વિશ્ર્વના ઇક્વિટી બજારોની મંદીમાં જોડાયેલા ભારતીય શૅરબજારમાં પણ જોરદાર ધોવાણ: નિફ્ટી ૧૬,૦૦૦ની નીચે ખાબક્યો

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ ઇન્ફ્લેશનને નાથવા વ્યાજદરમાં ઝડપી વધારો કરવા તત્પર હોવાના અહેવાલો વચ્ચે ડહોળાઇ ગયેલા વૈશ્ર્વિક ઇક્વિટી બજારો સાથે સ્થાનિક બજારમાં પણ જોરદાર વેચવલીનો મારો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં ૧૪૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી ૧૬,૦૦૦ની નીચે ધસી ગયો હતો. સેન્સેક્સ ૧,૪૧૬.૩૦ પોઈન્ટ અથવા ૨.૬૧ ટકા ઘટીને ૫૨,૭૯૨.૨૩ પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ ૧૫૩૯.૦૨ પોઇન્ટ અથવા તો ૨.૮૩ ટકાના તોતિંગ કડાકા સાથે ૫૨,૬૬૯.૫૧ પોઇન્ટની સપાટીને અથડાયો હતો.
નિફ્ટી ૪૩૦.૯૦ પોઈન્ટ અથવા ૨.૬૫ ટકા ઘટીને ૧૫,૮૦૯.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. બજારનો અંડરટોન અત્યંત નરમ હતો. કુલ ટ્રેડેડ શેરોમાંથી લગભગ ૮૩૮ શેરના વધારા સામે ૨૪૧૩ શેર ગબડ્યા હતા, જ્યારે ૧૨૨ શેર મૂળ સપાટીએ પાંછા ફર્યા હતા.
અમેરિકન શેરબજારમાં મોંઘવારીની ચિંતા અને ક્ધઝ્યુમર ગુડ્સ કંપનીઓમાં વધી રહેલા ખર્ચના કારણે નબળા પરિણામ જોવા મળ્યા હતા. બ્રિટનમાં ફુગાવો ૪૦ વર્ષની ઊંચી સપાટીએ હતો. યુરોપમાં શેરબજાર ૧.૫ ટકા અને અમેરિકામાં ૪.૫ ટકાથી પાંચ ટકા જેટલા ઘટ્યા બાદ ગુરૂવારે ભારતીય શેરબજારમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એશિયામાં મોટાભાગના શેરબજારોમાં ધોવાણ જોવા મળ્યું હતું અને યુરોપના બજારોમાં પણ બપોરના સત્ર સુધી નરમાઇનો માહોલ રહ્યો હતો.
અમેરિકાના શેરબજારોમાં ઇન્ફ્લેશનના ભય વચ્ચે જુન ૨૦૨૦ પછીની સૌથી ભયાનક વેચવાલી જોવા મળી હતી. આ તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ૧.૨૯ ટકાનો કડાકો હતો અને ચીનની ઇન્ટરનેટ કંપની ટેન્સેન્ટના ધોવાણની પણ અસર હતી. સ્થાનિક બજારમાં પણ એફઆઇઆઇની એકધારી વેચવાલી ઉપરાંત સેન્ટિમેન્ટ ખરડાવા માટે વધુ કારણ મોજૂદ હતા. મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે અચાનક જ વ્યાજ દર વધાર્યો હતો.
બુધવારે આ મિટિંગની વિગતો જાહેર કરવામાં આવી છે જેમાં પોલિસી કમિટીએ મોંઘવારી ડામવા માટે ઝડપી અને તીવ્ર વધારાની ચર્ચા કરી હતી. બેઠક બાદ આવેલા હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના ૩૦ વર્ષમાં સૌથી ઊંચા ફુગાવાના આંકડા સૂચવે છે કે જૂનના પ્રારંભે મળનારી બેઠકમાં રિઝર્વ બેંક ભારતમાં બીજો વ્યાજ દર વધારો જાહેર કરશે.
સેન્સેક્સના શેકરોમાં એચસીએલ ટેકનોલોજી, વિપ્રો, ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક ટોપ લૂઝર રહ્યાં હતાં. જ્યારે આઇટીસી અને ડો. રેડ્ડીઝ લેબ ટોપ ગેઇનર હતા. નિફ્ટીના ટોપ લૂઝર્સ શેરોમાં વિપ્રો, એચસીએલ ટેક્નોલોજીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસિસનો સમાવેશ હતો. જ્યારે ટોપ ગેઇનર્સમાં આઈટીસી, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ હતો. તમામ ક્ષેત્રીય શેરઆંક નગેટીવ ઝોનમાં ગબડ્યા હતા. મેટલ અને આઇટી ઇન્ડેકસમાં ચારથી પાંચ ટકાનો કડાકો બોલી ગયો હતો. બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો બે ટકાથી વધુ તૂટ્યા છે.
કોર્પોરેટ હલચલમાં એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મૂડીબજારમાં પ્રવેશવાની તારીખ ૨૪મી મે જાહેર કરી છે અને અંદાજે રૂ. ૮૦૮ કરોડના આઇપીઓ માટે રૂ. ૬૧૦થી રૂ. ૬૪૨ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ ભરણું ૨૬મીએ બંધ થશે. લઘુત્તમ બિડ ૨૩ ઇક્વિટી
શેરની છે.
ભરણામાં ફ્રેશ ઇક્વિટીનો હિસ્સો રૂ. ૬૨૭ કરોડ જેટલો છે, જ્યારે ૨,૮૨૦,૦૦૦ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ અંતર્ગત રજૂ કરાશે. દરમિયાન, વિશાલ ફેબ્રિકસ લિમિટેડે સીઈઓ તરીકે વિનય ઝડાનીની નિમણુંક કરી છે. ધ્રુવ ક્ધસ્લટન્સી સર્વિસિસે નાણાકીય વર્ષ ૨૦૨૨ના પરિણામમાં ૨૯.૪ ટકાના વધારા સાથે રૂ. ૬.૨૪ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કુલ આવક રૂ. ૬૩.૯૭ કરોડ સામે વધીને રૂ. ૭૫.૫૭ કરોડ અને ઇબીઆઇડીડીએ રૂ. ૯.૩૪ કરોડ સામે રૂ. ૯.૮૧ કરોડ નોંધાઇ હતી.
બીએસઇના બધા સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટ્યા હતા. સેન્સેક્સમાં ૩ કંપનીઓ વધી અને ૨૭ કંપનીઓ ઘટી હતી. આજે માર્કેટ કેપ રૂ. ૨૪૯.૦૬ કરોડ રહ્યું હતું, જે પાછલા સત્રમાં રૂ.૨૫૫.૭૭ લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ.૬.૭૧ લાખ કરોડનો ઘટાડો થયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ બીએસઈ ૫૦ ઈન્ડેક્સ ૨.૬૫ ટકા, બીએસઈ ૧૦૦ ઈન્ડેક્સ ૨.૬૭ ટકા, બીએસઈ મીડ કેપ ૨.૬૬ ટકા, બીએસઈ સ્મોલ કેપ ૨.૨૯ ટકા, બીએસઈ ૨૦૦ ઈન્ડેક્સ ૨.૬૬ ટકા, બીએસઈ ૫૦૦ ઈન્ડેક્સ ૨.૬૧ ટકા, બીએસઈ ઓલ કેપ ૨.૬૧ ટકા અને બીએસઈ લાર્જ કેપ ૨.૬૬ ટકા ઘટ્યા હતા.
આઈપીઓ ઈન્ડેક્સ ૨.૮૧ ટકા અને બીએસઈ એસએમઈ આઈપીઓ ૧.૮૨ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં બેઝિક મટિરિયલ્સ ૨.૮૧ ટકા, સીડીજીએસ ૨.૩૮ ટકા, એનર્જી ૨.૪૫ ટકા, એફએમસીજી ૦.૫૦ ટકા, ફાઈનાન્સ ૨.૩૯ ટકા, હેલ્થકેર ૨.૧૮ ટકા, ઈન્ડસ્ટ્રિયલ્સ ૨.૧૬ ટકા, આઈટી ૫.૨૫ ટકા, ટેલિકોમ ૩.૪૬ ટકા, યુટિલિટીઝ ૧.૫૩ ટકા, ઓટો ૨.૪૮ ટકા, બેન્કેક્સ ૨.૪૮ ટકા, કેપિટલ ગુડ્સ ૧.૬૨ ટકા, કંઝ્યુમર ગુડ્સ ૨.૭૭ ટકા, મેટલ ૪.૨૩ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૨.૪૧ ટકા, પાવર ૧.૬૭ ટકા, રિયલ્ટી ૨.૪૮ ટકા અને ટેક ૫.૧૧ ટકા ઘટ્યા હતા.
સેન્સેક્સમાં આઈટીસી ૩.૪૩ ટકા, ડો. રેડ્ડીઝ લેબોરેટિરીઝ ૦.૮૨ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૦.૨૯ ટકા વધ્યા હતા, જ્યારે વિપ્રો ૬.૨૧ ટકા, એચસીએલ ટેક્નોલોજી ૬.૦૧ ટકા, ઈન્ફોસિસ ૫.૪૬ ટકા, ટીસીએસ ૫.૧૭ ટકા અને ટેક મહિન્દ્રા ૫.૦૭ ટકા ઘટ્યા હતા. બધા ગ્રુપની ૧૫ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓને ઉપલી અને ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.