સંવેદના વધે તો વેદના ઘટે: સંવેદના વધારવા કયું સોફ્ટવેર ઈન્સ્ટોલ કરીશું?

ઇન્ટરવલ

રમેશ તન્ના – નવી સવાર

સંસાધનો વધી રહ્યાં હોય તો પણ જો સમાજમાં દુ:ખ, વેદના, અજંપો, પીડા જોવા મળતાં હોય તો સ્વસ્થ જીવે સ્થિતિને કડક રીતે તપાસવી જોઈએ. સંપત્તિ, સાધનો અને સગવડ વધે પણ તેની સાથે સાથે સંવેદના ન વધે તો બધું કર્યુંકારવ્યું પાણીમાં જ જાય. સમાજમાં વેદના વધી રહી છે, કારણ કે સંવેદના ઘટી રહી છે.
વેદના અને સંવેદના બન્નેને સાવ સીધો સંબંધ છે. બન્ને કંઈ સામસામેના છેડાની બાબતો નથી. બન્ને એકબીજાની સ્પર્ધક સ્થિતિ પણ નથી. કદાચ એકબીજાની પૂરક બાબત છે. આજકાલ સમાજમાં વેદના વધી રહી છે, કારણ કે સંવેદના ઘટી રહી છે. કોઈ પણ સમાજમાં સંવેદનાનો સ્તર જેટલો ઊંચો હોય તેટલો વેદનાનો સ્તર નીચો રહેવાનો.
સંવેદના વધે એટલે આપોઆપ વેદના ઘટે. તમે કિચુડિયાની રમત રમ્યા હશો. તેમાં એક છેડો ઊંચે જાય એટલે આપોઆપ બીજો છેડો નીચે આવી જાય.
દરેક સમયકાળમાં વેદના અને સંવેદનાનું સહઅસ્તિત્વ રહેવાનું જ. વેદના વિનાનો સમાજ શક્ય નથી. તો એ વાત પણ એટલી જ સાચી છે કે સંવેદના વિનાનો સમાજ પણ શક્ય નથી.
સંવેદના એટલે સમ્ વેદના. સરખી વેદના. બીજાની વેદનાનું પોતાની જાત સાથે શેરિંગ કરવું તેનું નામ સંવેદના. કોઈ વ્યક્તિ દુ:ખી હોય તો એ દુ:ખ આપણે આત્મસાત્ કરી લઈએ તો આપણે સંવેદનશીલ કહેવાઈએ. બીજાની વેદનાને પોતાની કરી લેવી એ સંવેદનાનું મુખ્ય લક્ષણ છે.
બીજાના દુ:ખે દુ:ખી થવું એ સંવેદનાનો મુખ્ય ભાવ છે. આજકાલ અતિ ભૌતિકતાનો જમાનો છે. માણસ મટીરિયાલિસ્ટિક થઈ ગયો છે. તેણે પોતાની આજુબાજુ વસ્તુઓ, યંત્રો, ઉપકરણો અને સગવડોનો ખડકલો કરી નાખ્યો છે.
માણસ વસ્તુઓને ચાહવા લાગ્યો છે અને માણસોને વાપરવા લાગ્યો છે. આવી સ્થિતિમાં તેની સંવેદનશીલતામાં ભારે ઘટાડો થયો હોય તેવું લાગે છે.
કોઈ માણસ બીમાર પડે એટલે આપણે તેના જાત-ભાતના ટેસ્ટ કરાવીએ છીએ. લોહીના તો અનેક પ્રકારના ટેસ્ટ થાય છે. લેબોરેટરીઓમાં માણસના શરીરનાં ઉપાંગો કરતાં પણ વધારે પ્રકારના મેડિકલ ટેસ્ટ હવે થાય છે. ઘણી સારી વાત છે, પરંતુ માણસમાં કેટલા ટકા સંવેદનશીલતા છે તેનો કોઈ ટેસ્ટ થતો નથી.
ખરેખર તો સંવેદના વગર માણસ જીવી શકતો નથી. જો મેડિકલ સાયન્સ સંવેદનાનો ટેસ્ટ કરી શકતો હોત તો આજના મોટા ભાગના લોકો તેમાં નાપાસ થાત.
શું ગરીબ લોકો વધારે સંવેદનશીલ હોય છે? શું શ્રીમંત લોકોમાં સંવેદનશીલતા ઓછી હોય છે? જેમ જેમ માણસ પાસે પૈસો આવતો જાય છે તેમ તેમ માણસ સંવેદના ગુમાવતો જાય છે? આ બધા પેચીદા સવાલો છે. તેના જવાબો વિવાદાસ્પદ જ હોય. જોકે ગરીબ લોકોમાં સંવેદનશીલતા વધારે હોય છે એવું કહીએ તો ખોટું નથી.
માણસ પાસે જેમ જેમ સંપત્તિ વધતી જાય છે તેમ તેમ તેનો લોભ વધતો જાય છે. તેનો માલિકીભાવ મજબૂત થતો જાય છે. પૈસો તેના અહમ્ને મોટો બનાવે છે અને અણીદાર પણ બનાવે છે. પૈસાનો પાવર તેના વ્યક્તિત્વમાં માત્ર ઉમેરાઈ જાય છે તેવું નથી, છવાઈ પણ જાય છે. અલબત્ત, બધા કિસ્સામાં આવું બને છે તેવું નથી. મોટા ભાગના કિસ્સાઓમાં આવું બનતું હોય છે. સંપત્તિ મેળવ્યા પછી પોતાની સંવેદના બરકરાર રાખે, તેનું જતન અને સંવર્ધન કરે તેવા લોકો ભલે જૂજ હોય, પરંતુ હોય છે ખરા. એવા લોકો જ માણસજાતની સાચી પ્રતિષ્ઠા છે. એવા લોકોને કોઈ એવોર્ડ મળે કે ન મળે, પરંતુ તેઓ ખરેખર સાચા અર્થમાં માનવરત્ન હોય છે. આજુબાજુ નજર કરશો તો તમને પણ આવાં અનેક માનવરત્નો દેખાશે.
પહેલાં તો પરિવારના સભ્યોમાં પરસ્પર પણ કેટલી સંવેદનશીલતા હતી? ઘરના કોઈ એક સભ્યને માથું દુ:ખતું હોય તો તમામને એનાસિન કે મેટાસિનની ગોળી લેવી પડતી. એકનો દુખાવો બધાને થતો. આટલી હદે સંવેદનશીલતા વ્યાપેલી હતી.
તેનાથી પણ એક ડગલું આગળ વિચારીએ. કોઈ સમયકાળમાં ગામ એક પરિવારની જેમ જીવતું. કોઈ એક ઘરે કોઈનું મરણ થયું હોય તો આખું ગામ બે-ત્રણ દિવસનો શોક રાખતું.
એ શોકમાં મીઠાઈ ન ખવાય, નવાં કપડાં ન પહેરાય. કોઈ મોજ-શોખ ન કરાય, રેડિયો ન સંભળાય, ટી.વી. ન જોવાય, કોઈ નવું કામ ન થાય.
શોક એટલે પાકો શોક. વળી બીજા માટે પાળવામાં આવતો શોક. ગામના કોઈ એક ઘરમાં કોઈ દુર્ઘટના થઈ હોય તો આખું ગામ તેની અરેરાટી અનુભવતું. સંવેદનાનું આવું મજબૂત આવરણ વર્ષો સુધી આપણા સમાજમાં અકબંધ હતું.
જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ સ્થિતિ બદલાતી ગઈ. માણસ બે પાંદડે થતો ગયો તેમ પોતાના મૂળ અને થડને ભૂલતો ગયો. તેનું મૂળ ગોત્ર માણસ તરીકેનું છે અને માણસ હોવું એટલે સંવેદનશીલ હોવું એ પહેલી શરત છે એ વાતને જ ભૂલી ગયો. પૈસાએ તેના હૃદયમાં એવી કીમિયાગીરી કરી કે સંવેદનશીલતા સુકાઈ ગઈ.
લોભ અને સ્વાર્થ એ છેતરામણી ભૂમિ છે. દરેક માણસજાતમાં એ હોય જ છે, પરંતુ કોઈ વ્યક્તિ જ્યારે આ બન્નેને ગળે લગાડી લે છે ત્યારે તે વ્યક્તિને વળગી પડે છે. ભૂત કે પ્રેતનો વળગાડ હોય કે ન હોય, એ વ્યક્તિગત માન્યતાનો આધાર છે, પરંતુ લોભ અને સ્વાર્થનો વળગાડ હોય જ છે. માણસમાત્રને તે વળગે છે. એક વાર લોભ અને સ્વાર્થ પોતાનો કબજો બરાબર જમાવે પછી સંવેદનાને હૃદય ખાલી કરે જ છૂટકો. આજકાલ એવું જ થઈ રહ્યું છે.
બીજી એક મજાની વાત સમજવા જેવી છે. વાત થોડીક નાજુક છે. મામલો થોડોક સૂક્ષ્મ છે. જે વ્યક્તિને બીજા માટે સંવેદના નથી હોતી તે વ્યક્તિને ક્યારેય પોતાની જાત માટે સંવેદના નથી હોતી. જો તમે તમારી જાતને સંવેદનશીલ બનાવવા ઈચ્છતા હોવ તો પહેલી શરત એ છે કે તમારે બીજાની વેદનાને ઉછીની લેવી પડશે. એનો અર્થ એ થયો કે તમારી સંવેદનશીલતાનો આધાર તમે નથી, બીજી વ્યક્તિ છે. બીજી વ્યક્તિની વેદના છે.
આપણા દેશમાં સંવેદનશીલતાનો દુષ્કાળ પડ્યો છે તેની મોટી સાબિતી એ છે કે દેશની ૫૮ ટકા સંપત્તિ માત્ર એક ટકો લોકો લઈને બેસી ગયા છે. કેટલી વસમી, વિકટ અને અમાનવીય વાત છે. કેટલી પહોળી ખાઈ છે. ૫૮ ટકા સંપત્તિ માત્ર એક ટકા લોકો પાસે? હજી વાત આગળ જાય છે.
દેશની લગભગ ૯૦ ટકા સંપત્તિ માત્ર દસ ટકા લોકો પાસે છે. આટલી મોટી આવકની અસમાનતા છે એ બાબત
બતાવે છે કે પૈસાદારોએ જબરજસ્ત અમાનવીય અને અસંવેદનશીલ બનીને સંપત્તિ ભેગી કરી છે.
તેમણે પોતાને મળેલી તક કે સત્તા કે સંજોગો કે મોકળાશનો ઉપયોગ કરીને રૂપિયા ભેગા કર્યા છે. આવકની આ અસમાનતા ઊભી થઈ છે તેના પાયામાં અસંવેદનશીલતા પડેલી છે.
આ સ્થિતિ વ્યાજબી નથી. જેની પાસે સંપત્તિ, સગવડ, ચીજવસ્તુઓ, સંપદા, પૈસો વગેરે વગેરે છે તેમણે જેની પાસે આ બધું નથી તેના માટે વાપરવાનું છે અને સંવેદનશીલતા વગર એ શક્ય નથી.
કોઈ પણ સમાજ કેટલો સ્વસ્થ છે તેનો આધાર તેની પાસે કેટલી સંપત્તિ છે તેના પર નહીં, ત્યાં વસતા લોકો કેટલા સંવેદનશીલ છે તેના પર છે.
કમનસીબી એટલી જ છે કે વ્યક્તિઓ અને કંપનીઓની બેલેન્સ શીટમાં સંવેદનાની કોઈ એન્ટ્રી હોતી નથી અને ભારતના અંદાજપત્રમાં અસંવેદનશીલતા પર કોઈ વેરો લાગતો નથી.

છાંયડો
એક અમેરિકન પત્રકારે ગાંધીજીને સવાલ પૂછેલો કે તમારી દૃષ્ટિએ ભારતની સૌથી મોટી સમસ્યા કઈ છે. ગાંધીજીએ જવાબ આપેલો કે શિક્ષિત અને શ્રીમંત લોકોની ગરીબો માટેની અસંવેદનશીલતા એ ભારતનો સૌથી મોટો પ્રશ્ર્ન છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.