સંતાનોના ઉછેરની જવાબદારી પિતાની કેમ નહીં?

પુરુષ

આ સવાલ ઘણી વખત મહિલાઓને થતો હશે, પણ સમાજના
‘સો કોલ્ડ’ નિયમ-ધારાધોરણને કારણે નહીં પૂછી શકતી હોય. જોકે રિસર્ચમાં એવું પુરવાર થયું છે કે એક સંતાનના ઉછેરમાં પિતાની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા હોય છે જેટલી એક માતાની…

કવર સ્ટોરી – દર્શના વિસરીયા

રવિવારે જ આપણે ફાધર્સ ડેની ઉજવણી કરી અને એ દિવસે તો જાણે સોશિયલ મીડિયા પર પિતૃપ્રેમનું ઘોડાપૂર ઊમટ્યું હોય તેમ પિતા સાથેના બાળપણના ફોટા જે અત્યાર સુધી આલબમમાં ક્યાંક અભેરાઈ પર ધૂળ ખાતા પડ્યા હતા એ અપલોડ થયા, પિતાના ત્યાગની, પ્રેમની મોટી મોટી વાતો થઈ… રવિવાર પૂરો થયો અને સોમવારે પાછા બધા આવી ગયા પોતાના નોર્મલ રૂટિનમાં અને ફરી એક વખત પિતાના ભાગે આવશે અવગણના, અવહેલના… જે આવતા વર્ષે ફાધર્સ ડેના પાછી છૂમંતર થઈ જશે… ખેર, આ બધાં તો પોત-પોતાનાં અંગત વિચારો અને મંતવ્યોની વાત છે, પણ આજે આપણે અહીં વાત કરવી છે કે કઈ રીતે એક પિતા પોતાનાં સંતાનોના ઉછેરમાં મહત્ત્વનો રોલ નિભાવી શકે છે…
બાળકોના ઉછેરની જવાબદારી એમ તો માતા-પિતા બંનેની સહિયારી હોય છે, પણ આપણા આ સમાજે ખૂબ જ ચાલાકીથી આ આખી જવાબદારી માતાના ખભે નાખી દીધી છે. આ જ કારણ છે કે આજે પણ અમુક પરિવારોમાં સંતાનો પિતાથી ડરે છે, તેમની સામે ખૂલીને પોતાનો વિચારો વ્યક્ત કરતાં અચકાય છે. જૂના જમાનામાં તો એવા કિસ્સા અને દાખલા પણ જોવા મળતા હતા કે જેવી ઘરમાં પપ્પાની એન્ટ્રી પડે એટલે સંતાનો ગભરાઈને અહીંયાં-ત્યાં ઘરના ખૂણામાં ભરાઈ જતાં કે પછી મમ્મીની છત્રછાયા હેઠળ આવી જતાં. ઉંમર વધતાં દીકરા તો પિતાની સાથે સમય વિતાવતા, પસાર કરતા થયા, પણ દીકરી અને બાપ વચ્ચે હંમેશાં એક પારદર્શક દીવાલ રહેતી જે બંનેને પાસે આવતાં અટકાવતી. આવામાં જો અપવાદરૂપ કોઈ એકલદોકલ બાપ પોતાનાં સંતાનોને લાડ લડાવે, બે ઘડી પ્રેમથી ખોળામાં બેસાડીને બે-ચાર મીઠી મીઠી વાતો કરી લે તો સમાજ તેને ‘જોરૂ કા ગુલામ’નો ટૅગ ચીપકાવી દેતો… પિતાના આવા વલણ માટે જેટલો સમાજ જવાબદાર છે એટલા જ આપણા વડવાઓ પણ જવાબદાર છે, કારણ કે તેમની જ એવી માન્યતા હતી કે પિતાએ પોતાનાં સંતાનો સાથે વધારે લગાવ ન રાખવો જોઈએ.
પણ હાલમાં જ થયેલા એક અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે એક બાળકના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં એક સ્ત્રીની સાથે સાથે જ એક પુરુષની પણ એટલી જ મહત્ત્વની ભૂમિકા હોય છે. અત્યાર સુધી બાળકોના વિકાસ પર જેટલા પણ રિસર્ચ, અધ્યયન થયા છે એ બધામાં બસ માતાની ભૂમિકા પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પણ પિતાના રોલ વિશે કે તેના મહત્ત્વ વિશે કોઈ જ વાત નથી કરવામાં આવી.
જોકે દુનિયામાં ઘણા બધા એવા સમાજ પણ છે કે જ્યાં સંતાનોના ઉછેરની જવાબદારી પિતાને સોંપવામાં આવે છે અને તેઓ તેમના સંતાનને દરેક દૃષ્ટિએ એક શ્રેષ્ઠ માણસ બનાવે છે. ઉદાહરણ આપવાનું થાય તો મધ્ય આફ્રિકાના આકા સમાજનો જ દાખલો લઈ લો. આકા સમાજમાં મહિલાઓ બહાર કમાવા માટે નીકળે છે અને પુરુષો ઘર અને બાળકોને સંભાળે છે અને આ સમાજના પિતાને જ બેસ્ટ ફાધરનું ટાઈટલ આપવામાં આવ્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમાજ બરાબરીના અધિકારના સિદ્ધાંત પર આધારિત છે અને એ જ રસ્તે ચાલે છે.
૧૯૭૦ સુધી બાળકોના વિકાસમાં પિતાની ભૂમિકા પર ખૂબ જ ઓછું સંશોધન થયું હતું અને ત્યાં સુધી તેમનાં આર્થિક પાસાં પર જ રિસર્ચ કરવામાં આવતો હતો, પણ ધીરે ધીરે સમય બદલાયો અને હવે નવા રિસર્ચમાં બાળકોના ઉછેરમાં પિતાની ભૂમિકાને પણ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે એ જોતાં જ ખ્યાલ આવે છે કે બાળકોના વિકાસમાં પિતાની પણ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે.
માતા અને પિતા બંને જ બાળકો માટે મહત્ત્વનાં છે અને માનસશાસ્ત્રીઓનું તો એવું પણ માનવું છે કે બાળકના વિકાસમાં માત્ર પિતા જ નહીં, પણ સ્ટેપ ફાધર, દાદા, કાકા, મામા, માસાના રોલ પર પણ રિસર્ચ કરવામાં આવ્યો છે અને એના પરથી જ ખ્યાલ આવે છે કે નાની, દાદી, કાકી, માસી અને ફોઈની જેમ જ એમનો રોલ પણ એટલો જ મહત્ત્વનો છે.
બાળકની દેખભાળ સમયે જેવા હોર્મોનલ ચેન્જીસ માતામાં થાય છે એવા જ પિતામાં પણ થાય છે અને એમનું મગજ સ્વીકારી લે છે કે બાળકને સંભાળવાની જવાબદારી એમના પર છે, પણ એ જવાબદારી તેમના માટે માત્ર આર્થિક બાબતો પૂરતી જ સીમિત હોય છે, કારણ કે આપણો સમાજ એમને બાળકની જેમ સંતાન સાથે લાગણીથી જોડાવાની પરવાનગી નથી આપતો.
રિસર્ચમાં એવું પણ જોવા મળ્યું હતું કે જે બાળકોની પરવરિશ એમના પિતા દ્વારા થાય છે તેમને આગળ જતાં સમાજમાં પોતાના વર્તનને લઈને કોઈ મુશ્કેલી નથી આવતી, જ્યારે માતાની દેખરેખમાં ઊછરેલાં સંતાનોનાં વ્યક્તિત્વનાં ઘણાં બધાં પાસાંઓ નબળાં રહી જાય છે એટલું જ નહીં, પણ જે બાળકો પોતાના દાદા-નાના સાથે વધારે કનેક્ટેડ હોય છે, તેઓ પોતાના શિક્ષકો અને મિત્રો સાથે સંતુલિત વર્તન કરે છે.
માતા અને પિતા બંનેની સંતાનો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાની અલગ અલગ પદ્ધતિ હોય છે, જેમ કે માતા પોતાના સંતાનની દેખભાળ તેની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન રાખીને તેની સાથેનો સંબંધ વધુ મજબૂત બનાવે છે, જ્યારે એક પિતા પોતાના સંતાનને સારું ભવિષ્ય આપવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરીને તેની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરે છે.
બાળક દરેક કામ રમતાં રમતાં જ શીખે છે અને રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું હતું કે જે પિતા બાળકની સમજશક્તિ વિકસે એ સમયથી જ તેમની સાથે સમય પસાર કરે છે, રમે છે એમનો સંતાન સાથેનો બોન્ડ એકદમ સ્ટ્રોન્ગ હોય છે અને એ સંતાનની અંદર બીજાં બાળકોનો સામનો કરવાનું સાહસ પણ જન્મે છે એટલું જ નહીં, પણ બે વર્ષની ઉંમરમાં જ તે બધા પ્રકારના આકારને સમજવા અને ઓળખવા લાગે છે અને એમનો માનસિક વિકાસ પણ ખૂબ જ ઝડપથી થાય છે.
નિષ્ણાતોનું તો એવું પણ કહેવું છે કે પિતાએ પોતાનાં સંતાનો મોટાં થાય ત્યાં સુધી એમને સમય આપવા માટે રાહ જોવાની જરૂર નથી. શક્ય હોય તો બાળકના જન્મથી જ એની સાથે સમય પસાર કરવાનું શરૂ કરવું જોઈએ. તેને ખોળામાં લઈને તેની આંખોમાં આંખો નાખીને તેની સાથે વાત કરવી જોઈએ, શક્ય છે કે એ સમયે બાળક તમારી એ વાત નહીં સમજી શકે, પણ એને કારણે પિતા અને સંતાન વચ્ચે એક બ્રિજ બનવાનું શરૂ થઈ જાય છે. જોકે ઘણા પુરુષોને એ સમયે એ પણ નથી સમજાતું કે તેઓ જે કરી રહ્યા છે એ સાચું છે કે ખોટું? પણ આ ખચકાટને ખંખેરવાની જરૂર છે. નવી નવી માતા બનનારી મહિલાને પણ આ જ પ્રકારનો ખચકાટ હોય છે. હા, કેટલાક પુરુષોમાં આ ટેલેન્ટ ઈન બિલ્ટ હોય છે, જ્યારે મોટા ભાગના પુરુષોને આ આર્ટ શીખવવું પડે છે. આજકાલ તો ડિજિટલ ઈન્ડિયાનો ટ્રેન્ડ છે એટલે પિતા અને સંતાનના સંબંધ પર ઘણા અલગ અલગ પ્રકારના વીડિયો ઉપલબ્ધ છે અને વિદેશમાં તો બાકાયદા આ માટેના સ્પેશિયલ સેશન્સ હોય છે. જોકેે આ ટ્રેન્ડ હજી ભારતમાં નથી આવ્યો, પણ ભારતે પણ આ પ્રણાલીને અનુસરવું જોઈએ, જેથી એક સશક્ત, સક્ષમ અને સુંદર સમાજનું નિર્માણ કરવામાં મદદ મળે.
સમય બદલાઈ રહ્યો છે, તેમ છતાં આજે પણ દુનિયાભરમાં સંતાનોના ઉછેરની પૂરેપૂરી જવાબદારી માતાના ખભા પર જ નાખવામાં આવે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે પુરુષો પણ મહિલાઓ સાથે ખભેખભા મિલાવીને સંતાનના ઉછેરમાં પોતાનું યોગદાન આપે…

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.