શિક્ષકે વિદ્યાર્થીને પ્રવીણ બનાવવાની સાથે પ્રામાણિક પણ બનાવવાનો છે

ધર્મતેજ

માનસ મંથન – મોરારિબાપુ

આપણે મૂલ્યવિહીનતા અને સંવેદનશીલતાના દુષ્કાળની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. વિદ્યાર્થીનો શૈક્ષણિક રૂપે વિકાસ થાય છે, પરંતુ નૈતિકતાનો હ્રાસ થાય છે! ચિત્રકૂટ શ્રેષ્ઠ શિક્ષક એવૉર્ડના આ પ્રસંગે હું કહું છું કે, શિક્ષકે એની પાસે આવતા વિદ્યાર્થીને વિવિધ વિષયોમાં પ્રવીણ અને કાર્યકુશળ તો બનાવવાનો છે, પરંતુ સાથોસાથ તેને પ્રામાણિક પણ બનાવવાનો છે. ગુજરાતના મૂર્ધન્ય શિક્ષાવિદ્દ એવા મુરબ્બી નાનાભાઈ ભટ્ટનો એક પ્રસંગ આ સંદર્ભમાં યાદ આવે છે.
નાનાભાઈ ભાવનગર જિલ્લામાં દક્ષિણામૂર્તિ સંસ્થા ચલાવે. આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ ત્યાં રહે અને અભ્યાસ પણ કરે. એક વખત એક વિદ્યાર્થી રજાઓમાં ઘેર ગયો હશે તે રાજ્યની નેરોગેજ ટ્રેનમાં પરત આવે છે. વિદ્યાર્થીઓમાં ઘૂસપૂસ ચાલે છે. નાનાભાઈને ખબર પડે છે કે તે વિદ્યાર્થીએ ટિકિટ વિના મુસાફરી કરી છે!
એ વિદ્યાર્થીને લઈ નાનાભાઈ સ્ટેશન પર પહોંચે છે. ‘માસ્ટર, આ વિદ્યાર્થીએ વિના ટિકિટ મુસાફરી કરી છે. તેની ટિકિટ જેટલા રૂપિયાની થાય છે એટલા રૂપિયા તથા તેણે કરેલી ભૂલનો વધારાનો દંડ આમ બન્ને રકમ હું તમને આપું છું. મને પહોંચ આપજો.’ નાનાભાઈએ સ્ટેશન માસ્ટરને કહ્યું. નાનાભાઈને અને તેમની નૈતિકતાને સૌ જાણે. છતાં સ્ટેશન માસ્ટરે કહ્યું કે આપ ઈચ્છો તો તેની એક ભૂલને અમે જતી કરીએ, પણ મને એ જણાવો કે આપ આ ઘટનાથી શું સૂચવો છો? ત્યારે નાનાભાઈએ ઉપરનો વિચાર રજૂ કર્યો હતો કે વિદ્યાર્થી પ્રવીણ બને અને પ્રામાણિક પણ બનવો જોઈએ.
મારાં ભાઈ-બહેનો, શિક્ષણ એ કર્મ નથી પરંતુ ધર્મ છે. સૂત્રના રૂપમાં સમજાવતાં કહું તો કર્મ ને ધર્મનો ફર્ક આપણે સમજવો જોઈએ. કર્મ એ જ ધર્મ છે એ વાત સારી છે, પરંતુ એ પૂર્ણ સત્ય નથી. પૂર્ણ સત્ય તો ધર્મ જ છે. એથી ધર્મની છાયામાં કર્મ હોય એ યોગ્ય છે. એટલે શિક્ષકનું કાર્ય છે એ કર્મ નથી પણ ધર્મ છે. શિક્ષણ એ ધર્મ છે એમ ઉપનિષદ કહે છે. તેના ચાર સ્તંભ છે અને એના પર આખું વિદ્યાજગત ટકે છે. આપણા શિક્ષણ ધર્મના ચાર થાંભલા કયા? પહેલો સ્તંભ છે સંપ. બીજો સંતોષ, ત્રીજો નિર્મળ વિચારો અને ચોથો છે સારો સંગ.
સંપ એટલે સમતા. વિદ્યાના ક્ષેત્રમાં આવનારા બધાએ આપણી સમતા નંદવાય નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ. આંતરિક સમતા જળવાઈ રહેવી જોઈએ. બીજો સ્તંભ છે સંતોષ. મેં મારા વિદ્યાર્થીઓમાં ચૈતન્ય રેડ્યું છે. મેં મારા વિદ્યાર્થીઓમાં નૂતન કુંપળો ફૂટાવી છે. મને રાજીપો થાય તેવું કામ મેં કર્યું છે. આવો શિક્ષકને સંતોષ થવો જોઈએ. ત્રીજો સ્તંભ છે વિમલ વિચાર, નિર્મળ વિચાર. મારી ને તમારી બુદ્ધિમાં નબળા વિચારો ન આવવા જોઈએ. નિર્મળ વિચારોની બહુ જ જરૂર છે. ચોથો સ્તંભ છે, સારો સંગ. શિક્ષકનો સંગ સારો હોવો જ જોઈએ. આપણી સદીના મહાપુરુષ વિનોબાજીના વિચારોને ટાંકતા બાપુએ કહ્યું હતું કે વિનોબાજી કહેતા કે શિક્ષક નિર્વૈર, નિર્ભય અને નિષ્પક્ષ હોવો જોઈએ. બાપુએ ઉમેર્યું હતું કે શિક્ષકનું દરેક સાથે પ્રમાણિક અંતર હોવું જોઈએ. શિક્ષકની કોઈ નિંદા કરે, વિરોધ કરે તો પણ તેની સેવા શિક્ષકે કરવાની છે.
વિનોબાજીનું શિક્ષણનું એક સૂત્ર : વિદ્યાર્થી આપણી પાસે આવે ત્યારે તેનું આશ્ર્ચર્ય અકબંધ રહેવું જોઈએ. જે વિદ્યાર્થીનું આશ્ર્ચર્ય આપણે છીનવી લઈએ તે વિદ્યાર્થી બહુ વિકસિત ન થઈ શકે. શિક્ષણમાં આવતા આધુનિક સાધનો, જેમ કે કોમ્પ્યુટર, કે જે કંઈ બીજી શોધ હોય, એ જરૂરી છે, વિજ્ઞાનની શોધ અને તેનો વિનિમય જરૂરી છે, પણ બાળકનું આશ્ર્ચર્ય છીનવાઈ જાય તેમ ન થવું જોઈએ. બાળકમાં જે ભોળપણ છે. આશ્ર્ચર્ય છે, શાળાની ખુલ્લી બારીમાંથી બહાર જોઈ બાળક જે જુએ છે, કે આ પક્ષી કેમ ઉડે છે ? એ તેનું આશ્ર્ચર્ય છે તેને ઈશ્ર્વર અકબંધ રાખે. બચપણ કોઈના બંધાયે બંધાતા નથી. શાળામાં બાળકોને થોડી મુક્તતા હોવી
જોઈએ.
સાહેબ, મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાના નાના શિષ્યો મને મળવા આવે ત્યારે મને ખબર ન પડે એમ મને અડવાની કોશિશ કરે, કારણ કે એ બંધાઈ ગયા છે! કૃષ્ણ નહોતા બંધાયા તો કૃષ્ણઅંશ કેમ બંધાય? માખણ કેટલી પ્રક્રિયા પછી થાય? ગાય ખરીદો, સારો ચારો નાખો, ચોખ્ખા પાત્રમાં દોહીએ, દૂધને જામાવીએ, દહીં બને, મથીએ ને પછી માખણ મળે. કૃષ્ણને એમ લાગ્યું હશે કે આટલી પ્રક્રિયામાંથી જે બહાર નીકળે છે એ સત્ત્વ-તત્ત્વને ખાવું જોઈએ અને ખવડાવવું જોઈએ. સમાજનું શુભતત્ત્વ વેચાઈ જાય એના કરતાં તો બહેતર છે કે એ માટલાં ફૂટી જાય. ક્યાંક શિક્ષણ તો ક્યાંક સંપ્રદાયને નામે નાની નાની મટુકીઓ ઊભી થઇ ગઈ છે! માટલામાં નવનીત કેદ થઇ જાય, એકપણ સૂત્ર સાંપ્રદાયિક ઘટામાં કેદ ન થવું જોઈએ. કૃષ્ણએ ક્રાંતિ કરી. કૃષ્ણએ સંકીર્ણતાનાં માટલાં તોડ્યાં. સારતત્ત્વ ને અમુક લોકોએ પોતાની પુંજી બનાવી લીધી હતી. બચપણને બાંધી શકાતું નથી. સ્કૂલોને પણ સંપ્રદાયના કેન્દ્રો ન બનાવાય! એને યુનિફોર્મમાં બાંધી ન દેવાય, માળા-તિલકમાં તો નહીં જ. તમે અમારા જ તિલક કરો એ સ્કૂલોમાં ન હોવું જોઈએ.
એક શિક્ષકે પોતાના ક્લાસમાં પ્રશ્ર્ન પૂછ્યો કે, દસ મિનિટમાં તમારી નોટબુકમાં દુનિયાની સાત અજાયબીઓ લખીને બતાવો. એટલે છોકરાઓએ હિંમત કરીને લખ્યું. પણ એક નાની એવી બાલિકા નથી લખતી! શિક્ષક એને પૂછે છે. બાલિકા કહે છે, અજાયબીઓ નથી આવડતી એમ નથી, પણ ભૂગોળવાળી નથી આવડતી! આ બધી અજાયબીઓ ધરતી ઉપરની, ભૂગોળની અજાયબી છે. મને જે સાત અજાયબીઓ કહેવાની ઈચ્છા થઈ છે એ આ છે, ‘પરમાત્માએ આપેલી સ્પર્શ કરવાની વિદ્યા, સાંભળવું, સૂંઘવું, બોલવું, કૂદવું, હસવું અને બીજાને પ્રેમ કરવો.’ માસ્તર જોઈ રહ્યો! આ અજાયબીઓ મૂલ્યવાન અને શાશ્ર્વત છે, પેલી તો ભૂકંપ આવતાં આમથી તેમ થઈ જશે! બાળકનું ભોળપણ અજાયબીનો ભાવ અકબંધ રહેવા જોઈએ.
શિક્ષક પ્રમાદી ન બનવો જોઈએ અને તો બાળક પણ પ્રમાદી નહીં બને. મોટીમોટી વાતો કરવાને બદલે આપણે બાળકના આશ્ર્ચર્યનું ધ્યાન રાખીએ અને તે પ્રમાદી ન બને તેનું ધ્યાન રાખીએ. શિક્ષક કોઈના તાબે ન હોવો જોઈએ. એ માત્ર વિદ્યાને તાબે રહેવો જોઈએ, વિદ્યાને સમર્પિત હોવો જોઈએ. એક બીજું પણ કહું કે, જે શબ્દની પાછળ ‘કં’ લાગે છે તે બધા શબ્દો
સુખદાયી છે.
શિક્ષક, સૈનિક, સેવક, કૃષક, ચિકિત્સક, વૈજ્ઞાનિક, સાધક વગેરે. આજના પ્રસંગે હું એવો મનોરથ વ્યક્ત કરું કે રાજ્યના અને દેશના કોઈ પ્રાથમિક શિક્ષકને પદ્મશ્રીનો એવૉર્ડ મળવો જોઈએ.
– સંકલન: જયદેવ માંકડ

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.