સતત છઠ્ઠા સત્રમાં પીછેહઠ, સેન્સેક્સ ૧૩૫ પૉઈન્ટ અને નિફ્ટી ૬૭ પૉઈન્ટ ઘટ્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો દ્વારા કરવામાં આવેલા વ્યાજદરમાં વધારાને પગલે આર્થિક મંદીની ભીતિ ઉપરાંત ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટને અંતે સતત છઠ્ઠા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી અને બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૧૩૫.૩૭ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૬૭.૧૦ પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો.
આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૧,૪૯૫.૭૯ના બંધ સામે નરમાઈના ટોને ૫૧,૧૮૧.૯૯ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૦,૯૨૧.૨૨ અને ઉપરમાં ૫૧,૬૫૨.૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૨૬ ટકા અથવા તો ૧૩૫.૩૭ પૉઈન્ટ ઘટીને ૫૧,૩૬૦.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૫,૩૬૦.૬૦ના બંધ સામે ૧૫,૨૭૨.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૫,૧૮૩.૪૦થી ૧૫,૪૦૦.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૬૭.૧૦ પૉઈન્ટ અથવા તો ૦.૪૪ ટકા ઘટીને ૧૫,૩૬૦.૬૦ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ છેલ્લા છ સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૮.૧૭ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું છે અને બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું આજે માર્કેટકેપ ૨,૩૬,૭૭,૮૧૬.૦૮ કરોડની સપાટીએ રહ્યું હતું.
વૈશ્ર્વિક કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખશે એવો સંકેત આપી રહી હોવાથી સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ઈક્વિટી માર્કેટમાં પીછેહઠ જળવાઈ રહે તેવી શક્યતા છે. જોકે, બીજી તરફ મધ્યમ તથા લાંબા સમયગાળાના રોકાણ માટે તક પણ નિર્માણ થઈ હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. છેલ્લાં કેટલા સપ્તાહથી મૂડીબજારમાં નોંધપાત્ર બાહ્યપ્રવાહ જોવા મળી રહ્યો છે. વૈશ્ર્વિક સ્તરે અમેરિકી ફેડરલ રિઝર્વે ફુગાવાને અંકુશમાં રાખવા માટે વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. તેમ જ રિઝર્વ બૅન્કે પણ વધતા ફુગાવાને ધ્યાનમાં લેતા બૅન્ચમાર્ક દરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો. જોકે, સરકાર મૂડીગત્ ખર્ચ જાળવી રાખશે અને બૅન્કોની ધિરાણ વૃદ્ધિ પણ એકંદરે સારી રહેતાં ભારતીય અર્થતંત્ર સામે જોખમોનું પ્રમાણ અન્ય ઊભરતા અર્થતંત્રોની સરખામણીમાં ઓછું છે. આથી વિદેશી સંસ્થાઓને ભારતીય બજારમાં વધુ વિશ્ર્વાસ હોવાથી આગામી સપ્તાહોમાં વિદેશી રોકાણકારોનો બાહ્યપ્રવાહ ધીમો પડે તેવી શક્યતા બીડીઓ ઈન્ડિયાના ફાઈનાન્સિયલ સર્વિસીસ ટૅક્સના પાર્ટનર અને લીડર મનોજ પુરોહિતે જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી આઠ શૅરના ભાવ વધીને અને બાવીસ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ ટિટાનમાં ૬.૦૬ ટકાનો, વિપ્રોમાં ૪.૦૭ ટકાનો, ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝમાં ૩.૩૫ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૨.૭૯ ટકાનો, સન ફાર્મામાં ૨.૫૪ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૨.૫૦ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે વધનાર શૅરોમાં સૌથી વધુ બજાજ ફાઈનાન્સમાં ૨.૬૩ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૨.૪૭ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૪૩ ટકાનો, રિલાયન્સમાં ૧.૧૮ ટકાનો, આઈટીસીમાં ૦.૯૨ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૦.૭૦ ટકાનો, ટાટા સ્ટીલમાં ૦.૫૭ ટકાનો અને એક્સિસ બૅન્કમાં ૦.૦૩ ટકાનો સુધારો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૬૮ ટકા અને ૦.૮૮ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
વધુમાં આજે બીએસઈ ખાતે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં માત્ર ચાર ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં બીએસઈ બૅન્કેક્સમાં ૦.૪૨ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૦.૨૪ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૨૦ ટકાનો અને રિયલ્ટી ઈન્ડેક્સમાં ૦.૦૩ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૩.૦૭ ટકાનો, ક્ધઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં ૨.૬૮ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૮૬ ટકાનો, હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૬૦ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સ અને પાવર ઈન્ડેક્સમાં ૧.૫૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.
આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં મિશ્ર વલણ રહ્યું હતું. તેમ છતાં લગભગ તમામ બજારોમાં સાપ્તાહિક ધોરણે ઘટાડો નોંધાયો હતો. એશિયામાં આજે ટોકિયો અને સિઉલની બજાર નરમાઈના ટોને અને હૉંગકૉંગ તથા શાંઘાઈની બજાર સુધારાના ટોને બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારોમાં મધ્ય સત્ર દરમિયાન સુધારો જોવા મળ્યો હતો.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૯૬ ટકા વધીને બેરલદીઠ ૧૨૦.૯૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ એક પૈસાના સુધારા સાથે ૭૮.૦૯ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.