહાર નીકળે એટલે બદરીનાથક્ષેત્રમાંથી બહાર નીકળે છે તેમ કહી શકાય.
આ સમગ્ર પર્વતમાળાસમૂહને ગંધમાદન-પર્વતમાળા કહેવામાં આવે છે. આ પર્વતમાળામાં એક વિશેષ પ્રકારની માદક સુગંધયુક્ત વનસ્પતિ થાય છે અને તેથી આ વિસ્તારમાં સતત એક વિશિષ્ટ પ્રકારની માદક સુગંધ આવ્યા કરે છે, તેથી આ પર્વતમાળાને ગંધમાદન-પર્વતમાળા કહે છે.
આ વિષ્ણુપ્રયાગ આ ગંધમાદન-પર્વતમાળાનું નાકું છે – પ્રવેશદ્વાર છે તેમ કહી શકાય.
વિષ્ણુપ્રયાગનાં દર્શન કરીને અમે આગળ ચાલ્યા. હવે અમારે અમારી યાત્રાના તૃતીય બદરી – ભવિષ્યબદરીની યાત્રાએ જવાનું છે.
અમે પુલ દ્વારા અલકનંદાને પાર કરીને સામા કિનારે પહોંચ્યા. હવે અમે જોશીમઠ તરફ ગતિ કરી રહ્યા છીએ, પરંતુ અમારે જોશીમઠ નગરમાં જવું નથી. જોશીમઠ પહોંચીએ ત્યાર પહેલાં જ અધવચ્ચેથી અમારો રસ્તો ફંટાઈ જાય છે. અમે જોશીમઠ જવાને બદલે હવે નીતિઘાટી તરફ જતા રસ્તા પર ચડી ગયા છીએ.
વિષ્ણુપ્રયાગથી બદરીનાથ તરફ જતી ઘાટીને અલકનંદાઘાટી કહી શકાય છે. વિષ્ણુપ્રયાગથી તેની સામેની દિશાની ઘાટીને નીતિઘાટી કહેવામાં આવે છે, કારણ કે આ રસ્તો નીતિઘાટ તરફ જાય છે. અલકનંદાઘાટીની પ્રધાન નદી અલકનંદા છે અને નીતિઘાટીની પ્રધાન નદી આ ધૌલીગંગા છે. બંને નદીઓ અને તદનુસાર બંને ઘાટીઓનું મિલન વિષ્ણુપ્રયાગમાં થાય છે.
અમારી નાનકડી મોટરગાડી આગળ ને આગળ દોડી રહી છે. વિષ્ણુપ્રયાગ અને જોશીમઠ તો હવે ઘણા પાછળ રહી ગયા.
આ સડક નીતિઘાટીની સડક ગણાય છે. મલારી સુધી પાકો મોટરમાર્ગ છે. મલારીથી આગળ છેક નીતિઘાટ સુધી પગરસ્તો છે. આ પગરસ્તો તિબેટ સુધી છે. કૈલાસ-માનસરોવરના પ્રાચીન પગરસ્તામાંનો આ પણ એક પગરસ્તો છે. કોઈક કાળે આ નીતિઘાટને રસ્તે યાત્રીઓ કૈલાસ-માનસરોવર જતા હશે.
આ રસ્તા પર સૌથી પહેલું ગામ આવે છે રબીગામ. ત્યારપછી પરસારી, બડગાંવ અને પછી આવે છે તપોવન. તપોવન એક તીર્થ છે. તપોવન તીર્થધામ તો છે જ, પરંતુ આ ઉપરાંત તપોવન એક રમણીય સ્થાન પણ છે. અહીં તપોવનમાં ગરમ પાણીની એક જલધારા વહે છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ ગરમ પાણીના કુંડમાં સ્નાન પણ કરી શકાય છે.
આ તપોવનને પાર્વતીજીની તપશ્ર્ચર્યાભૂમિ માનવામાં આવે છે. અહીં શિવ-પાર્વતીજીનું નાનું સુંદર મંદિર પણ છે.
તપોવનની યાત્રા તો આ પહેલાં અમે એકાધિક વાર કરેલી છે. હિમાલયમાં ‘તપોવન’ નામનાં અનેક સ્થાનો છે. આવાં ત્રણ સ્થાનનાં દર્શન તો અમે આ પહેલાં કર્યાં છે. એક તપોવન ગોમુખથી ઉપર છે તે તપોવન, બીજું તપોવન દહેરાદૂનની બાજુમાં છે, ત્રીજું તપોવન આ નીતિઘાટીનું તપોવન!
અમે તપોવનમાં રોકાયા વિના જ આગળ ચાલ્યા. તપોવનથી આગળ સલધાર સુધી મોટર દ્વારા જઈ શકાય છે. અમે મોટર દ્વારા સલધાર સુધી પહોંચ્યા.
અમે અમારા ડ્રાઈવર પ્રવીણભાઈને કહ્યું: “તમે અહીં સલધારમાં અથવા આગળ તપોવનમાં રહેજો અને અમારી વાટ જોજો. અમે સાંજ સુધીમાં પરત આવી જઈશું, પરંતુ સંજોગોવશાત્ ન આવી શકીએ તો આવતી કાલે આવીશું. અમારી ચિંતા ન કરશો.
અમે મોટરગાડીને અહીં રાખીને હવે અમારી પદયાત્રાનો પ્રારંભ કર્યો.
મોટરમાર્ગની બાજુમાં જ એક નાનું દ્વાર બનાવ્યું છે. દ્વાર પર લખ્યું છે:
“ભવિષ્યબદરી ૫ કિ.મી.
અત્યાર સુધી સલધારથી ભવિષ્યબદરીના અંતર વિશે અમે વિવિધ વાતો સાંભળી હતી.
કોઈએ કહ્યું હતું: ૧ કિ.મી., અન્ય કોઈએ કહ્યું હતું: ૩ કિ.મી., વળી બીજા કોઈએ કહ્યું હતું: ૫ કિ.મી. અને કોઈએ વળી કહ્યું હતું: ૭ કિ.મી.
હવે અહીં સાચી વિગત મળી. અહીં સલધારના નાકા પાસેથી ભવિષ્યબદરી ૫ કિ.મી. દૂર છે. આ પહેલાં એક વાર વર્ષો પહેલાં અમે ભવિષ્યબદરીની યાત્રા કરી હતી. તે વખતે મારી સાથે પ્રભુભાઈ હતા, આ વખતે રમેશભાઈ છે. મારી તો આ ભવિષ્યબદરીની બીજી યાત્રા છે, પરંતુ રમેશભાઈ માટે પ્રથમ યાત્રા છે.
ભવિષ્યબદરીની પ્રથમ યાત્રા કર્યાને આજે બાવીસ વર્ષ વીતી ગયાં છે. બાવીસ વર્ષમાં ઘણું બદલાઈ ગયું છે. બાવીસ વર્ષમાં તો બદલાઈ જ જાય ને! દુનિયા અને તદંતર્ગત હિમાલય પણ બદલતો જ રહે છે. હિમાલય કાંઈ લોખંડનો ટુકડો નથી કે બાવીસ વર્ષ પછી પણ એવો ને એવો જ રહે! અને લોખંડનો ટુકડો પણ એવો ને એવો ક્યાં રહે છે? બધું – બધું જ પરિવર્તનશીલ છે. હા, એક આત્મા – ચૈતન્ય અપરિવર્તનશીલ છે, અપરિણામી છે, શાશ્ર્વત છે.
હવે સલધારથી ભવિષ્યબદરી તરફ અમારી પદયાત્રાનો પ્રારંભ થયો છે. પદયાત્રા જ ખરી યાત્રા છે. હિમાલય માટે તો ખાસ પદયાત્રા જ ખરી હિમાલયયાત્રા છે. મોટરમાં બેસીને હિમાલયયાત્રાથી હિમાલયનાં યથાર્થ દર્શન ન થાય. મોટરયાત્રાથી હિમાલયને યથાર્થત: પામી ન શકાય. હિમાલયની તો પદયાત્રા જ હોય ને! આ મોટર અને આ મોટરરસ્તાએ અમારી હિમાલયયાત્રા ઝૂંટવી લીધી છે!
આ સલધાર શું છે? સલધાર એક ગામ છે – હિમાલયન ગામ છે. આ રસ્તા પરથી જોઈ શકાય તેવું ગામ નથી. યાત્રી સલધારના નાક પાસેથી ઉપર ચડવાનો પ્રારંભ કરે છે ત્યાંથી સલધાર ગામનો પ્રારંભ થાય છે. આ સલધાર પગદંડીના કિનારે-કિનારે પાઘડીપને ખૂબ લાંબું થઈને વસેલું ગામ છે.
સલધારના નાકે પગપાળા રસ્તે ચડીએ ત્યાંથી જ, અર્થાત્ પ્રારંભથી જ આકરા ચઢાણનો રસ્તો છે.
હવે અમે સલધાર ગામની વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ. છે તો પગદંડી, પરંતુ પાકી બાંધેલી પગદંડી છે. અમે પહેલી વાર આવ્યા ત્યારે કાદવિયો રસ્તો હતો. પગરસ્તો તો લગભગ તેનો તે જ છે, પરંતુ રસ્તો સિમેન્ટથી બનાવેલો પાકો છે. આમ છતાં સાવધાન રહેવું જોઈએ. સાવધાન ન રહીએ તો લપસી પડવાનું જોખમ તો ખરું જ.
ચઢાણ-સતત ચઢાણ! સો ફૂટનો પણ સપાટ રસ્તો આવતો નથી. આ પાંચ કિલોમીટર અર્થાત્ છેક ભવિષ્યબદરી સુધી સતત, અનવરત ચડવાનું જ છે. હા, સતત – અનવરત ચડવાનું જ છે. પાંચ કિલોમીટર સુધી સતત આકરું ચઢાણ ચડવાની તમારી તૈયારી હોય તો અને તો જ આગળ ચાલો, નહીંતર પાછા વળી જાઓ! કોણે તમને ભવિષ્યબદરીની યાત્રા કરવા માટે પાણો મૂકયો છે? અમને કોઈએ ભવિષ્યબદરીની યાત્રા કરવા માટે પાણો મૂકયો નથી અને અમારે પાછા પણ વળવું નથી. અમારે તો થાકતાં-થાકતાં અને હાંફતાં-હાંફતાં પણ ઉપર-છેક ઉપર ચડવું જ છે અને ભવિષ્યબદરીનાં દર્શન કરવાં જ છે; તો પછી ફરિયાદ શા માટે કરો છો? અમે ફરિયાદ કરતા જ નથી. અમે તો માત્ર રસ્તાની કઠિનાઈનું કથન કરીએ છીએ. કથન – તટસ્થ કથન!
અહીં કોઈ બે મકાન એક સપાટી પર નથી જ! એક મકાન અને ચડીને આગળ ચાલીએ એટલે તેનાથી વધુ ઊંચાઈ પર બીજું મકાન અને તેનાથી વધુ ઊંચાઈ પર ત્રીજું અને આમ એક પછી એક મકાનોને પાર કરતાં-કરતાં અમે આગળ ચાલતા રહીએ છીએ. કેટલાંક એવાં મકાનો પણ જોયાં, જેમના એક ઓરડા કરતાં બીજો ઓરડો વધુ ઊંચાઈ પર છે.
મોટા ભાગનાં મકાનોની આગળ નાનું વાડોલિયું છે. વાડોલિયામાં શાકભાજી ઉગાડેલાં છે.
વચ્ચેવચ્ચે ખેતરો પણ છે જ. નાનાં-નાનાં પહાડી ખેતરો અને ખેતરના ખૂણામાં ખેડૂતનું મકાન. અહીં દૂરદૂરનાં ખેતરોમાં ખેડૂતોનાં એકલવાયાં મકાનો જોવા મળે છે અને આવા એકલવાયા સ્થાનમાં પણ ખેડૂતો મજાથી અને નિર્ભયતાથી રહે છે, જીવે છે. અહીં સલામતીની કોઈ ચિંતા નથી, કારણ કે અહીંના લોકોને ચોરી, લૂંટ આદિ શું કહેવાય તેની જાણ જ નથી. હે ભગવાન! તેમને આ બધી અંધકારની સેનાથી અજાણ જ રાખજે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.