શ્રિંકફ્લેશન: ગ્રાહક અને નફો બંને જાળવવાની વ્યૂહરચના

વીક એન્ડ

બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે-સમીર જોશી

શ્રિંકફ્લેશન: ગ્રાહક અને નફો બંને જાળવવાની વ્યૂહરચના
એમ કહેવાય છે કે સોની ને દરજી ઘરનાને પણ ન છોડે. જો તમે દાગીનો બનાવવા જાઓ કે કપડાં સિવડાવવા જાઓ તો થોડું કપડું કે સોનું જાય અને તમને ખબર પણ ન પડે. આની ખૂબી એ છે કે તમે સોનાનું વજન માપશો, પણ મિલિગ્રામનો ફરક નહિ પકડી શકો. હમણાં એક મિત્ર સાથે વાત થઈ રહી હતી કરિયાણાના વેપાર વિષે અને તેમના વજન કરવાના તરીકા વિષે. જેમ સોની મિલિગ્રામનો ફરક કરી શકે છે તેવી જ રીતે કરિયાણાનો વેપારી પણ અમુક ગ્રામનો ફરક પોતાની તરફ કરી શકે. આપણે ગ્રાહક તરીકે ઉપરછલ્લી રીતે વજન જોઈએ અને કહીએ ૧ કિલો બરાબર છે, પણ તેમાં જો અમુક ગ્રામ આમતેમ હોય તો ખબર ન પડે અને તમને ફરક પણ ન પડે. આ રીત સાચી કે ખોટી એની ચર્ચા આપણે અહીં નથી કરવી, વાત કરવાની છે, પ્રોફિટેબિલિટી કેવી રીતે વધારી શકાય અથવા કિંમતને કેવી રીતે ક્ધટ્રોલમાં રાખી નફો વધારી શકાય.
આવી જ એક વ્યૂહરચના છે જે કંપનીઓ વાપરે છે અને તે એટલે શ્રિંકફ્લેશન. શ્રિંકફ્લેશન એ બે અલગ અલગ શબ્દોનો બનેલો શબ્દ છે: શ્રિંક અર્થાત્ સંકોચો અને ઈન્ફ્લેશન અર્થાત્ ફુગાવો, શ્રિંક+ફ્લેશન = શ્રિંકફ્લેશન. શ્રિંક એ ઉત્પાદનના કદમાં ફેરફારનો ઉલ્લેખ કરે છે, જ્યારે ફ્લેશન ભાગ ફુગાવો અર્થાત્ ઈન્ફ્લેશન એટલે કે ભાવસ્તરમાં વધારો દર્શાવે છે. હાલમાં આના પર મીડિયામાં ઘણી વાતો છપાઈ છે કારણ કંપનીઓ માટે રો મટીરિયલના વધતા ભાવો સામે નિશ્ર્ચિત કરેલી વેચાણ કિંમતે વેચવું મુશ્કેલ થઈ રહ્યું છે. આ ઉપરાંત નાના પ્રાઈઝ બ્રેકેટમાં ભાવ વધારવો કઠિન હોય છે. આવા સમયે શું કરવું, ભાવ વધારો તો ગ્રાહક નારાજ થાય અને છૂટી પણ જાય, ભાવ ન વધારો તો નફામાં નુકસાની જાય અથવા ખોટ પણ થાય. ત્યારે આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવે છે. શું તમે નોંધ્યું છે કે તમારી મનપસંદ ચોકલેટ થોડી નાની થઈ ગઈ છે, સમાન કદના પેકેજમાં ઓછાં બિસ્કિટ હોય છે અથવા ચિપ્સની બેગમાં વધુ હવા હોય છે? આજ છે શ્રિંકફ્લેશન વ્યૂહરચના જેને માર્કેટર્સ ક્ધટેન્ટ રિડક્શન સ્ટ્રેટેજી તરીકે પણ ઓળખે છે. ટૂંકમાં, આનો અર્થ છે, જ્યારે કિંમત સમાન રહે છે ત્યારે ઉત્પાદનનું કદ ઘટાડવું.
આ વ્યૂહરચના ગેરકાયદે નથી, કારણ કે ઉત્પાદકો હંમેશાં લેબલમાં ઉત્પાદનનું વજન અને જથ્થો દર્શાવે છે. ઉદાહરણ તરીકે; ચોકલેટ બારનું કદ ૬૦ ગ્રામથી ઘટાડીને ૫૫ ગ્રામ કરવામાં આવે છે અને કિંમતમાં કોઈ પરિણામી ઘટાડો થતો નથી. ઘણાં ઉત્પાદનોમાં અને મોટે ભાગે નાની કિંમતનાં ઉત્પાદનોમાં ગ્રાહક તરીકે આપણે ફક્ત કિંમત જોઈએ છીએ અને વજન નહિ, તેથી આપણા ધ્યાનમાં આ વાત નથી આવતી.
હવે પ્રશ્ર્ન થાય કે શા માટે ઉત્પાદકો આ વ્યૂહરચના અપનાવે છે અને સીધી રીતે ભાવ નથી વધારતા. કારણ સરળ છે. ગ્રાહક સરળતાથી ઉત્પાદનની કિંમતમાં થોડો વધારો પણ નોંધે છે અને તરત જ વિકલ્પ શોધવાનું શરૂ કરે છે. આની પાછળ મનોવૈજ્ઞાનિક કારણ પણ છે અને આને જાણવા માટે બહારના દેશમાં એક અભ્યાસ પણ થયો હતો. તેઓએ અમુક ઉત્પાદનો નક્કી કર્યાં અને આ ઉત્પાદનોની કિંમત કે કદમાં કોઈ ફેરફાર ન કર્યો, પરંતુ તેઓએ સુપર માર્કેટના રેકની નીચે શેલ્ફ સ્ટ્રિપ હોય છે જેના પર કિંમત જોવા મળે છે તેમાં ફેરફાર કર્યો, જેથી ખરીદનારને એવું માનવામાં આવે કે કિંમત અથવા કદ અગાઉ અલગ હતાં. ચાર અઠવાડિયાંમાં દર અઠવાડિયે તેઓએ નીચેની ચાર યુક્તિઓને ચકાસવા માટે શેલ્ફ સ્ટ્રિપનાં લેબલો બદલ્યાં, જે તમામ પ્રતિ-યુનિટ કિંમતમાં સમાન વધારો સૂચવે છે:
પહેલી યુક્તિમાં એવી છાપ ઊભી કરી કે માત્ર કિંમત વધી છે. બીજી યુક્તિમાં એ છાપ ઊભી કરી કે કિંમત સમાન હતી, પરંતુ કદમાં/વજનમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્રીજી યુક્તિમાં છાપ ઊભી કરી કે કદ વધ્યું છે, પરંતુ કિંમત પણ વધી છે અને ચોથી યુક્તિમાં એ છાપ ઊભી કરી કે ઉત્પાદનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ કદમાં પણ વધુ ઘટાડો કરવામાં આવ્યો હતો અને આનું પરિણામ તે આવ્યું કે યુક્તિ નંબર બે શ્રિંકફ્લેશન દરમ્યાન સેલ વધુ થયું અને લોકોએ તેને અપનાવ્યું. મનોવૈજ્ઞાનિક રીતે લોકોને એમ લાગ્યું કે પોતે વધારે પૈસા નથી આપવા પડતા. આ ઉપરાંત ઉપર જોયું તેમ, ઉત્પાદકો નાના એકમ દ્વારા જથ્થામાં ઘટાડો કરે છે જે સામાન્ય રીતે ગ્રાહકો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને ઉત્પાદનની સંપૂર્ણ કિંમત સમાન રહે છે. આનાથી માત્ર પ્રતિ યુનિટ વજન અથવા જથ્થામાં વધારો થાય છે જે સામાન્ય રીતે લોકોના ધ્યાનમાં નથી આવતું. તે એવો ભ્રમ ઊભો કરે છે કે ગ્રાહકોને પહેલાં જેટલો જ જથ્થો મળતો હતો, આથી આ વ્યૂહરચના નાના એકમો માટે બંધબેસતી છે અને નહિ કે મોટા એકમો માટે. આની સામે તમે તમારા મોટા એકમોમાં કોઈ ફરક નથી કરતા ત્યારે તેના વેચાણની આવશ્યકતા તમે વધારી શકો છો. આપણે જાણીએ છીએ કે લોકોની માનસિકતા નાના એકમો/પેકેટ્સ ખરીદવાની છે કારણ તે બજેટમાં બેસે અને વધુ વખત ખરીદી શકાય. જો તમે આવા સમયે તમારા મોટા એકમોનું ગણિત સમજાવવામાં સફળ થાઓ તો તમારા મોટા એકમો વેચવાની શક્યતા વધી જાય અને નફો પણ.
હવે પ્રશ્ર્ન થાય કે ક્યાં સુધી આ વ્યૂહરચના ચલાવી શકાય કારણ મોંઘવારી/ફુગાવો તો વધતો જ રહેશે અને રો મટીરિયલના ભાવ વધતાં, ઉત્પાદનોના ભાવ વધતા જોયા નથી. શું તમે નોંધ્યું છે કે અગાઉ મેગીનું એક પેકેટ તમારું પેટ ભરવા માટે પૂરતું હતું? અને ૧૦ વર્ષ પહેલાં પારલે જી બિસ્કિટની સાઈઝ કેટલી હતી? આ ઉત્પાદનોની કિંમતો લગભગ સમાન છે અથવા કદાચ ૧૦ વર્ષ પહેલાંની કિંમત કરતાં થોડાક રૂપિયા વધારે છે. ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે, પરંતુ આ ઉત્પાદનોની કિંમત હંમેશાં સમાન રહી છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ લોકો વધતા ખર્ચ છતાં તેમના નફાના માર્જિનને કેવી રીતે જાળવી રાખે છે? જવાબ ઉત્પાદનના કદમાં છે. ખર્ચની ભરપાઈ કરવા માટે ઉત્પાદનના જથ્થા અથવા વજનમાં નજીવી રકમ દ્વારા ઘટાડો. જો તમે વ્યક્તિગત ઉત્પાદનને ધ્યાનમાં લો છો, તો તે તમારા માટે એટલું મહત્ત્વનું ન લાગે, પરંતુ ઘટેલા જથ્થા અથવા વજન પર ઉત્પાદિત લાખો પેક અને કંપનીની નફાકારકતા પર તેની અસરને ધ્યાનમાં લો. જો આ વાત સમજાશે તો સમજાશે કે વર્ષોથી કોર્પોરેટ્સે કેવી રીતે કિંમતને જાળવી રાખી છે અને શ્રિંકફ્લેશનની વ્યૂહરચના કેટલી લાંબી ચાલી શકે.
આમ બ્રાન્ડ્સ વધતા જતા ફુગાવાના પ્રતિભાવમાં શ્રિંકફ્લેશનનો ઉપયોગ કરે છે અને માને છે કે તે ગ્રાહકોના શ્રેષ્ઠ હિતમાં છે, કારણ આનાથી ગ્રાહક પર વધુ પૈસાનો મારો નથી પડતો અને તે પોતાને ગમતી બ્રાન્ડ વાપરી શકે છે અને વેપારી ફુગાવો વધતાં, તેની ઇનપુટ કોસ્ટ વધતી હોવા છતાં ગ્રાહકને જાળવી પોતાનો નફો અને ઓપરેટિંગ કોસ્ટ બંને સાચવી લે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.