શું છે આ ગામનું રહસ્ય, જ્યાં છોકરીઓ આપોઆપ છોકરા બની જાય છે

લાડકી

સાંપ્રત-નિધિ ભટ્ટ

જેફ્રી યુજીનાઈડ્સની પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા નવલકથા ‘મિડલસેક્સ’ ૨૦૦૨માં પ્રકાશિત થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેની ચાલીસ લાખ કરતાં વધારે નકલ વેચાઈ ચૂકી છે. આ એક એવી વ્યક્તિની વાર્તા છે જે છોકરીના રૂપમાં જન્મ લે છે, પરંતુ કિશોરાવસ્થાની શરૂઆત થતાં જ તે આપોઆપ છોકરામાં પરિવર્તિત થઈ જાય છે અને ધીમે ધીમે પુરુષ બનતો જાય છે. ‘ટ્વાઈલાઈટ ઝોન’ સિરિયલના એક એપિસોડ અને ઉર્સુલા કે લે ગુઈનની એક વાર્તાનો પણ આ પ્લોટ છે, જેમાં છોકરીના રૂપમાં જન્મ લીધા પછી તે ધીમે ધીમે છોકરો થઈ જાય છે.
આ સાહિત્યિક રચનાઓનો અભ્યાસ કર્યા બાદ હું હંમેશાં વિચારું છું કે આ માત્ર કલ્પના છે કે વાસ્તવિકતા છે. આ પ્રશ્ર્નના જવાબ મેળવવાની કોશિશ કરી તો કલ્પના કરતાં પણ વધારે આશ્ર્ચર્યજનક હકીકતો બહાર આવી. જી હા, આ ધરતી પર એક એવું ગામ છે જ્યાં બાળક છોકરી બનીને જન્મ લે છે, પરંતુ બાર વર્ષનો થાય એટલે તેનો અવાજ અને લિંગ આપોઆપ બદલાવા માંડે છે અને તે છોકરો બની જાય છે. આ ગામ લા સેલિનાસ જોકી કેરેબિયનના ડોમિનિકન રિપબ્લિકના બારાહોના પ્રાંતમાં છે. મૂળે લા સેલિનાસ નમકની ખાણનું ગામ હતું, જેનાથી તેનું આ નામ પડ્યું. સ્પેનિશ ભાષામાં સેલિનાસ નમકની ખાણને કહે છે. આ ગામની વસતિ લગભગ ૬૦૦૦ છે, પરંતુ અહીં ૯૦ બાળકોમાંથી એકનું લિંગ પરિવર્તન થાય છે. લિંગ પરિવર્તન થનારાં આ પ્રકારનાં બાળકોને ગ્વેદોચે કહેવામાં આવે છે, જેનો અર્થ ૧૨ વર્ષની ઉંમરમાં પુરુષ લિંગનું નીકળવું એવો થાય છે.
ગ્વેદોચે જોની, જે પહેલાં ફેલિસિટા નામની છોકરી હતી, તે કહે છે, ‘મને છોકરીનો ડ્રેસ પહેરવાનું ક્યારેય ગમતું નહોતું. જ્યારે મારા માટે છોકરીઓ માટેનાં રમકડાં લાવવામાં આવતાં હતાં હું તેનાથી ક્યારેય રમતો નહોતો. જ્યારે હું છોકરાઓના સમૂહને જોતો તો તેમની સાથે બોલથી રમવા માટે રોકાઈ જતો.’ કહેવાનો અર્થ એ કે જ્યારે જોનીનો જન્મ થયો ત્યારે તેનામાં છોકરીનાં અંગ અને લક્ષણ હતાં એટલે તેનાં માતા-પિતાએ તેનું નામ ફેલિસિટા રાખ્યું, પણ તે બાર વર્ષનો થયો ત્યારે તેનો અવાજ ભારે થવા લાગ્યો અને તેના પુરુષ અંડકોષો વિકસિત થયા ને તે છોકરો બની ગયો. લા સેલિનાસમાં જોની એકલો ગ્વેદોચે નથી. કાર્લોસ બનવાના ઉંબરે ઊભેલી કાર્લાની મા કહે છે કે ‘એ જ્યારે પાંચ વર્ષની થઈ તો મેં નોટિસ કર્યું કે જ્યારે પણ તે પોતાના પુરુષ મિત્રોને જોતી ત્યારે તે તેમની સાથે લડવાના મૂડમાં આવી જતી. સાત વર્ષની થઈ ત્યારે તેની માંસપેશી અને છાતી છોકરાઓની જેમ મોટી થવા લાગી. હું જોઈ શકું છું કે તે છોકરો બનવા જઈ રહી છે.’ કાર્લાની માને દુખ છે કે તેણીએ છોકરીને જન્મ આપ્યો. ખરેખર કહીએ તો અહીં જે ઘરમાં છોકરી જન્મ લે છે તે ઘરમાં માતમ ફેલાઈ જાય છે, કારણ કે છોકરીનો ગ્વેદોચે બનવાનો ડર દરેક પરિવારને સતાવે છે.
અહીં ગ્વેદોચેને સિડોહર્મોફ્રોડાઈટ (બન્ને જાતિવાળો) માનવામાં આવે છે. જોકે આ વ્યાખ્યા સાચા અર્થમાં પ્રતીત નથી થતી, કારણ કે હર્મોફ્રોડાઈડમાં બન્ને જાતિ શરૂઆતથી અંત સુધી રહે છે, પરંતુ ગ્વેદોચેમાં પુરુષ અંગ ઊભર્યા બાદ તે પૂર્ણપણે પુરુષ બની જાય છે અને તે પણ હેટ્રોસેક્સ્યુઅલ એટલે કે જેને વિજાતીય આકર્ષણ હોય તેવા હોય છે. વાસ્તવમાં છોકરી જન્મ લે ત્યારે માતમ એટલા માટે છવાઈ જાય છે કે ગ્વેદોચેએ જીવનભર અપમાન સહન કરવાનો વારો આવે છે. આને લીધે આ ગામને શ્રાપિત ગામ તરીકે ઓળખવામાં આવે છે, જેના પર કોઈ ખરાબ આત્માની છાયા છે.
શું હકીકતમાં આવું છે? વૈજ્ઞાનિકો આ અંધવિશ્ર્વાસ સાથે સહમત નથી. તેઓ આ વાતને સ્વીકારતા નથી.
વૈજ્ઞાનિકો દસકાઓથી આ જિનેટિક મ્યુટેશન વિશે જાણે છે જેના કારણે આવી અજીબ સ્થિતિ ઉદ્ભવે છે. આના પર ડોક્યુમેન્ટરી પણ બની છે. કોર્નેલ યુનિવર્સિટીના સંશોધકોએ ૧૯૭૦ના દાયકામાં જ કહ્યું હતું કે લા સેલિનાસમાં લગભગ ૯૦ બાળકો આ મ્યુટેશનની અસર હેઠળ છે. આનું કારણ ૫-એ-રિડક્ટેઝની ઓછી માત્રા છે. જેના લીધે ગર્ભમાં પુરુષનું લિંગ વિકસિત થતું નથી. ગ્વેદોચેમાં આ વિકાસ કિશોરાવસ્થા સુધી જ રોકાયેલો રહે છે અને એના પરિવર્તન પછી નવા નિર્મિત છોકરાઓ હેટ્રોસેક્સ્યુઅલ સાબિત થાય છે. કહેવાનો અર્થ એ છે કે એક્સવાય ક્રોમોઝોમ હોવા છતાં જન્મના સમયે છોકરાઓ છોકરી જેવા લાગે છે. કિશોરાવસ્થામાં અન્ય છોકરાઓ જેમ જ તેમનામાં પણ ટેસ્ટોસ્ટેરોનની બીજી લહેર આવે છે. એ વખતે તેમનું શરીર પ્રતિક્રિયા કરે છે અને તેમની માંસપેશી, અંડકોષ અને લિંગ (પેનિસ) વિકસિત થવા લાગે છે. જોકે વિજ્ઞાને આ અજીબોગરીબ સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ અમુક પ્રશ્ર્નો જવાબ માગે છે, જેના લીધે લા સેલિનાસ હજુ પણ રહસ્યમય બની રહ્યું છે. જો આ કોઈ ખામીને લીધે થાય છે તો તેના માટે કોઈ દવા કેમ નથી બની? ગ્વેદોચે લા સેલિનાસમાં જ શા માટે થાય છે અને ડોમિનિકન રિપબ્લિકના અન્ય ક્ષેત્ર કે દુનિયાના અન્ય કોઈ ખૂણામાં કેમ નથી થતા… આ સ્થિતિ ગમે તેટલી દુર્લભ કેમ ન હોય, અન્ય કોઈ સ્થળેથી આવી ખબર આવી નથી. જેફ્રી યુજીનાઈડ્સે પોતાની નવલકથામાં યુનાનનું લોકેશન બતાવ્યું હતું, જેની કથાઓમાં અર્ધનારીશ્ર્વરની કથાઓ મળે છે, પણ યુનાનમાં કે ભારતમાં પણ ક્ધિનર તો હોય છે. ગ્વેદોચે હોય તેવી કોઈ ખબર બહાર આવી નથી. તો પછી આ પ્રકૃતિનો ખેલ છે કે પરવરિશનો… આના પર પણ કોઈ એક અભિપ્રાય નથી.
રહસ્ય જેમ જેમ ખૂલે છે તેમ તેમ વધારે ગૂંચવાતું જાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.