સરકારી ઈમારતોના રંગકામ માટેના એક કરોડથી વધુના કામ ટેન્ડર વગર જ મંજૂર
વિપુલ વૈદ્ય
મુંબઈ: રાજ્ય વિધાનસભાનું શિયાળુ સત્ર કૉન્ટ્રેક્ટરો માટે ચાંદી હોય છે એવું કહેવામાં આવે છે અને આ ચાંદી કરાવવામાં રાજ્યના કેટલાક અધિકારીઓ પણ સામેલ હોવાનું જોવા મળી રહ્યું છે. આ વખતે રાજ્યના અધિકારીઓ દ્વારા એક કરોડથી વધુના રંગકામ ટેન્ડર વગર જ આપી દીધા હોવાનું બહાર આવ્યું છે.
રાજ્યના જાહેર બાંધકામ ખાતાના આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યા મુજબ શિયાળુ સત્રની તૈયારી માટે રાજ્ય સરકારે રૂ. ૯૫ કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આમાંથી અત્યારે વિવિધ કામ કરવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે આમદાર નિવાસ, રવિ ભવન અને સરકારી ઈમારતના રંગકામના એક કરોડથી વધુના ખર્ચને ટેન્ડર મગાવ્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી છે.
ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે તો ટેન્ડર ભરનારાને જ કામ આપી શકાય છે અને આની કદાચ અધિકારીઓને તકલીફ થઈ રહી હશે એટલે રંગકામના કામ ટેન્ડર કાઢ્યા વગર આપવામાં આવ્યા છે અને તેમાં પણ એવું ધ્યાન રાખવામાં આવ્યું છે કે બધા કામ ટુકડા પાડીને એકેય કામ રૂ. ૯ લાખથી વધુનો ન થાય એવું ધ્યાન રાખીને આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા જે કામ માટે ટેન્ડર કાઢવામાં આવ્યા હતા તેમાં બિલો ૩૦ ટકા ટેન્ડર ભરવામાં આવ્યા છે, પરંતુ જે કામમાં ટેન્ડર કાઢવામાં આવ્યા નથી તેમાં બિલો-ટેન્ડર આવવાની કોઈ શક્યતા જ નથી. આમ કૉન્ટ્રેક્ટરો અને અધિકારીઓ બંનેનું ફાવતું થયું છે.
આમદાર નિવાસની કુલ ત્રણ ઈમારત છે. રંગનું કામ એકસાથે કાઢવામાં આવે તો તેના ટેન્ડર પાડવા પડે એટલે અલગ અલગ ટુકડામાં કામ વહેંચી નાખવામાં આવ્યું છે. આવી જ રીતે રવિભવનમાં પ્રધાનો અને નાગભવનમાં રાજ્યપાલનું નિવાસસ્થાન હોય છે. દેવગીરી અને રામગીરી બંગલો પર મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન રહેતા હોય છે. સાર્વજનિક બાંધકામ ખાતાનું પોતાનું અલગ કોટેજ છે ત્યાં પણ પ્રધાનને રહેવાની વ્યવસ્થા હોય છે. અધિવેશનના સમયગાળામાં બધા પ્રધાનોની સગવડ સાચવવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, એમ કેટલાક અધિકારીઓએ દબાતા અવાજમાં કહ્યું હતું.