Homeટોપ ન્યૂઝવિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૬૨નો અને ચાંદીમાં ₹ ૧૨૪૩નો કડાકો

વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૬૨નો અને ચાંદીમાં ₹ ૧૨૪૩નો કડાકો

[ad_1]

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક વધારો કરવાનો સંકેત આપતા વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ૧૧ વર્ષની ઊંચી સપાટીએ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૧.૭ ટકા જેટલું ગાબડું પડ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૦થી ૪૬૨નું ગાબડું પડ્યું હતું. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૯ પૈસા તૂટ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. ૧૨૪૩નો કડાકો બોલાઈ ગયો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીનું દબાણ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૪૩ ઘટીને રૂ. ૫૬,૧૦૦ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ભાવઘટાડાના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ છૂટીછવાઈ રહેતાં સત્રના અંતે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬૦ ઘટીને રૂ. ૪૯,૨૩૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૬૨ ઘટીને રૂ. ૪૯,૪૩૨ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાનો સંકેત તેમ જ રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ સપાટી પર આવતાં ડૉલરમાં સલામતી માટેની માગ વધી હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધીને ૧૧ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. આમ ડૉલર મજબૂત થતાં રોકાણકારોની સોનામાં વેચવાલીનું દબાણ અને નવી લેવાલીનો અભાવ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ઔંસદીઠ ગઈકાલના બંધથી ૧.૭ ટકાના ઘટાડા સાથે ૧.૭ ટકા ઘટીને ૧૬૪૨.૭૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા ઘટીને ૧૬૭૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી વધુ ૩.૩ ટકા તૂટીને ઔંસદીઠ ૧૯.૦૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષાનુસાર ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાની સાથે ભવિષ્યમાં પણ ફુગાવો ડામવા માટે આક્રમક અભિગમ અપનાવવાનો સંકેત આપ્યો હોવા છતાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો ન હોવાથી આગામી ટૂંકા સમયગાળા માટે ઔંસદીઠ ૧૬૫૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૧૭૨૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થવાની શક્યતા કેડિયા કૉમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયાએ વ્યક્ત કરી હતી.Post Views:
35
[ad_2]

RELATED ARTICLES

Most Popular