વૈશ્ર્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં ₹ ૧૦૫નો ઘટાડો, ચાંદી ₹ ૫૦૯ નરમ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. તેમ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી આયાત પડતરમાં ઘટાડો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૩થી ૧૬૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૫૯૭ના ઘટાડા સાથે રૂ. ૬૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, પરંતુ ભાવઘટાડાના આશાવાદે રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૩ના ઘટાડા સાથે રૂ. ૫૦,૮૦૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૬૪ના ઘટાડા સાથે રૂ. ૫૧,૦૦૫ની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૯૭ ઘટીને રૂ. ૬૦,૯૭૯ની સપાટીએ રહ્યા હતા.
દરમિયાન આજે અમેરિકા ખાતે જૂનટિન્થ ડેની જાહેર રજા હોવાથી બજારમાં મર્યાદિત પ્રવાહિતા હતી. લંડન ખાતે સોના-ચાંદીમાં કામકાજો પાંખાં રહેતા સત્રના આરંભે ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા બાદ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ રહેતાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી સાધારણ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૮૪૨.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૨ ટકા વધીને ૧૮૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૬૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે ગત ૧૯ મેથી વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૫થી ૧૮૮૦ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે છે અને તેમાં પણ રોકાણકારો કરતાં ટ્રેડરો વધુ સક્રિય હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે ટ્રેડરો ૧૮૦૦ ડૉલર આસપાસની સપાટીએ ખરીદી અને ૧૮૮૦ ડૉલર આસપાસની સપાટીએ વેચાણ કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.