વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ઘટ્યા મથાળેથી ₹ ૫૫૫નો સુધાારોે, ચાંદી ₹ ૧૦૨૬ ચમકી

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાને કારણે લંડન ખાતે સોના-ચાંદીમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવા છતાં સ્થાનિક ઝવેરી બજારમાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલીને ટેકે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૩થી ૫૫૫નો સુધારો આવ્યો હતો અને શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૧,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૨૬નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૫૩ વધીને રૂ. ૫૦,૯૬૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૫૫૫ વધીને રૂ. ૫૧,૧૬૯ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૨૬ ઉછળીને રૂ. ૬૧,૫૭૬ની સપાટીએ રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૪૯.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા ઘટીને ૧૮૫૪.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા કરવામાં આવેલા વ્યાજદરમાં વધારાની અર્થતંત્ર પર કેવી અસર પડશે તેના પર રોકાણકારોની મીટ મંડાઈ હોવાનું ડેઈલી એફએક્સના કરન્સી સ્ટ્રેટેજિસ્ટ લ્યા સ્પિવેકે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરની અસરની સ્પષ્ટતા પૂર્વે સોનાના ભાવ ઔંસદીઠ ૧૮૦૦થી ૧૮૮૦-૧૮૯૦ આસપાસની રેન્જમાં અથડાતા રહેશે. જો ફુગાવો નિયંત્રણમાં રહેશે તો સોનાના ભાવ ઘટશે અને જો ફુગાવો નિયંત્રણમાં નહીં રહે તો સોનાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.