સત્ય હંમેશાં આત્મામાં છુપાયેલું રહે છે, લોકોના અભિપ્રાયમાં નહિ

મેટિની

અરવિંદ વેકરિયા

રાજેન્દ્ર શુક્લ
આ રીતે ‘અકસ્માત’ નાટકના પ્રયોગો અવિરત ચાલતા રહ્યા. આખા ગુજરાતમાં રાજુ ગાંધીએ ‘અકસ્માત’ નાટકનો ડંકો વગાડી દીધો. એમના ખંતથી અને નાટકની કથાવસ્તુથી ચારેકોરથી વાહ વાહ મળવા લાગી. કલાકાર તરીકે અમારી છાતી ગજ ગજ ફૂલવા લાગી. નાટકમાં ટીમવર્ક બહુ જ જરૂરી છે, જે શૈલેશ દવેની લગામ થકી સતત જળવાતું રહ્યું. હરીશ-અજિત શાહની મહેનતે ‘ટીમવર્ક’ને પરિવારમાં ફેરવી નાખ્યું. બધાને એકસૂત્રે બાંધી રાખવાની જવાબદારી શૈલેશ દવેએ સુપેરે સંભાળી લીધી હતી. બધા જ વિષયો સંભાળતી નોટબુકને રફબુક ભલે કહેવાતી હોય, પણ અત્યારે શૈલેશ દવેની હાલત એ રફબુક જેવી જ હતી, પણ ફેર વાત એ હતી કે બધા કલાકારો એમની સલાહને ૧૦૦% આધીન રહેતા.
ઘણા શો ઘણી જગ્યાઓ પર ભજવાતા રહ્યા. બેંગલોરના શોની એક ફળશ્રુતિ ભૂલી નહિ શકાય. ત્યાં અમને જૈન સોશિયલ ગ્રુપના કર્તા-હર્તા એવા વસંત દેસાઈ સાથે પરિચય થયો. એ શો પૂરતો મર્યાદિત ન રહેતાં એમણે અકસ્માતના માળામાં જાણે વધુ એક પક્ષીએ ઘર બનાવી લીધું.
દુખદ વાત, થોડા સમય પહેલાં એમનું નિધન થયું, ભગવાન મહાવીર એમના આત્માને શાંતિ બક્ષે. એ સંબંધને પરિવારના
એક અંગ સિવાય બીજું નામ નહોતું. બાકી સાત જનમ સાથે
રહેવાના કોલ આપનાર આજે કહે છે કે તમારું માસ્ક અલગ
રાખજો.
એમના સ્વભાવે જ બધાને એમના પ્રેમમાં પાડી દીધા હતા. એ કહેતા કે વિરોધની વાતો શાંતિથી સાંભળી લેવાની અને જવાબ દેવાની જવાબદારી સમયને આપી દેવાની, તો જરા પણ મનદુ:ખ નહિ થાય અને સંબંધ પણ અકબંધ રહેશે. આમ પણ વસંતભાઈ જૈન હતા એટલે અણહકનું સ્વીકારતા નહિ. જુઓને! એક કોળિયો પેટ સુધી પહોંચાડવા ઈશ્ર્વરે કેવી અદ્ભુત રચના કરી છે! ગરમ હોય તો હાથ કહી દે છે, કઠણ હોય તો દાંત કહી દે છે, કડવું હોય તો જીભ કહી દે છે અને વાસી હોય તો નાક કહી દે છે. બસ! હકનું છે કે હરામનું એ આપણે નક્કી કરવાનું હોય છે, આ સત્ય વસંતભાઈએ આત્મસાત્ કરી લીધેલું.
તો, ‘અકસ્માત’ નાટક મુંબઈ સિવાય પણ બધે લોકચાહના પ્રાપ્ત કરતું રહ્યું.
મારું નાટક ‘જીવન ચોપાટ’ નિષ્ફળ જવા છતાં મને દિગ્દર્શનની ઓફરો લગાતાર આવતી રહેતી હતી. મારે હવે કૂદી પાડતાં પહેલાં
બધાં પાસાંનો વિચાર કરવો હતો. ફરી ‘ચોપાટ’ જેવું ચોપટ ન
થઇ જાય.
નવા નિર્માતા ચંદ્રકાંત ધ્રુવ, કાપડબજારના પ્રખર વેપારી, મારી જ જ્ઞાતિના, મને રોજ મળી જતા. એમને નાટક બનાવવું હતું. મને મળે ત્યારે એમની ઈચ્છાનો ઉલ્લેખ કર્યા કરતા, પણ મને મળેલી નિષ્ફળતાએ મને સીમિત કરી નાખ્યો હતો. મારે હવે આ જ કરવાનું હતું. નિષ્ફળતાની વાતો ખંખેરી નાખવાની હતી. પ્રેરણા તો સાગરની લહેરોથી જ લેવી જોઈએ. એટલે નહિ કે એ ઊંચે ઊઠે છે અને નીચે પડે છે, પરંતુ એટલે કે જ્યારે પડે છે પછી નવા જોશ સાથે ફરી ઉપર ઊઠે છે.
નાટક સારું જાય તો લોકો વખાણ કરવાના જ, પણ જો નિષ્ફળ જાય તો જાત જાતની આલોચના પણ કરવાના જ. એ હક છે એમનો. નક્કી કર્યું કે વખાણ સાંભળી ખુશ ન થવું અને કોઈ તમારી
આલોચના કરે તો ક્રોધિત ન થવું. બસ, મેં ચંદ્રકાંત ધ્રુવ માટે સ્ક્રિપ્ટ શોધવાની શરૂઆત કરી દીધી.
મારા કોલેજકાળમાં, અમે જ્યારે એકાંકી નાટ્યસ્પર્ધા કે પછી કોલેજના ગુજરાતી સાહિત્ય મંડળનાં નાટકો કરતા ત્યારે મુખ્યત્વે નાનકડું ગ્રુપ – એક મિત્રવર્તુળ ઊભું થઇ જતું. એવું એક ગ્રુપ ઊભું થઇ ગયેલું પણ પોતાના કામકાજને લઇ નિયમિત મળી નહોતા શકતા. હા, જ્યારે મળતા ત્યારે ઉમળકાભેર મળતા. એ ગ્રુપમાં એક મિત્ર હતો, રાજેન્દ્ર શુક્લ. અમે જ્યારે એકાંકીઓ કરતા ત્યારે નાટકમાં કોઈ ભજન ગાવાનું હોય ત્યારે એ ભજન પણ ગાઈ લેતો. એ પછી તો એણે અભિનય પણ કર્યો. ઇનામો પણ એણે મેળવ્યાં, જેમાં એક એકાંકી ‘વિનાશનો વિનિપાત’, જેમાં પ્રોડ્યુસર ગિલ્ડની સ્પર્ધામાં પ્રથમ ઇનામ પણ મેળવ્યું. એ એકાંકી ખૂબ વખણાયું.
અમે બધા ચિનાઈ કોલેજ, અંધેરીમાં હતા. આ બધી વાતો અમે બી.કોમ. થયા એ પહેલાંની છે. એ દરમ્યાન એણે પોતાનું કૌવત લેખનકાર્ય પર અજમાવ્યું. એણે નરહરિ જાની માટે પ્રથમ નાટક લખી નાખ્યું. જાનીએ એ નાટકને મંચન કરવા પ્રયત્નો કર્યા, પણ શક્ય ન બન્યું.
જાનીએ એ પછી વસંત સબનીસનું મરાઠી નાટક ‘અપ્પાજી ચી સેક્રેટરી’નું અનિલ મહેતા પાસે રૂપાંતર કરાવી ‘પપ્પાની સેક્રેટરી’ બનાવ્યું અને શરદ તલવરકરની મુખ્ય ભૂમિકા ગુજરાતીમાં પોતે ભજવી. (જેના રિહર્સલથી લઇ રિલીઝ સુધીની વાત મેં આ લેખમાળામાં અગાઉ આપને જણાવી દીધી છે.) જાની માટે લખેલું નાટક રાજેન્દ્ર પાસે તૈયાર હતું.
ચંદ્રકાંત ધ્રુવને થ્રિલર સાથે સોશિયલ હોય એવું નાટક જોઈતું હતું. રાજેન્દ્ર શુક્લને ખબર પડી કે હું કોઈ સ્ક્રિપ્ટની શોધમાં છું. રાજેન્દ્ર મને મળ્યો. મેં જાની માટે લખેલું નાટક નિર્માતા સામે વાંચ્યું. એમના મોઢા પર આવેલા રિએક્શન પરથી લાગ્યું કે વિષય એમને ગમ્યો નથી, પણ રાજેન્દ્ર શુક્લ જેનું નામ… એ જાણતો હતો કે માણસ સફળ ત્યારે થાય છે જ્યારે એ જરૂરિયાત અને ઈચ્છાઓ વચ્ચેનો ફરક સમજવા લાગે છે. પોતાનું તૈયાર નાટક રજૂ થાય એ રાજેન્દ્રની ઈચ્છા
હતી, પરંતુ સોશિયલ-થ્રિલર નાટક એ
નિર્માતાની જરૂરિયાત હતી. એણે તરત કહ્યું કે હું તમને બે-ત્રણ દિવસમાં એક પ્લોટ સંભળાવું છું. જો પસંદ પડે તો એ કથાવસ્તુ પર આપણે આગળ વધીશું.
અમે હામી ભણી દીધી. એ વખતે મોબાઈલ નહોતા. સંપર્ક દોરડે વાતુંથી થતો. મેં હા તો પાડી દીધી, પણ ‘જીવન ચોપાટ’વાળી વાત મનમાંથી ખસતી નહોતી. નિષ્ફળતા એ વરવું સત્ય હતું. સત્ય હંમેશાં આત્મામાં છુપાયેલું રહે છે, લોકોના અભિપ્રાયમાં નહિ, એ વાત મેં સ્વીકારી લીધી. બે દિવસ પછી મિત્ર રાજેન્દ્ર શુક્લ કયો પ્લોટ લઈને આવે છે, એ જે પ્લોટ લઈને આવશે એ નિર્માતાને ગમશે કે નહિ? આ બધી ભવિષ્યની વાતો હતી. રાજેન્દ્ર શુક્લ જે લઈને આવે તે બધાને ગમી જાય, તો ભયો ભયો!


સમયના કેવા મોડ છે, રાત-દિવસની દોડ છે,

ખુશ રહેવાનો સમય નથી, ખુશ દેખાવાની હોડ છે.

દારૂ પીને આવેલો પતિ (પત્નીને): તું જાડી, કાળી, ભદ્દી, આંધળી…
પત્ની: તું દારૂડિયો, બેવડો, નશેડી…
પતિ (હસતાં): મારું શું? હું તો સવારે બરાબર થઈ જઈશ, પણ તું તો એવી ને એવી જ રહીશ.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.