શુદ્ધ સોનું ₹ ૨૨૭ ઘટીને ₹ ૫૧,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૧૫૭ નો સુધારો

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ફેડરલ વ્યાજદરમાં વધારો કરવા માટે આક્રમક અભિગમ નહીં અપનાવે એવું જણાતા ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં છૂટીછવાઈ લેવાલી નીકળી હતી, પરંતુ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સોનામાં ભાવ ઘટી આવ્યા હતા. વધુમાં આજે પણ લંડન ખાતે સત્રના આરંભે યિલ્ડની મજબૂતીને કારણે ભાવ દબાણ હેઠળ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ નરમાઈનો અન્ડરટોન રહ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં આયાત પડતર વધવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે હાજરમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૬થી ૨૨૭ નો ઘટાડો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવ રૂ. ૫૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૭ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે છૂટીછવાઈ વેચવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની લગ્નસરાની માગ જળવાઈ રહી હતી. તેમ છતાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૨૬ ઘટીને રૂ. ૫૦,૭૪૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૨૭ ઘટીને રૂ. ૫૦,૯૪૫ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૭ વધીને રૂ. ૬૧,૬૦૫ની સપાટીએ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ વધતા ફુગાવાને નાથવા માટે આગામી જૂન અને જુલાઈ મહિનામાં વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે અને ત્યાર બાદ વ્યાજદરમાં વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડી તેની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. આમ એકંદરે વ્યાજ વધારામાં ફેડરલ રિઝર્વ વધુ આક્રમક અભિગમ નહીં અપનાવે તેવું જણાતા ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, પરંતુ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે સોનામાં સુધારો ધોવાઈ ગયો હતો. વધુમાં આજે પણ ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૪૬ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૧૮૪૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ આગલા દિવસની તુલનામાં ૦.૨ ટકા વધીને ૧૦૬૯.૮૧ ટનની સપાટીએ રહ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.