વૈશ્ર્વિક સોનામાં નરમાઈ છતાં સ્થાનિકમાં રૂપિયો નબળો પડતાં સોનામાં ₹ ૯૪ની નરમાઈ, ચાંદી ₹ ૯૨૫ તૂટી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાના મે મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં તેજીનું વલણ રહેતાં લંડન ખાતે સોનાના ભાવમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહ્યું હતું. જોકે, ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૪ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનામાં ભાવઘટાડો ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૨૫ ઘટીને રૂ. ૬૧,૦૦૦ની અંદર ઊતરી ગયા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર હાલને તબક્કે વૈશ્ર્વિક સોનામાં ભાવ ઘટી રહ્યા છે, પરંતુ સ્થાનિકમાં રૂપિયો નબળો પડી રહ્યો હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો સીમિત રહેવાને કારણે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી મર્યાદિત રહે છે. વધુમાં હવે લગ્નગાળો પણ ઓસરી રહ્યો હોવાથી રિટેલ સ્તરની માગ પણ પાંખી રહે છે. આજે સ્થાનિકમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૪ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૭૩૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૦,૯૩૫ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૨૫ ઘટીને રૂ. ૬૦,૮૮૧ના મથાળે રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે અમેરિકાના મે મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૪૨.૭૭ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ૧૮૪૫.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકામાં મે મહિનાનો ફુગાવો ઊંચી સપાટીએ રહેશે તો અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારા માટે આક્રમક અભિગમ અપનાવશે, પરિણામે સોનાના ભાવ ઘટીને ૧૮૨૫ અથવા ૧૮૦૦ સુધી ઘટે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.