(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળા સાથે ૨૦ વર્ષની ઊંચી સપાટીએ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ સુધારો આગળ ધપતા લંડન ખાતે સોના-ચાંદીમાં સત્રના આરંભે નરમાઈનું વલણ રહ્યા બાદ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં ઑલ ફૉલ ડાઉનનું વલણ રહેતાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં ચમકારો આવી ગયો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો હોવાથી આયાત પડતરમાં પણ વધારો થવાને કારણે હાજર ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૭થી ૩૯૯નો ઉછાળો આવ્યો હતો, જ્યારે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે સત્રના અંતે ભાવમાં કિલોદીઠ રૂ. ૬૨નો ઘટાડો આવ્યો હતો. આમ આજે બન્ને કીમતી ધાતુઓમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્ય સત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૯૩ ઘટીને ફરી રૂ. ૬૧,૦૦૦ની સપાટીની અંદર ઊતરીને રૂ. ૬૦,૫૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, ત્યાર બાદ વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૧.૭ ટકાનો ઉછાળો આવ્યાના અહેવાલે સ્થાનિકમાં ઘટ્યા મથાળેથી લેવાલી નીકળતાં સત્રના અંતે ભાવ ગઈકાલના બંધથી સાધારણ કિલોદીઠ રૂ. ૬૨ના ઘટાડા સાથે રૂ. ૬૧,૦૮૭ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર સામે રૂપિયો નબળો પડતા સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું અને સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૯૭ વધીને રૂ. ૫૦,૪૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૯૯ વધીને રૂ. ૫૦,૬૮૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલી ખપપૂરતી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને ફરી ૨૦ વર્ષની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ તાજેતરના સપ્તાહની ઊંચી સપાટી આસપાસ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં સોના-ચાંદીના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા, પરંતુ વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટમાં કડાકા બોલાઈ ગયાના નિર્દેશો સાથે બન્ને કીમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૯ ટકા વધીને ૧૮૩૦.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૮ ટકા વધીને ૧૮૨૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૭ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૧.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના બરોજગારીના સાપ્તાહિક આંકડાઓ પર રોકાણકારોની નજર હોવાથી તેઓએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતું કે વધતો ફુગાવો અર્થતંત્રના પાયા હચમચાવી નાખતો હોવાથી વધતા ફુગાવાને ડામવા માટે ફેડરલ રિઝર્વ આવશ્યકતા હશે તેટલો વ્યાજદર ઊંચો રાખશે. આમ અમેરિકી ફેડરલના અધ્યક્ષના નિવેદનને કારણે રોકાણકારોમાં આર્થિક વૃદ્ધિ ખોડંગાઈ જવાની ચિંતા સપાટી પર આવતા ઈક્વિટી માર્કેટમાં ગાબડાં પડ્યા હતા અને સોનામાં સલામતી માટેની માગ ખૂલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
