વિશ્ર્વ બજારથી વિપરીત કોપર, ટીન અને ઝિન્કમાં નરમાઈ

વેપાર વાણિજ્ય

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપરના ભાવમાં ૨.૨ ટકા જેટલો ઉછાળો આવ્યાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે કામકાજો સુસ્ત રહેતાં ખાસ કરીને ટીન, ઝિન્ક સ્લેબ, કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓના ભાવમાં કિલોદીઠ રૂ. ૧થી ૫નો ઘટાડો આવ્યો હતો, જ્યારે એકમાત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૮૭નો ઉછાળો આવ્યો હતો અને અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં લૉકડાઉનના નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હોવાના અહેવાલ તેમ જ અમેરિકી પ્રમુખ જૉ બાઈડને વાણિજ્ય સચિવ ગિના રેઈમોન્ડોને વધતા ફુગાવાને ડામવાના પગલાં રૂપે અગાઉના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા ચીનથી આયાત થતાં માલ પર લાદવામાં આવેલી ઊંચી ટેરિફ ઘટાડવા અંગે વિચારણા કરવાનું જણાવતા આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ત્રણ મહિને ડિલિવરી શરતે ભાવ આગલા બંધથી ૨.૨ ટકાના ઉછાળા સાથે ટનદીઠ ૯૭૧૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે એકમાત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૭ના ઉછાળા સાથે રૂ. ૨૩૭૫ની સપાટીએ રહ્યા હતા. આ સિવાય અમુક ધાતુઓમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગ નિરસ રહેતાં ભાવમાં ઘટાડો આવ્યો હતો, જેમાં ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. ૩૩૮, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. ૪ ઘટીને રૂ. ૭૬૫, કોપર કેબલ સ્ક્રેપ, કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. ૩ ઘટીને અનુક્રમે રૂ. ૭૭૫, રૂ. ૭૫૫, રૂ. ૬૯૫ અને રૂ. ૩૧૮૫ તથા બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ૧ ઘટીને રૂ. ૫૭૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે કોપર વાયરબાર, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ, એલ્યુમિનિયમ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.