ગીતા-મહિમા – સારંગપ્રીત
ગત અંકમાં આપણે રાજવિદ્યા અર્થાત બ્રહ્મવિદ્યા વિષયક માહિતી મેળવી. આ અંકમાં ભગવાન શ્રદ્ધાનું માહાત્મ્ય જણાવીને શ્રદ્ધાહીન વ્યક્તિની આધ્યાત્મિક હાનિ તરફ નિર્દેશ કરે છે.
એક રણમાં એક માણસ તરસ્યો હતો. ત્યાં તેણે એક ઝૂંપડું જોયું. તે જોઈ ત્યાં ગયો. તેની બાજુમાં જ કટાઈ ગયેલો પાણીનો પંપ હતો, ચાર પગે માંડમાંડ ત્યાં પહોંચ્યો ને પંપનું હેન્ડલ પકડી પંપ કર્યો પણ પાણી ન નીકળ્યું. તે પંપની બાજુમાં એક જગ પડ્યો હતો તેની ઉપર એક ચિઠ્ઠીમાં લખેલું, ‘મિત્ર આ પાણી પીતા નહીં. આ પાણી પંપમાં મૂકો. પછી પંપ ચલાવતા પાણી આવશે ને છેલ્લે જગમાં પાણી ભરવાનું ભૂલી ન જતા.’ મૂંઝાયેલા તેને શું કરવું તે ખ્યાલ ન આવ્યો. ‘જગનું પાણી પીશ તો થોડીવાર જીવી જવાશે ને જો પંપમાં નાખીશ ને પાણી ન આવ્યું તો શું થશે? પરંતુ પછી જો ખરેખર વધુ પાણી આવશે તો લાંબા સમય સુધી વાંધો નહીં આવે.’ આમ વિચારતાં વિચારતાં અનિશ્ચિત મનવાળા એવા તે પુરુષે જગનું પાણી પંપમાં નાખ્યું ને પછી હેન્ડલથી પંપ ચલાવવા લાગ્યો. પાણી નીકળ્યું નહીં. આથી ફરી તેણે પ્રયત્ન કર્યો. ટીપે ટીપે કરી શરું થયેલું પાણી ધારાપ્રવાહથી નીકળવા લાગ્યું. તે ખૂબ આનંદમાં આવી ગયો. પાણી પીધું ને પછી જગમાં પાછું ભરી દીધું ને બીજા મુસાફર માટે ચિઠ્ઠીમાં ઉમેર્યું કે, શ્રદ્ધા રાખજો કામ આવશે.
હા, માનવ જો પોતાના કાર્યમાં શ્રદ્ધા રાખે તો તે કાર્ય સફળ થાય જ છે.
અધ્યાત્મ માર્ગમાં તો પણ શ્રદ્ધાની પરમ આવશક્તા છે, આ ઉપદેશ આપતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે, જેના સંત વખાણ કરે છે તેને જ શ્રદ્ધા છે, માટે ધર્મ પાળ્યાને વિષે તેનો વધારો છે ને તેને સંતની સેવા કરવાને વિષે તથા ભગવાનની વાત સાંભળવાને વિષે પણ શ્રદ્ધા છે ને સંતનો વિશ્વાસ છે માટે એ વધી ગયો. અને જે આવા સમાગમમાં રહ્યો આગળ વધ્યો નહિ તે શ્રદ્ધા રહિત છે એમ જાણવું.
એટલા માટે શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના ૯/૩ શ્લોકમાં કહે છે કે,
અશ્રદ્ધાના: પુરુષા ધર્મસ્યાસ્ય
પરન્તપ
અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુસંસારવર્ત્મનિ ॥
આ ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્ય મને પામતાં નથી અને મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકતા રહે છે.
હર્બર્ટ બેન્સનના શોધપત્ર અનુસાર, મોટા ભાગના ફેમિલી ડોક્ટર કહે છે કે, ધાર્મિક શ્રદ્ધા સ્વાસ્થ સુધારણામાં મદદરૂપ થાય છે. ૨૬૯ ફેમિલી ડોક્ટરનું સર્વેક્ષણ કરવામાં આવ્યું, તેમાં ૯૯% ડોક્ટરોઓ કહ્યું કે, ખરેખર ધર્મ માણસને વધુ તંદુરસ્ત રાખી શકે છે. ડોક્ટર્સ ઘણા લાંબા સમયથી સ્વાસ્થ સુધારણાના સાક્ષી બની રહ્યા છે, છતાં તેઓ મેડિકલ પ્રક્રિયામાં સંપૂર્ણ ફાળો ન આપી શકે. તેમાં શ્રદ્ધાનો મુખ્ય ફાળો હોય છે.’
ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્થ અધ્યાયમાં સમજાવે છે કે, અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો મનુષ્ય સંશયમાં રહી નાશ પામે છે, સંશયી પુરુષ માટે આ લોક નથી, પરલોક નથી, અને સુખ નથી.
ચાર્લ્સ કિંગ્સલિ શ્રદ્ધાનો મહિમા અદ્ભુત વર્ણવે છે, તેમણે સ્પષ્ટ ઘોષણા કરી કે શું તમને લાગે છે કે તમે જીવનનો સાચો રાહ ચૂકી ગયા છો? તો ભગવાનમાં શ્રદ્ધા રાખો. ભગવાન સ્વયં તમારો માર્ગ બનીને આવશે. તમે ખરેખર નિ:સહાય બન્યા છો? શરીર અને મન તમારા કાબૂની બહાર છે? ભગવાનનો પ્રેમ તમને ફરી બેઠા કરવા, મદદ કરવા તૈયાર છે. જાતજાતની શંકા અને ભયથી તમે હેરાન – પરેશાન છો? ભગવાનની શાશ્વત શાંતિ તમને રાહત આપવા તૈયાર છે.
સૌરાષ્ટ્રના ભાદરા ગામમાં ઇઅઙજ સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને ગુરુ યોગીજી મહારાજનાં વચનમાં દૃઢ શ્રદ્ધા કે, ‘કૂવો ખોદો પાણી જરૂર મળશે.’ આ પ્રમાણે કૂવો ખોદવાનું શરૂ કર્યું પરતું પાણી મળ્યું નહી. છતાં પ્રમુખસ્વામી મહારાજે ગુરુ વચનમાં વિશ્ર્વાસ રાખી પ્રયત્ન ચાલુ રાખ્યો અને અંતે પાણી મળ્યું. સમૈયાની ઉજવણી ધામધુમથી થઈ. આ રીતે જીવનમાં ગુરુ અને ભગવાનનાં વચનમાં શ્રદ્ધા રાખવાથી સદા સફળતાનો જ સ્વાદ આવે છે.
શ્રદ્ધા સદા ધૈર્યની સાથે જ ચાલે છે. ધીરજ વગરની શ્રદ્ધા રસ્તા વચ્ચે છોડીને જતી રહેશે, તે નિર્વિવાદ છે. પ્રમુખસ્વામી મહારાજ ઘણી વાર કહેતા કે ભગવાનના માર્ગમાં તો શ્રદ્ધા જ કાર્ય કરે છે. શ્રદ્ધાથી આપનું ધ્યેય જલ્દી સમીપ આવે છે.
તો ચાલો આપણે પણ આપણું જીવન શ્રદ્ધાથી ઉન્નત બનાવીએ, અને ‘શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્’ આ સૂત્રને કેન્દ્રમાં રાખી જીવનમાં પ્રભુજ્ઞાન મેળવતા રહીએ. ઉ