Homeઆમચી મુંબઈવિપક્ષનું ફેક નેરેટિવ: મહાવિકાસ આઘાડીના અપયશનો ટોપલો અમારા માથે ઢોળવાનો પ્રયાસ: ફડણવીસ

વિપક્ષનું ફેક નેરેટિવ: મહાવિકાસ આઘાડીના અપયશનો ટોપલો અમારા માથે ઢોળવાનો પ્રયાસ: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે જ ટાટા એરબસનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર ગયો હતો. ત્યારે મહારાષ્ટ્રનું વાતાવરણ રોકાણ માટે યોગ્ય ન હોવાનું રોકાણકારો જણાવી રહ્યા હતા, એવો આક્ષેપ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કર્યો હતો. મહાવિકાસ આઘાડી સરકારના અપયશનો ટોપલો અમારા માથા પર ફોડવામાં આવી રહ્યો છે.
રાજ્યમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યની બહાર ગયેલા પ્રોજેક્ટ અંગેની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે કેબિનેટ ઉપસમિતિની બેઠકમાં ગયા અઠવાડિયે અમે રાજ્યમાં ૨૫,૦૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. મહારાષ્ટ્રમાં આવી રહેલી રિફાઈનરી, ત્રણ લાખ કરોડના રોકાણના પ્રોજેક્ટને તમે પાછા મોકલ્યા હતા. ત્રણ લાખ કરોડના આવી રહેલા રોકાણને પાછી મોકલીને તમે રાજ્યનું ભારે નુકસાન કર્યું હતું.
ફડણવીસે ફોક્સકોનના મુદ્દે ઉભા કરવામાં આવેલા ફેક નેરેટિવનો દાખલો આપતાં જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે કહે છે કે અમારી સરકાર આવ્યા પછી ફોક્સકોનનો પ્રોજેક્ટ ગયો હતો, પરંતુ ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના અખબારી અહેવાલને ટાંકતા તેમણે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળમાં જ ફોક્સકોન રાજ્યની બહાર ગયો હતો.
અમે વિપક્ષમાં ગયા પછી રાજ્યના વિકાસ પ્રત્યે આંખો પર પટ્ટી બાંધતા નથી. મને જ્યારે ખબર પડી કે ટાટા-એરબસના પ્રોજેક્ટે ગુજરાતમાં જવાનો નિર્ણય લીધો ત્યારે ટાટાની મુલાકાત લઈને તેમને નાગપુરના મિહાનમાં પ્રોજેક્ટ સ્થાપવાની વિનંતી કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે જેટલી સુવિધા ગુજરાત આપશે તેનાથી વધુ સુવિધા આપીશું. આ બધું ૨૦૧૬માં થયું હતું. અમારી સરકાર બદલાયા બાદ તે પ્રોજેક્ટના પ્રમુખને સાગર (વિપક્ષી નેતાનો બંગલો) પર બોલાવીને તેમની સાથે ચર્ચા કરી હતી અને ગુજરાતમાં કેમ જઈ રહ્યા છો એવો સવાલ કર્યો હતો, ત્યારે તેમણે મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક રોકાણ કરવા યોગ્ય વાતાવરણ ન હોવાનું જણાવ્યું હતું, એમ ફડણવીસે કહ્યું હતું.
મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે ટાટા એરબસનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રની બહાર ગયો હતો. આ પ્રોજેક્ટ નાગપુરમાં થવાનો હતો તેથી જાણી જોઈને અગાઉની સરકારે આ મુદ્દે ‘ચલતી હૈ’ વલણ અપનાવ્યું હતું એમ મને લાગી રહ્યું છે.
સેફ્રનનો પ્રોજેક્ટ પણ માર્ચ-૨૦૨૧માં જ હૈદરાબાદમાં જતો રહ્યો હતો એમ ફડણવીસે જણાવ્યું હતું. જ્યારે સત્તામાં હતા ત્યારે આ પ્રોજેક્ટ રાજ્યની બહાર જતા હોવાનું જાણીને પણ એક પત્ર સુદ્ધાં ન લખનારા લોકો અત્યારે પ્રોજેક્ટ રાજ્યની બહાર ગયા હોવાનું કહીને તાંડવ કરી રહ્યા છે.
રાજ્યમાંથી દોઢલાખ કરોડના રોકાણનો વેદાંતા-ફોક્સકોન, ૨૧ કરોડનો ટાટા-એરબસ અને હવે સેફ્રન પ્રોજેક્ટ પણ બહાર ગયા બાદ હવે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારને ઈલેક્ટ્રોનિક ક્લસ્ટર હેઠળ ૨૦૦૦ કરોડના રોકાણનો જંગી પ્રોજેક્ટ મંજૂર કર્યો હોવાનો દાવો કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે અત્યારે આ ઉદ્યોગની જાહેરાત કરવામાં આવી ન હોવા છતાં કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular