સતત છ દિવસની પીછેહઠને બ્રેક: સેન્સેક્સ અફડાતફડીમાં અટવાઇને અંતે ૨૩૭ પોઇન્ટ વધ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સપ્તાહના પ્રથમ દિવસે સારી એવી અફડાતફડીમાંથી પસાર થયાં બાદ સતત છ દિવસની પીછેહઠને માત આપવામાં સેન્સેક્સ સફળ રહ્યો હતો અને યુરોપિયન બજારોના સુધારા અહેવાલને આધારે સત્રના પાછલા ભાગમાં લેવાલીનો ટેકો મળતા અંતે ૨૩૭ પોઇન્ટ આગળ વધીને પોઝિટીવ ઝોનમાં પહોંચ્યો હતો. સત્રની શરૂઆત મક્કમ ટોન સાથે થઇ હતી અને સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટથી વધુ સુધારો જોવા મળ્યો હતો, પરંતુ સુધારો તરત ધોવાઇ ગયો હતો અને બેન્ચમાર્ક નેગેટીવ ઝોનમાં સરી પડ્યો હતો. સત્રને અંતે સેન્સેક્સ ૨૩૭.૪૨ પોઇન્ટ અથવા તો ૦.૪૬ ટકાના સુધારા સાથે ૫૧,૫૯૭.૮૪ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી ૫૬.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૩૭ ટકાના સુધારા સાથે ૧૫,૩૫૦.૧૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો. સેન્સેક્સના શેરોમાં હિંદુસ્તાન યુનિલીવર, એચડીએફસી, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઇન્ટ્સ અને એચડીએફસી બેન્કનો સમાવેશ ટોચના વધનારા શેરોમાં હતો. જ્યારે ટોપ લૂઝર શેરોમાં ટાટા સ્ટીલ, ઇન્ટઇન્ડ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એમએન્ડએમ, એનટીપીસી અનને સ્ટેટ બેન્કનો સમાવેશ હતો. જોકે, સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં નબળાઈ જોવા મળી હતી. મિડકેપ ઈન્ડેક્સ ૧.૩૯ ટકા ઘટીને ૨૦,૯૯૯.૩૭ના સ્તર પર, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૯૫ ટકા ઘટાડાની સાથે ૨૩,૪૨૨.૧૬ પોઇન્ટના સ્તરે બંધ થયો છે.
બેન્કિંગ, ઑટો, મેટલ, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને ઑયલ એન્ડ ગેસ શેરોમાં ૦.૬૯-૩.૯૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. બેન્ક નિફ્ટી ૦.૧૮ ટકાના ઘટાડાની સાથે ૩૨,૬૮૪.૮૦ના સ્તર પર બંધ થયો છે. જ્યારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, ફાર્મા, હેલ્થકેર અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવા મળ્યો છે. અગ્રણી શેરોમાં એચડીએફસી, એચયુએલ, બ્રિટાનિયા, વિપ્રો, એશિયન પેઇન્ટ્સ, અપોલો હોસ્પિટલ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૯૫-૩.૯૩ ટકા સુધી વધીને બંધ થયા છે. જ્યારે ઓએનજીસી, ટાટા સ્ટીલ, યુપીએલ, હિંદાલ્કો, ઈન્ડસઈન્ડ બેન્ક, કોલ ઈન્ડિયા, રિલાયન્સ અને બીપીસીએલ ૧.૬૯-૪.૮૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં રેમ્કો સિમેન્ટ્સ, અપોલો હોસ્પિટલ, કંસાઈ નેરોલેક, સીજી કંઝ્યુમર અને આઈજીએલ ૧.૪૧-૩.૩૩ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ઑયલ ઈન્ડિયા, હિંદુસ્તાન એરોન, ટાટા પાવર, જેએસડબ્લ્યુ એનર્જી અને આઈડીએફસી ફર્સ્ટ બેન્ક ૫.૫૩-૧૦.૮૬ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મોલકેપ શેરોમાં આઈટીઆઈ, અપાર ઈન્ડસ્ટ્રીઝ, આઈએસજીઈસી હેવી એન્જિનયરીંગ, ખાદિમ ઈન્ડિયા અને ઈન્ડિયા પ્રેસ્ટિકાઈડ ૫.૩૬-૯.૮૭ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જોકે સ્મોલકેપ શેરોમાં એમઆરપીએલ, ચેન્નઈ પેટ્રો, મિર્ઝા, સનફ્લેગ આયરન અને રેમ્કો સિસ્ટમ ૧૨.૨૬-૧૮.૭૨ ટકા નબળાઈની સાથે બંધ થયા છે. એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી હતી અને એક્સચેન્જ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા સત્રમાં વિદેશી ફંડોએ રૂ. ૭૮૧૮.૬૧ કરોડના શેરની વેચવાલી કરી હતી. યુરોપના બજારમાં બપોરના સત્ર સુધી સુધારો રહ્યો હોવાના અહેવાલ હતા, જ્યારે એશિયામાં ટોકિયો, સિઓલ અને શાંઘાઇમાં પીછેહઠ અને હોંગકોંગમાં સુધારાના અહેવાલ હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૦.૦૬ ટકા વધીને ૧૧૩.૨ ડોલર પ્રતિ બેરલ બોલાયો હતો.
————-
નિફ્ટીના ૧૫ ટકા ઘોવાણ સામે એમએડીપીને કારણે પીએમએસમાં
સાવ ઓછું નુકસાન
મુંબઇ: બજારને ટાઇમ કરવાની બાબતે રિટેલથી માંડીને મોટાગજામા ફંજ મેનેજરો પણ થાપ ખાઇ જતાં હોય છે. નિફ્ટીમાં તાજેતરના એકંદર ૧૫ ટકાના કડાકા દરમિયાન અનેક ઇન્વેસ્ટર્સ ધોવાઇ ગયા છે, ત્યારે ટોચની પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ તેમાંથી બાકાત રહી શકી છે. પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ બજારના ડેટાથી જાણવા મળ્યું છે કે એસેટ એલોકેશન ટકાઉ વળતરનું રહસ્ય છે. પ્રભુદાસ લીલાધર ખાતે ક્વોન્ટ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ અને ફંડ મેનેજરના વડા સિદ્ધાર્થ વોરાના જણાવ્યા મુજબ, પીએમએસ ટીમે મલ્ટી એસેટ ડાયનેમિક પોર્ટફોલિયો (એમએડીપી) વ્યૂહરચના હેઠળ ઇક્વિટી ફાળવણીને સમયસર પોર્ટફોલિયોના ૫૦ ટકાથી ઘટાડી દીધી હતી. જાન્યુઆરીથી ઇક્વિટી પર કાપ મૂકવાનો અને સોનામાં ફાળવણી વધારવાનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયા ક્વોન્ટ મીટર દ્વારા શરૂ કરવામાં આવી હતી જેણે વૈશ્ર્વિક મેક્રો સિગ્નલોને નબળા થવાને કારણે સમયસર ઇક્વિટીમાં તીવ્ર કાપનો સંકેત આપ્યો હતો. તેજીમાં જ્યારે દરેક રોકાણકાર ચૂકી જવાના ભયની લાગણીને કારણે ઇક્વિટીમાં રોકાણ વધારવાનું વલણ ધરાવે છે. પીએમએસ વ્યૂહરચના કેવળ ક્વોન્ટ ટેક્નોલોજી દ્વારા સંચાલિત છે, જે આ પ્રકારના કોઈપણ માનવીય લાગણીથી મુક્ત હોય છે અને સંપૂર્ણપણે તર્કસંગત રોકાણ નિર્ણયોને મંજૂરી આપે છે. નિષ્ણાતો માને છે કે અશાંત સમયમાં મૂડીની જાળવણી એ ચાવી છે અને તે માત્ર યોગ્ય અસ્કયામત ફાળવણી અને નિર્ણય લેવામાં આવતી તમામ માનવીય લાગણીઓને દૂર કરીને જ પ્રાપ્ત કરી શકાય છે. પીએમએસ બજારનો ડેટા દર્શાવે છે કે શક્તિશાળી ટેક્નોલોજી દ્વારા સંચાલિત એસેટ એલોકેશન વ્યૂહરચના સૌથી અનુભવી ફંડ મેનેજર અને ઇક્વિટી પીએમએસને પાછળ રાખી શકે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.