શાંઘાઈના પ્રોત્સાહક અહેવાલે કોપર, બ્રાસ અને ઝિન્કમાં સુધારો

વેપાર વાણિજ્ય

મુંબઈ: ધાતુના મુખ્ય વપરાશકાર દેશ ચીનના બિઝનૅસ હબ ગણાતા શાંઘાઈમાં કોવિડ-૧૯ને લગતા નિયંત્રણો હળવા કરવામાં આવતા આજે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે કોપર સહિતની અમુક ધાતુઓમાં સુધારાતરફી વલણ રહેતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને ટીનના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૧૮ સુધીનો સુધારો આવ્યો હતો, જ્યારે એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને નિકલમાં નિરસ માગ અને સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો અને એકમાત્ર લીડ ઈન્ગોટ્સના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.
શાંઘાઈ ખાતે કોવિડ-૧૯ના નિયંત્રણો દૂર થતાં આજે માગ ખૂલવાના આશાવાદે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જ ખાતે કોપરના જુલાઈ વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૭ ટકા વધીને ટનદીઠ ૭૨,૧૩૦ યુઆન આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ નિકલના ભાવ ૨ ટકા, એલ્યુમિનિયમના ભાવ ૧.૭ ટકા અને ઝિન્કના ભાવ ૦.૮ ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે લીડ અને ટીનના ભાવમાં અનુક્રમે ૦.૭ ટકા અને ૪ ટકાનો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૧૮ વધીને રૂ. ૩૧૬૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૬ વધીને રૂ. ૭૬૯, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને અનુક્રમે રૂ. ૭૭૮ અને રૂ. ૭૯૫, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. ૩ વધીને અનુક્રમે રૂ. ૭૫૮, રૂ. ૬૯૮, રૂ. ૫૨૩ અને રૂ. ૩૩૯ના મથાળે અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ વધીને રૂ. ૫૭૬ના મથાળે રહ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.