વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૩૪૩નો ઘટાડો, ચાંદી ₹ ૧૯૬ નરમ

વેપાર વાણિજ્ય

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના રોજગારીના ડેટા બજારની અપેક્ષાથી સારા આવ્યા હોવાથી ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ સાધારણ દબાણ હેઠળ રહેતા લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યો હતો. તેમ છતાં સ્થાનિક સોના-ચાંદી બજારમાં આજે ગત શુક્રવારના વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૨થી ૩૪૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૯૬ ઘટી આવ્યા હતા. આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં હાજરમાં ભાવ આગલા બંધથી કિલોદીઠ રૂ. ૧૯૬ના ઘટાડા સાથે રૂ. ૬૨,૫૯૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હતી, જ્યારે રિટેલ સ્તરની તેમ જ જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૪૨ ઘટીને રૂ. ૫૦,૯૦૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૪૩ ઘટીને રૂ. ૫૧,૧૧૨ના મથાળે રહ્યા હતા.
ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડો આવ્યા બાદ આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ રહેવા ઉપરાંત રોકાણકારોની નજર અમેરિકાના ફુગાવાની જાહેરાત પર હોવાથી એકંદરે કામકાજ પાંખાં હતાં. તેમ છતાં ફુગાવામાં અપેક્ષિત વૃદ્ધિની શક્યતા અને વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વૃદ્ધિની ચિંતા સપાટી પર આવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૨ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૮૫૩.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૪ ટકા વધીને ૧૮૫૬.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.