વેપાર વાણિજ્ય

કોમોડિટી – રમેશ ગોહિલ

ગત ગુરુવારે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાની સાથે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ ઘટાડો આવ્યો હોવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં ૧.૩ ટકા જેટલો અણધાર્યો ઉછાળો આવ્યા બાદ શુક્રવારે પણ ડૉલરમાં નબળાઈ જળવાઈ રહેતાં ન્યૂ યોર્ક ખાતે સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ સતત પાંચ સપ્તાહ સુધી સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો આવ્યા બાદ પહેલી વખત એક ટકા જેટલો સુધારો નોંધાયો હતો.
આમ વૈશ્ર્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સોમવારથી બુધવાર સુધી સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યા બાદ ગુરુવારે અને શુક્રવારે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, મધ્ય સત્ર સુધીના ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ ખૂલી હતી. વધુમાં આગામી મહિનાના આરંભમાં દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં યોજાનારા ઈન્ટરનેશનલ જ્વેલરી શૉમાં વિવિધ આભૂષણોના એક્ઝિબિશન માટે જ્વેલરી ઉત્પાદકોને પણ ઘટ્યા મથાળેથી સ્ટોક કરવાનો મોકો મળ્યો હોવાનું રિદ્ધિ સિદ્ધિ બુલિયનના ડિરેક્ટર મુકેશ કોઠારીએ જણાવ્યું હતું.
આમ એકંદરે મધ્ય સત્ર સુધી ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં માગનો પણ સંચાર થવાને કારણે ડીલરો સોનાના ભાવ જે વિશ્ર્વ બજારની સરખામણીમાં ઔંસદીઠ ૨૦ ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા તેની સામે ગત સપ્તાહે ડિસ્કાઉન્ટ ઘટીને ઔંસદીઠ ૧૦ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા. દરમિયાન ગત સપ્તાહે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ જે આગલા સપ્તાહના અંતે અથવા તો ૧૫ જુલાઈના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦,૪૦૩ની સામે રૂ. ૫૦,૬૨૯ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૪૯,૯૭૨ અને ઉપરમાં સપ્તાહના અંતે રૂ. ૫૦,૮૧૬ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૩નો સુધારો નોંધાયો હતો. તેમ જ ગત સપ્તાહે ઓનલાઈન વાયદામાં પણ ગુરુવારે એક તબક્કે ભાવ ઘટીને ગત ૧૬મી મે પછીની સૌથી નીચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૭૦૩ની સપાટીએ પહોંચ્યા હતા.
એકંદરે ગત સપ્તાહે ઘટ્યા મથાળેથી રિટેલ સ્તરની માગ આગલા સપ્તાહની સરખામણીમાં સારી રહી હોવા છતાં વધુ ઘટાડાના આશાવાદને કારણે ઘણાં ખરીદદારોએ નવી ખરીદી ટાળી હતી, પરંતુ સપ્તાહના અંતે ભાવમાં ઓચિંતો ઊછાળો આવતાં પુન: માગ શાંત પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં ગત સપ્તાહના ભાવઘટાડાના માહોલમાં ખાસ કરીને સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે પણ સ્થાનિક જ્વેલરીના રિટેલ સ્ટોરમાં માગનો સળવળાટ જોવા મળ્યો હોવાનું એક વિશ્ર્લેષક રોસ નોર્મને જણાવતાં ઉમેર્યું હતું કે માગ ખૂલવાને કારણે ચીન ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૩.૫૦થી ૯ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે હૉંગકૉંગ ખાતે ડીલરો સોનાના ભાવ વિશ્ર્વ બજારની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૨.૫૦ ડૉલર આસપાસના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. તે જ પ્રમાણે સિંગાપોર ખાતે પણ સોનાના ભાવ પરના પ્રીમિયમ વધીને ઔંસદીઠ ૧.૫૦થી ૨.૨૦ ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા.
ભાવઘટાડાને કારણે રિટેલ સ્તરની લેવાલી નીકળવાની સાથે રોકાણકારોની અને સ્ટોકિસ્ટોની લેવાલી નીકળી હતી અને સપ્તાહ દરમિયાન જ્વેલરો વ્યસ્ત રહ્યા હોવાનું સિંગાપોરસ્થિત ડીલર સિલ્વર બુલિયનના સેલ્સ મેનેજર વિન્સન્ટ ટાઈએ જણાવતાં ઉમેર્યું હતું કે ડૉલર ઈન્ડેક્સમાં ઊંચા મથાળેથી પીછેહઠ થતાં ખાસ કરીને ઔંસદીઠ ૧૭૦૦ ડૉલર આસપાસના મથાળે માગ ખૂલી હતી. જોકે, ગત સપ્તાહે જાપાન ખાતે ડૉલર સામે યેન નબળો પડવાને કારણે આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિકમાં નોંધપાત્ર ભાવઘટાડો ન થતાં માગ મર્યાદિત રહેતા ટોકિયો ખાતે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સમકક્ષ અથવા તો ઔંસદીઠ ૦.૫૦ સેન્ટ પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા.
એકંદરે ગત સપ્તાહેે સતત પાંચ સપ્તાહ પછી પહેલી વખત સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે સુધારો જોવા મળ્યો હતો.
જોકે, અમુક વિશ્ર્લેષકોનું માનવું છે કે આગામી સપ્તાહે પડકારોનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહના અંતે સોનાના ઑગસ્ટ વાયદાના ભાવ સાપ્તાહિક ધોરણે એક ટકો વધીને ૧૭૨૧.૪૦ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા.
હાલ રોકાણકારોની નજર આગામી ૨૬-૨૭ જુલાઈના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે. આ બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી ધારણા મુકાઈ રહી છે. અમુક ફોરેક્સ વિશ્ર્લેષકોનું માનવું છે કે તાજેતરમાં ડૉલર ૨૦ વર્ષની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હોવા છતાં જો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તો ડૉલરની તેજીને ટેકો મળશે. તેમ જ વ્યાજદર વધારતા વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિદર મંદ પડતા ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતા સોનાના ભાવ દબાણ હેઠળ આવી શકે છે.
કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવામાં આવી રહ્યો હોવાથી વૈશ્ર્વિક આર્થિક મંદીની ચિંતા સપાટી પર આવતાં સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સુધારો જોવા મળ્યો હોવાનું ઓએએનડીએના વરિષ્ઠ વિશ્ર્લેષક એડવર્ડ મોયાએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૭૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. જોકે, આ સપાટી કુદાવશે તો ભાવ વધીને ઔંસદીઠ ૧૮૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.
દરમિયાન ગત સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૭૨૧.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે એક તબક્કે હાજરમાં ભાવ ઘટીને એક વર્ષ કરતાં વધુ સમયગાળાની નીચી ઔંસદીઠ ૧૬૮૦.૨૫ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ સપ્તાહના અંતે વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૭૨૭.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ તેની આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી બજાર વર્તુળોની ધારણા છે અને જો અપેક્ષાનુસાર વ્યાજદર વધારવામાં આવે તો સોનાના ભાવમાં સુધારો આગળ ધપી શકે છે, પરંતુ લાંબાગાળે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં ફરી ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના વિશ્ર્લેષક સૂકી કૂપરે જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.