વેશ્યાઓના કામને વૃત્તિ નહિ પણ વ્યવસાય માનતી નામદાર સુપ્રીમ કોર્ટ!

રોજ બરોજ

રોજ બરોજ -અભિમન્યુ મોદી

જર્મની, ન્યુઝિલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, હંગેરી, તુર્કી, નેધરલેન્ડ્સ, લતાવિયા, કેનેડા, જાપાન, મેકિસકો, ઓસ્ટ્રેલિયા, અમેરીકા. દેશોની આ સૂચી હજુ લાંબી બની શકે. તેમાં થાઈલેન્ડનું નામ હજુ નથી ઉમેર્યું. આ બધા દેશોમાં ભારત નથી આવતું. આ તે દેશો છે જ્યાં વેશ્યાઓને લગતા કાયદાઓ માનવીય સ્તર ઉપર બન્યા છે. આ દેશોમાં ‘વેશ્યાવૃતિને વ્યવસાય’ માનવામાં આવે છે. તેને ખરાબ કે ઊતરતા કામ તરીકે જોવામાં આવતો નથી. એટ લીસ્ટ, કાયદો વેશ્યાઓ કે સેક્સ વર્કરને અન્યાય કરતો નથી. આ દેશોના બંધારણ કે કાયદામાં વેશ્યાને વૃત્તિ નહિ પરંતુ મજબૂરી ગણવામાં આવે છે. સેક્સ વર્કરને જે રક્ષણ દેશના તંત્ર તરફથી મળવું જોઈએ તે ભારત સિવાયના ઘણા દેશોમાં મળે છે. ભારતમાં હજુ સુધી સેક્સ વર્કરને લગતો એક કાયદો તેમની તરફેણમાં નથી. સુપ્રીમ કોર્ટે હમણાં સેક્સ વર્કરોનો પક્ષ ખેંચ્યો તે ઐતિહાસિક ચુકાદો બન્યો.
સુપ્રીમ કોર્ટે હિન્દુસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત ઐતિહાસિક નિવેદન કરતા કહ્યું છે કે પુખ્ત વયના એક પણ સેક્સ વર્કરને પોલીસ પરેશાન નહિ કરી શકે કે તેની ધરપકડ નહિ કરી શકે. જે સેક્સ વર્કર તેની મરજીથી આ કામ કરતા હોય તેને પોલીસની ગાડીમાં પૂરવાનો પોલીસને હક નથી. વધુમાં વેશ્યાવૃત્તિ એ વ્યવસાય છે અને તેને અપમાનજનક રીતે ટ્રીટ નહિ કરી શકાય. પોલીસ કે બીજી કોઈ ઓથોરિટી સેક્સ વર્કરોના કામ કે તેના મોહલ્લામાં હસ્તક્ષેપ નહિ કરી શકે. બધા જ સેક્સવર્કર ભારતના બંધારણ મુજબ ભારતના નાગરિક છે અને તેને સુરક્ષા પૂરી પાડવી એ શાસનતંત્રની ફરજ છે. તેઓ સેક્સ વર્કર છે તે જ કારણથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હક હવે કોઈ અધિકારીને નથી. ફક્ત પોલીસને જ નહિ, મીડિયાનો કાન પણ સુપ્રીમ કોર્ટે આમળ્યો છે. હવે કોઈ મીડિયા હાઉસ સેક્સ વર્કરની ઓળખ જાહેર નહિ કરી શકે.
વિરોધાભાસ એ છે કે ઓન પેપર તો ભારતમાં સેક્સ વર્કરનો વ્યવસાય ‘લીગલ’ ગણાય છે. ‘ધ ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ- ૧૯૫૬’ મુજબ ભારતમાં ગણિકાનો વ્યવસાય કાયદેસર ગણાય છે. પરંતુ સેક્સ વર્કર માટે ઘરાકો શોધવા કે વેશ્યાવાડો અર્થાત બ્રોથેલ ચલાવવું કે તેવી જગ્યાના માલિક બનવું કે હોટેલમાં સેક્સ સંબંધિત પ્રવૃત્તિ પૈસા લઈને કરવી તે ગેરકાયદેસર છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગલુરું, ચેન્નઈ અને બીજા મોટા શહેરોમાં હજારોની સંખ્યામાં બ્રોથેલ ચાલે છે. વખતોવખત પોલીસની રેડ પડતી હોય છે. હોટેલો અને અમુક ઓયો રૂમ્સ આ પ્રવૃત્તિ માટે બદનામ છે. મોઢે બુકાની બાંધીને સેક્સ વર્કરો રૂમમાંથી બહાર નીકળતી હોય એવા વીડીયો કે ફોટોગ્રાફ્સ વખતોવખત આપણે જોયા છે. કોલકાતાનો સોનાગાછી વિસ્તાર જગપ્રસિદ્ધ છે. એ જ રીતે દરેક નાના ગામ કે મોટા શહેરોમાં અમુક વિસ્તાર કે અમુક રોડ વેશ્યા-વ્યવસાય માટે કુખ્યાત હોય છે. અંદરખાને બધે ‘હપ્તા સીસ્ટમ’ ચાલતી હોય છે જે ઓપન સિક્રેટ છે. સમયાંતરે શહેરોના ‘સ્પા-મસાજ પાર્લર’ કે આવા બ્રોથેલ ઉપર પોલીસની રેડ પડતી હોય છે અને ઘણી સ્ત્રીઓ અને ગ્રાહકોની ધરપકડ થતી હોય છે. આ રોજબરોજના સમાચારોથી આપણે ટેવાયેલા છીએ જેમાં સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખરેખર અભૂતપૂર્વ સાબિત થાય છે.
એ બાબતનો ઇન્કાર કરવાની જરૂર નથી કે “કોઈ પણ પ્રોફેશનની વ્યક્તિને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર આ દેશના બંધારણનો આર્ટીકલ-૨૧ આપે છે. આ સુપ્રીમ કોર્ટના શબ્દો છે. સુપ્રીમ કોર્ટ આગળ કહે છે કે, “સેક્સ વર્કર્સને કાયદાકીય રક્ષણ મળવું જોઈએ. ફોજદારી કાયદો બધા જ નાગઇરકોને સમાન રીતે લાગુ પડતો હોવો જોઈએ. સેક્સ વર્કરોના કેસમાં ઉમર અને સંમતિ જરૂરી છે. જો કોઈ સેક્સ વર્કર તેની ઈચ્છાથી તે પ્રવૃત્તિ કરતા હોય તો પોલીસે તેમાં હસ્તક્ષેપ કરવામાં કે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવાથી દૂર રહેવું. ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાઓની ત્રણ ન્યાયાધીશોની બેચે આર્ટીકલ-૧૪૨ નો સ્પેશિયલ પાવર વાપરીને આ ઓર્ડર આખા દેશ માટે જાહેર કર્યો છે.
ભારતીય કાયદા પ્રમાણે બ્રોથેલ ચલાવવું ગેરકાયદેસર હોવા છતાં હવે તેમાં પોલીસ માથાકૂટ કરી શકશે નહિ કારણ કે સેક્સ વર્કરો તેની મરજીથી જોડાયા છે. વધુમાં, સેક્સ વર્કર મહિલાઓના બાળકોને તેની માતાથી જુદા નહિ પાડી શકાય. માતા ભલે સેક્સ વર્કર હોય, તેનું બાળક તેની સાથે રહી શકે. નાગરિકોને મળતા મૂળભૂત હક્કો સેક્સ વર્કરો અને તેના સંતાનોને પણ સમાન રીતે મળે છે. બ્રોથેલમાં માતા સાથે બાળક મળી આવે તો એવી ધારણા બાંધવી ખોટી છે કે તે હ્યુમન ટ્રાફિકીંગના ગુના હેઠળ અહી બંધાયેલું છે. જો શંકા જાય તો તે બાળક અને તેની માતાનો ટેસ્ટ કરીને નક્કી કરવામાં આવશે કે તે બાળકને જબરદસ્તી ત્યાં રાખવામાં આવ્યું છે કે તે સાચે જ એક સેક્સ વર્કર માતાનું બાળક છે. કોઈ પણ સંજોગો હેઠળ સેક્સ વર્કર માતાથી તેના બાળકને ફક્ત વેશ્યાવૃતિના વ્યવસાયને કારણે વિખૂટું પાડી શકાશે નહિ.
સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે જો કોઈ સેક્સ વર્કર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવે અને તે ફરિયાદ સેક્સ સંબંધિત હોય તો પોલીસ તે ફરિયાદ લેવાનો ઇનકાર નહિ કરી શકે. સુપ્રીમ કોર્ટ સ્વીકારે છે કે પોલીસ સેક્સ વર્કરો સાથે તુચ્છકારભર્યું વર્તન કરતી હોય છે જે યોગ્ય નથી. મીડિયાને પણ સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે કોઈ પણ રેઇડ કે રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ફોટો કે વીડીયો ટેલીકાસ્ટ કે પ્રિન્ટ થઇ શકશે નહિ, જો તેમાં સેક્સ વર્કર મહિલાઓની ઓળખ છતી થતી હોય તો. કાયદાઓમાં ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સેક્સ વર્કરોનો અભિપ્રાય લે એવું સૂચન પણ સુપ્રીમ કોર્ટે કર્યું છે.
યુનાઈટેડ નેશન્સના અંદાજ મુજબ ભારતમાં ૨૦૧૬ની સાલમાં સાડા છ લાખ મહિલાઓ સેક્સ વર્કર હતી. છ વર્ષ પછી આ આંકડો દોઢો કે બમણો થયો હોય એવી શક્યતા નકારી શકાય નહિ. એક અંદાજ મુજબ ભારતમાં ત્રીસ લાખથી એક કરોડ સુધી સેક્સ વર્કરો હોઈ શકે. સેક્સ-ઇન્ડસ્ટ્રીનું કદ વધી રહ્યું છે. આવા સમયે સમાજના સિદ્ધાંતો, સમાજની નૈતિકતા, સામૂહિક સંસ્કારો ઉપરાંત કેન્દ્ર સરકારનો અભિગમ અને કાયદાઓની જવાબદારી વધી જાય છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.