શ્રદ્ધા! તૂ આ ગયી, ભલા તો દૂર દૂર લે ચલ મુઝકો,ઈસ ભયાવને અંધકાર મેં ખો દૂં કહીં ન ફિર તુઝકો

વીક એન્ડ

ઝાકળનીપ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

પ્રેમ કી રાહ અનોખી
પથિક! પ્રેમ કી રાહ અનોખી
ભૂલ ભૂલ કર ચલના હૈ,
ઘની છાંહ હૈ જો ઉપર તો
નીચે કાંટે બિછે હુએ.
પ્રેમયજ્ઞ મેં સ્વાર્થ ઔર
કામના હવન કરના હોગા,
તબ તુમ પ્રિયતમ સ્વર્ગ-બિહારી
હોને કા ફલ પાઓગે.
– જયશંકર પ્રસાદ
ઈ.સ. ૧૯૧૬ના ગાળામાં હિન્દી કવિતામાં કલ્પનામય, સ્વચ્છંદ અને ભાવુક લહરનો ઉદય થયો. ભાવ, ભાષા, શૈલી, છંદ, અલંકાર- બધી દૃષ્ટિએ જૂની કવિતા સાથે તેનો મેળ બેસતો ન્હોતો. વિવેચકો- અભ્યાસીઓએ તેને છાયાવાદ અથવા છાયાવાદી તરીકે ઓળખાવી. આધુનિક હિન્દી કવિતાની સર્વ શ્રેષ્ઠ ઉપલબ્ધિ આ અરસાની કવિતામાં પ્રતિબિમ્બ થઈ. લાક્ષણિકતા, ચિત્રાત્મકતા, નૂતન પ્રતીકવિધાન, વ્યંગ્યાત્મકતા, મધુરતા વગેરે ગુણોને લીધે છાયાવાદી કવિતાએ ધીમે ધીમે તેનો પ્રશંસક વર્ગ ઊભો કરી લીધો. છાયાવાદ સંજ્ઞાનો સૌથી પહેલો પ્રયોગ પદ્મશ્રી મુકુટધર પાંડેયે (૧૮૯૫-૧૯૮૮) કર્યો હતો.
છાયાવાદની અસરને લીધે હિન્દી કવિતાના અંતરંગ અને બહિર્રંગમાં એકદમ પરિવર્તન આવ્યું. વસ્તુ નિરુપણને બદલે અનુભૂતિ નિરુપણને અગ્રતા મળી. પ્રકૃતિનો પ્રાણમય પરિવેશ કવિતામાં પ્રગટ થયો. સર્વશ્રી જયશંકર પ્રસાદ, સૂર્યકાંત ત્રિપાઠી ‘નિરાલા’, સુમિત્રાનંદન પંત અને મહાદેવી વર્મા છાયાવાદ યુગના ચાર મુખ્ય સ્તંભ છે.
રામકુમાર વર્મા, માખનલાલ ચતુર્વેદી, હરિવંશરાય બચ્ચન અને રામધારીસિંહ ‘દિનકર’ જેવા પ્રતિભાશાળી સાહિત્યકારોને છાયાવાદે પ્રભાવિત કર્યા, પરંતુ રામકુમાર વર્મા નાટકકારના રૂપમાં પ્રસિદ્ધ થયા, માખનલાલ ચતુર્વેદી રાષ્ટ્રવાદી ધારાના પક્ષમાં રહ્યા, હરિવંશરાય બચ્ચને પ્રેમરાગનાં ગીતો ગાયાં તો રામધારીસિંહ ‘દિનકરે’ તેમની કવિતામાં વિદ્રોહની જવાળાને વધારે હવા આપી.
કવિ જયશંકર પ્રસાદનો જન્મ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ૩૦ જાન્યુઆરી ૧૮૮૯ના રોજ થયો હતો. તેમણે આઠમા ધોરણ સુધી શાળાકીય શિક્ષણ લીધું હતું. તેમણે સંસ્કૃત, પાલી, પ્રાકૃત અને અંગ્રેજી ભાષાઓનું ઘરમાં રહીને અધ્યયન કર્યું. ત્યાર પછી તેમણે ભારતીય ઈતિહાસ, સંસ્કૃતિ, દર્શન, સાહિત્ય અને પુરાણકથાઓનો એકનિષ્ઠ અભ્યાસ કર્યો. કવિના પિતા દેવીપ્રસાદજી તંબાકુ અને છીંકણીનો વેપાર કરતા હતા. વારાણસીમાં તેમનો પરિવાર સુંઘની સાહૂના નામથી જાણીતો થયો હતો. ૪૮ વર્ષના ટૂંકા આયુષ્યમાં જયશંકરજીએ ઐતિહાસિક કાર્ય કર્યું. ૧૪ જાન્યુઆરી ૧૯૩૭ના રોજ વારાણસીમાં તેમનું અવસાન થયું હતું.
પ્રસાદજીએ હિન્દી કવિતામાં છાયાવાદની સ્થાપના કરી. તે દ્વારા તેમણે તેમની કવિતામાં ખડી બોલીનું માધુર્ય વહાવ્યું અને એ જ કવિતાની સિદ્ધ ભાષા બની ગઈ. આ સંદર્ભમાં નીચે દર્શાવેલું નાનકડું ઊર્મિગીત માણવા લાયક છે:
“મધુર હૈં સ્ત્રોત મધુર હૈં લહરી,
ન હૈં ઉત્પાત, છટા હૈ છહરી,
મનોહર ઝરના.
કલ્પનાતીત કાલ કી ઘટના,
હૃદય કો લગી અચાનક રટના,
દેખકર ઝરના.
પ્રથમ વર્ષા સે ઈસકા ભરના,
સ્મરણ હો રહા શૈલ કા કટના,
કલ્પનાતીત કાલ કી ઘટના.
પ્રકૃતિ-નિસર્ગમાં અપાર વિશ્ર્વાસ ધરાવતા આ કવિ ઈશ્ર્વરે આપેલા જીવનમાં શ્રદ્ધા
ધરાવે છે અને જીવતરને હકારાત્મક દૃષ્ટિથી જુએ છે.
તેમણે ‘કામાયની’, ‘આંસૂ’, ‘કાનન-કુસુમ’, ‘પ્રેમ પથિક’, ‘ઝરના’ અને ‘લહર’ નામના કાવ્યસંગ્રહો હિન્દી સાહિત્યને ભેટ ધર્યા છે. ‘કામાયની’ (ઈ.સ. ૧૯૩૫) તેમનું ૧૩૫ પૃષ્ઠમાં ફેલાયેલું સર્વસ્વીકૃત મહાકાવ્ય છે. તેમાં તેમણે યુગના સંકટ અને સંઘર્ષની અભિવ્યક્તિ કરી છે. તેમાં વિશ્ર્વાસ અને વિજ્ઞાન, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સામાજિક વિકાસ, ભૌતિક વૈભવ અને આધ્યાત્મિક અનુમાનના સંઘર્ષોનું વિશદ ચિત્રણ કરાયું છે. ‘કામાયની’ની મૂળ કથા ઉપનિષદોમાંથી લેવાયેલી છે. તેમાં ભારતની સાંસ્કૃતિક પરંપરાની જીવંત શક્તિનું આલેખન કરાયું છે.
પ્રસાદજીએ નાટયજગત અને કથાસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ‘તિતલી’, ‘કંકાલ’ અને ‘ઈરાવતી’ તેમની નવલકથાઓ છે. ‘છાયા’, ‘પ્રતિધ્વનિ’, ‘આંધી’ અને ‘ઈન્દ્રજાલ’માં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થયેલ છે. ‘આકાશદીપ’, ‘મધુઆ’ અને ‘પુરસ્કાર’ તેમની જાણીતી ટૂંકી વાર્તાઓ છે. ‘સ્કંદગુપ્ત’, ‘ચંદ્રગુપ્ત’, ‘ધ્રુવસ્વામિની’, ‘જન્મે જય કા નાગ યજ્ઞ’, ‘રાજ્યશ્રી’, ‘એક ઘૂંટ’, ‘વિશાખ’ અને ‘અજાતશત્રુ’ તેમનાં નાટકોનાં પુસ્તકો છે.
આ કવિએ તેમના કાવ્યવિશ્ર્વમાં માનવજીવનનો મધુર રાગ વ્હેતો મૂક્યો છે. તો મનની સૂક્ષ્મ ભાવનાઓને અનોખો આકાર આપ્યો છે: જુઓ:
“ધૂસર સન્ધ્યા ચલી આ રહી થી અધિકાર જમાને કો,
અન્ધકાર અવસાદ કાલિમા લિયે રહા બરસાને કો.
ગિરિ સંકટ કે જીવન-સોતા મન મારે ચુપ બહતા થા,
કલ કલ નાદ નહીં થા ઉસમેં, મન કી બાત ન કહતા થા.
ઈસે જાહ્નવી-સી આદર દે કિસને ભેંટ ચઢાયા હૈં,
અંચલ સે સસ્નેહ બચાકર છોટા દીપ જલાયા હૈં.
કિસી માધુરી સ્મિત-સી હોકર યહ સંકેત બતાને કો,
જલા કરેગા દીપ, ચલેગા યહ સોતા બહ જાને કો.
અંધકાર અને અજવાસ તો કુદરતે રચેલો ક્રમ છે. તેમ માનવજીવનમાં આ બંને મહત્ત્વનું સ્થાન ભોગવે છે. આ લયાત્મક ગીતમાં કવિએ દીપકના પ્રતીક દ્વારા જીવનના દીપકની વાત છેડી છે. દીપક સતત જલતો રહેતો હોય છે તેમ પર્વતમાંથી નીકળેલું ઝરણું કયાં કદી થંભી જતું હોય છે. ઝરણાનો સ્વભાવ જ વહેતા રહેવાનો છે. જીવતરનું પણ આવું જ હોય છે ને! માર્ગમાં ફૂલોની બિછાત હોય કે કંટકોના અવરોધો હોય પણ જીવન તો સતત આગળ ને આગળ ધપતું રહેતું હોય છે. આમ, કવિએ જે કાંઈ કહ્યું છે તે ગોપિત રાખીને કહી દીધું છે.
સબ જીવન બીતા જાતા હૈ
સબ જીવન બીતા જાતા હૈ
ધૂપ છાંહ કે ખેલ સદ્રશ
સબ જીવન બીતા જાતા હૈ.
સમય ભાગતા હૈ પ્રતિક્ષણમેં
નવ-અતીત કે તુષાર-કણમેં
હમેં લગા કર ભવિષ્ય-રણમેં
આપ કહાં છિપ જાતા હૈ
સબ જીવન બીતા જાતા હૈ.
બુલ્લે, નહર, હવા કે ઝોંકે
મેઘ ઔર બિજલી કે ટોંકે
કિસકા સાહસ હૈ કુછ રોકે
જીવન કા વહ નાતા હૈ
સબ જીવન બીતા જાતા હૈ.
બંશી કો બસ બજ જાને દો
મીઠી મીડોં કો આને દો
આંખ બંધ કર કે ગાને દો
જો કુછ હમકો આતા હૈ
સબ જીવન બીતા જાતા હૈ.
જિંદગી ફૂલોની પથારી નથી, પણ અણીદાર કંટકોનું વન છે. સુખદુ:ખ કે પછી તડકા-છાયાની આ ઘટમાળમાં માનવજીવનને વેદનાના પથ્થર વચ્ચે પીસાવું પડે છે. મૃત્યુને શરણ તો કેવળ એક જ વેળા જવાનું હોય છે. પણ જીવનનું ચક્ર આરોહ-અવરોહ વચ્ચે નિયમિત ફર્યા કરતું હોય છે. કવિશ્રીએ જીવનને પ્રકૃતિના એક ભાગ તરીકે વર્ણવીને કમાલ કરી છે. મૌસમ ગમે તે હોય પણ જીવનની ગાડી કયાંય, કયારેય થોભતી નથી. જીવન કયારેય થાકોડો ખાતું નથી. આ પ્રવાહી ગીતની દરેક પંક્તિમાં એક દૃશ્યચિત્ર જોવા મળે છે. જિંદગી પ્રત્યેનો હકારાત્મકતાનો મુદ્દો આ ગીતને વિશેષ શણગારી આપે છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.