સંગીતની સાચી સાધના શરીરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે

ઉત્સવ

કેમ છો મારા વહાલા વાચકમિત્રો. જૂન મહિનો ચાલે છે. સૂર્યદેવતા તપી રહ્યા છે. જોકે અમારા બાબાના (પિતાજી) કહેવા પ્રમાણે તો એ એમનું કામ કરી રહ્યા છે. આપણે હેરાન થઇ રહ્યા છીએ કારણ આપણી મનોશક્તિ, આપણી શારીરિક શક્તિ બધી છિન્નભિન્ન થઈ ગઈ છે, પણ સામે મેં પણ આ વખતે જવાબ આપ્યો: કળજુગ છેને બાબા. હાહાહા…
વાચક મિત્રો! હું પાટણના પ્રવાસે છું. પાટણનું પટોળું, પાટણના દેવડા પાટણની રેવડી અને પાટણનાં રીંગણાં વિશ્ર્વભરમાં વર્ષોથી વખણાતાં અને એ તો ખાદ્ય અને પહેરવેશની વસ્તુ, પણ પાટણની પ્રભુતા, પાટણનું આર્કિટેક્ચર, સિવિલાઈઝેશન બંધાણું ત્યારથી ખૂબ જ ફેમસ છે. આર્કિટેક્ટ લોકોને ખબર હશે, અભ્યાસમાં આવ્યું હશે કે અમદાવાદ શહેરની રચના પાટણ શહેરને જોઇને થઇ હતી અને અમદાવાદ શહેરની જે પોળોનાં નામ છે, દરેકેદરેક પાટણની પોળનાં નામ પરથી પડ્યાં છે. પાટણે તો વિશ્ર્વના આર્કિટેક્ચર્સને ઇન્સ્પાયર કર્યું છે, ભારત આવવા. અંડરગ્રાઉન્ડ વોટર હાર્વેસ્ટિંગથી રાણીની વાવ, સહસ્રલિંગ તળાવ, કાળકા માતાનું મંદિર, સિદ્ધરાજ જયસિંહનું શૌર્ય, જસમા ઓડણની વાતો.
બત્રીસલક્ષણા મેઘ માયાની કુરબાની. ઓહોહો… પછી પેલી પાટણની વિજયગાથાને લગતું એક બહુ જ મોટું પુસ્તક પણ પ્રચલિત છે ‘પાટણની પ્રભુતા’ અને પાટણ માટે કહેવાય છે કે કણ કણમાં પ્રભુતા એટલે પાટણ એવું મારા પિતાજી નાનપણથી શીખવાડે. મૂળ અમે વડનગરનાં, પણ મારા પિતાજીના સાદરા જેલમાં જન્મ પછી તેઓનો ઉછેર પાટણમાં એટલે આપણાં દરેક માતા-પિતાની જેમ મારા પિતાને પણ એમના પાટણ સાથે પ્રેમ.
ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ કે ભ્રમણ કરતાં કરતાં તમને ઘણાં સ્મરણ પણ થાય, ઘણી સમજણ પણ આવે અને તમારામાં સારી ઊર્જાનો અને જ્ઞાનનો સંચાર પણ થાય. શક્યત: કામથી ભ્રમણ કરો કે પછી ઓછી ભીડવાળી જગ્યાએ ભ્રમણ કરો, હું અત્યારે ફરવા નથી આવી, મારા પિતાજીને મળવા આવી. ખાસ કરીને પાછા અમદાવાદ જવું હતું.
પૂજાપાઠના નિમિત્ત માટે હું તેમને તેમના માટે સારથિ બનીને લેવા આવી. માટે તેમને ખુશ કરવા નિ:સ્વાર્થ કામ કર્યાં, ત્યારે મને આશીર્વાદ સાથે એટલી બધી ઘણી સારી સારી જાણકારી મળી. ઘણી સારી નવી મુલાકાતો થઇ, એમાંની એક અનોખી મુલાકાત થઇ સંગીતજ્ઞ મોરારિ આચાર્ય સાથે.
આ મોરારિ એ પેલા ફેમસ મોરારિબાપુ નહીં હોં કે! હું જેમની વાત કરી રહી છું તે આ સંત વ્યક્તિત્વનું નામ જ મોરારિ છે. મોરારિ આચાર્ય અને એટલા જ સુંદર વ્યક્તિ છે. એટલા ભગવાનના માણસ છે કે એમની સાથેનો આ વખતનો સત્સંગ આહ્લાદક રહ્યો એ અહીંયાં વર્ણવ્યો. કદાચ એમને ખબર પણ નહીં હોય કે તેમના વિશે હું અમુક શબ્દો એમના જ્ઞાનના આપણા વાચકમિત્રો સાથે વહેતા મૂકી રહી છું, જેથી કરીને મને મૂંઝવતા પ્રશ્ર્નો કદાચ મારા જેવા બીજા વાચકમિત્રોને મૂંઝવતા હોય તો તેમને પણ તેમાંથી રસ્તો મળે, માર્ગ મળે અને મનને શાંતિ મળે. આવો આપણે એક અજાણી વ્યક્તિને જાણીતી કરી એમના વિચાર અને જીવનની વ્યાખ્યા થકી ઓપન માઈન્ડ સાથે આપણા જીવનને આગળ વધારીએ.
આ મોરારિજી પ્રાઇમરી શાળાના પ્રિન્સિપાલ છે. તેમને પોતાના માર્ગદર્શન હેઠળ ૭ શિક્ષકોનો કાફલો લઈ બાળકોને ઉછેરવામાં, તેમને શિક્ષણ આપવામાં, સાથે સંગીતનો અભ્યાસ કરાવવામાં આત્મસુખ મળે છે. સેવા કરવામાં આનંદ મળે છે. આચાર્ય મોરારિ પોતે સંગીત વિશારદ છે અને સંગીત શિક્ષા વિશારદ પણ છે. સભ્ય, સરળ અને મદદરૂપ સ્વભાવનું વ્યક્તિત્વ. વાતમાંથી વાત નીકળતાં મેં તેમને અમુક પ્રશ્ર્નો કર્યા તો તેમણે મને કહ્યું કે નેહાજી, સરસ્વતી માતાની કૃપા છે કે મને બાળકોના જતનનો અવસર મળ્યો. આમ તો સંગીતના મહાજ્ઞાનીઓ છે જ મારાથી ઘણા ઘણા ઉમદા અને ઉત્કૃષ્ટ, પણ તમે મને આ અવસર આપ્યો એનું નામ કુદરત. જો મારા કહેલા એક પણ સ્વર કે શબ્દ કોઇને મદદરૂપ થશે તો મારો રવિવાર ઉત્તમ જશે. આ વાત મને ખૂબ સ્પર્શી ગઇ. તો આવો એમનો સત્સંગ માણીએ અને સંગીત ધનનો લાભ લઇએ.
પ્રશ્ર્ન: સંગીતનો સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સંબંધ છે?
ઉત્તર: તેમણે કહ્યું કે સંગીતનો સ્વાસ્થ્ય સાથે ખૂબ જ નિકટનો સંબંધ છે, જેમ કે વિવિધ રોગોનો ઉપચાર કરવા, આખા દિવસનો થાક ઉતારવા, સંગીતનું જ્ઞાન મેળવવા, જીવનને રસપ્રદ બનાવવા અને જીવનના કુદરતના સંકેતને સમજવા માટે સંગીતનો સાથ ખૂબ ઉપયોગી છે.
જે લોકોને રાત્રે નિદ્રાનો ખૂબ પ્રોબ્લેમ હોય છે કે વ્યથા હોય છે એ લોકો નિદ્રાની પહેલાં સંગીતનો અભ્યાસ કરે તો એમને ખૂબ શાંતિ મળે છે અને સુંદર નીંદરથી આરામ મળતો જ હોય છે. તમે જોતા હશો કે રાત પડતાં લોકો જૂનાં ગીતો સાંભળે છે, કારણ કે તે ઘણા શાસ્ત્રીય સંગીત પર આધારિત, લયબદ્ધ અને પદ્ધતિસર સંગીત હતું. જે સાંભળવાથી આપણે આ માનસિક ઘોંઘાટમાંથી બહાર આવીને પોતાના મનને શાંતિ આપી શકીએ છીએ, જે ખૂબ જરૂરી છે.
પ્રશ્ર્ન: સંગીતની સાધના કરવાથી મન શાંત થાય છે. એ કેવી રીતે શક્ય બને છે?
ઉત્તર: સંગીતની સાધના કરવાથી મન શાંત થાય છે તેવું ચોક્કસપણે કહી શકાય છે અને એવું થાય છે બહેન, પણ સંગીતની સાધના કરવી રમત વાત નથી. એ સખત કઠિન છે. તેના માટે ચોક્કસ આલાપ કે અલંકાર જ નહીં, પણ સૂચિબદ્ધરૂપે બાંધણી કરેલા રાગોની પણ માહિતી અને જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, કારણ કે અલંકારો સાધના શરૂ કરવાનું પ્રથમ પગથિયું છે.
ત્યાર બાદ તેને જુદા જુદા રાગો શીખી આલાપો, તાનો, શીખવી તેનો રિયાજ કરવો, સાધના કરવી એ બધું સંગીતની સાધનાનો ભાગ છે. અમારામાં કહે છે કે સાતે સ્વરના સાચા સાધક બનવા માટે તો સાત જન્મ લેવા પડે. એટલે કે સંગીતનાં જ્ઞાન, શિક્ષા અને અભ્યાસ અનંત છે.
પ્રશ્ર્ન: અત્યારે યુદ્ધો ચાલી રહ્યાં છે. ટેક્નિકલી આપણે ત્યાં ન કહેવાય ને કહેવાય, પણ (મનમાં) બીજા અમુક દેશોના સમાચાર તમે જાણો તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તેવામાં સંગીત કેવી રીતે મદદરૂપ થાય? મનની પરિસ્થિતિ કેવી રીતે સચવાય?
ઉત્તર: યુદ્ધ ચાલતાં હોય તેની સ્થાનિક પરિસ્થિતિ મુજબ જીવવું અને એવી હયાત પરિસ્થિતિમાં રહેવું એ જ મહત્ત્વની વાત છે. એવા ધમાકા ચાલતા હોય, રમખાણ ચાલતાં હોય અને ખાવાપીવાના વાંધા હોય એવી પરિસ્થિતિમાં શું સંગીત માણી શકે કોઇ, કારણ યુદ્ધ એટલે ડરનો માહોલ, ભય, અનિશ્ર્ચિતતા. તેવામાં અમુક જીવો જ એવા સચોટ નીકળતા હોય છે જે સંગીતનો સહારો સાથે રાખી શકતા હોય છે. બાકી સંગીત એટલે શાંતિનો વિષય. યુદ્ધ અને સંગીત બે વસ્તુઓ સાથે લગભગ હોતી જ નથી અને હોય તેમાં અમુક જ એવા શાંત મનને શાંતિ હોય છે જે ગમે તેટલું ઘમાસાણ ચાલતું હોય, પણ મન શાંત રાખી સંગીતનો અભ્યાસ કરી, પ્રેમનો ફેલાવો કરી શકે છે.
તેમ યુક્રેનમાં જોયું હશે તો બધા જ કલાકારોએ મંચ પર આવી અને જેટલું ઓડિયન્સ હતું એટલા માટે ઘણા બધા દિવસો સુધી સંગીતના પ્રોગ્રામ ચલાવ્યા. યુદ્ધનાં એંધાણ ઓછાં થાય અને લોકોને શાંતિનો સંદેશ મળે માટે, પણ એવું કંઈ થયું નહીં. એ કલાકારોએ પણ એમના ઘરે જતા રહેવું પડ્યું, પણ યુદ્ધ હજી ચાલે છે. સ્થાનિક પરિસ્થિતિ મુજબ અનુકૂળ થઈને રહેવું જ રહ્યું. મન મનાવવું રહ્યું, પણ હા, સંગીતકારો સંગીતની કે વ્યક્તિની મનની શાંતિ અને વિશ્ર્વની રિધમ જળવાઈ રહે એ માટેની આરાધના તો કરતા જ હોય છે.
પ્રશ્ર્ન: માનસિક પીડાથી પીડાતા દર્દીઓ કે જેઓની શારીરિક અને માનસિક ક્ષમતા નોર્મલ માણસો કરતાં ઓછી હોય, એ લોકો સંગીતનો સહારો પોતાના જીવનમાં કેવી રીતે લઈ શકે છે?
ઉત્તર: માનસિક પીડાથી પીડાતા માણસો માટે સંગીત ખૂબ જ મદદરૂપ અને સહાયક હોય છે. તેમણે સંગીતની સાધનાનો સહારો લેવો જ રહ્યો અને લેવો જ જોઈએ. માનસિક સ્વાસ્થ્ય માટે સંગીત અને સંગીતની થેરપીની અસરો પર સંગીતના હાથ ધરાયેલા સંશોધનનાં પરિણામો સૂચવે છે કે મ્યુઝિક થેરપી ડિપ્રેશન, પીડીઓસી, સ્કિઝોફ્રેનિયા જેવા સ્વાસ્થ્ય વિકારોમાં રાહત આપે છે.
જે ઘરમાં માનસિકતાથી પીડાતાં બાળકો, વડીલો કે દર્દીઓ કે માણસો હોય તેઓએ પોતાની સંસ્કૃતિ પ્રમાણે, પોતાના શોખ પ્રમાણે, પોતાની લિમિટેશન સાથે, પોતાની સગવડ પ્રમાણે, પોતાની પસંદના સંગીતની આરાધના ને સાધના કરવી જોઈએ. પોતાની પરિસ્થિતિ મુજબ કાં તો પોતાના શોખ મુજબ સંગીતનાં સાધનો, વાજિંત્રો પણ વસાવી શકે છે, જેના થકી ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી તમે ઘણી બધી રીતે નબળી પરિસ્થિતિમાંથી જાતે જ બહાર આવી શકો છો. એનો તમારે ટ્રાય કરવો હોય તો તમે ઘરે બેઠાં જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે શરૂઆતમાં જ્યારે બહુ જ ખાધેલું ન હોય કે પાણી પીધું ન હોય ત્યારે તમે ‘સા રે ગ મ પ ધ ની સા’ કે ઓમનાદ કરો. ભલે ગમે તેવા અવાજમાં, ગમે તેવા સૂરતાલ વગર, ધીરે ધીરે તમે સંગીતની આરાધના કરવાનો પ્રયત્ન કરો.
શરૂઆતમાં તમને પોતાની જાત પર પણ હસવું આવશે કદાચ. તમને શરમ પણ આવશે કે હું કોની સામે આવી રીતે ગાઉં, પણ જુઓ તમે જેમ વ્યાયામ કરો અને પ્રયાસ કરો એમ ધીરે ધીરે પોતાના મનની ઇન્દ્રિયોને શાંત કરવા માટે સંગીતનો અભ્યાસ કરશો તો તમારી શારીરિક, માનસિક અને આંતરિક આ પરિસ્થિતિમાં ખૂબ સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.
બાકી બહુ જ મોટા વિશેષજ્ઞ બનવું હોય તો તમારે જેમ તમે મેડિકલ ભણો છો કે જેમ તમે સાયન્સ ભણો છો એ જ રીતે આ સર્વે વસ્તુને આવરી લેનારું સંગીત શીખવામાં તમે સ્વરની એટલી સાધના કરો, એનો અભ્યાસ કરો તો તમે સંગીતજ્ઞ અને મહાન સંગીતકાર પણ બની શકો છો અને બીજાને પોતાના સંગીતના ઔષધથી જીવનદાન પણ આપી શકો છો. એવા ઘણા દાખલા વિશ્ર્વમાં થઈ ચૂક્યા છે કે સંગીતથી કોઈની જિંદગી બચાવી છે. કોઈને માનસિક રીતે સબળા કર્યા છે. એટલે સંગીત તો અનંત વાતોનો વિષય છે.
સંગીત એક મહાસાગર છે. એક પ્રકારની ઔષધિ છે. મનોરંજન છે અને ઉપાસના છે ને હવે તમારી સાથેના સત્સંગમાં એક જ વાત ખબર પડી કે અત્યારે માણસોને માનસિક શાંતિની જરૂર છે. હું તો કહીશ કે શાસ્ત્રીય સંગીત, વેસ્ટર્ન ક્લાસિકલ કે ફોક મ્યુઝિક તમને ગમે તે સંગીતનો તમે અભ્યાસ કરો. હા, બોલીવૂડ ગીતોનો હું પ્રચાર નહીં કરુ,ં કારણ કે એ માનસિકતાને વધારે ખંડિત કરે છે. પછી વધારે માથું દુખાડે છે. બાકી સંગીત એટલે કુદરતની સાથેનો સુંદર સુમેળ.
પછી મોરારિજીએ કહ્યું કે તમે પૂછેલા સાધારણ પ્રશ્ર્નો મને ખૂબ ગમ્યા. ખૂબ જ્ઞાનની વાતો કરતાં સરળ શબ્દો અને સરળ જ્ઞાનધન થકી જો કોઈને પણ મદદ મળશે તો આ મોરારિનું જીવન પ્રસન્ન રહેશે જય માતાજી.
પ્રશ્ર્ન: સંગીતને નાત, જાત, કાસ્ટ કે ક્રીડ સાથે કોઇ સંબંધ ખરો?
ઉત્તર: સંગીતને કોઇ પણ જાતિ, ધર્મ કે કામથી લેવાદેવા નથી. સંગીતની સાધના દરેકેદરેક કોમ, જાતિ, ધર્મ બધા જ કરી શકે છે.
તો મારા વહાલા મિત્રો… સંગીત સાધના છે. ઉપાસના છે. ઈચ્છા છે. આશા છે. સંગીત ખૂબ પવિત્ર છે. તેની સાચી સાધના કરવાથી આપણામાં અને આપણા જીવનમાં સકારાત્મક ઊર્જા આવે છે અને એ જ સકારાત્મક શક્તિઓ આપણને સારા જીવન તરફ આગળ ધપાવે છે. આપણું જીવન લયબદ્ધ અને સુરીલું બનાવે છે. આજના જીવનના આટલા બધા પ્રોબ્લેમમાં ચાલોને મિત્રો આપણે થોડો સમય સંગીત માટે કાઢીએ અને પોતાનાં માનસિક, આત્મિક અને સાત્ત્વિક જીવનને સુંદર, સુખી ને સરળ બનાવીએ. જીવનના સૂર-તાલ જરા સરખા કરીએ. બરાબર?

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.