વિદેશમાં વસતાં બાળકો ભારતમાં રહેતા પાલકો માટે શું કરી શકે?

લાડકી

કેતકી જાની

સવાલ: હમણાં અમારી સોસાયટીમાં બન્ને દીકરા વિદેશમાં રહે છે. તેવા વૃદ્ધ દંપતીના ઘરમાં તેમની જ નોકરાણીએ ચોરી કરી. સદ્ભાગ્યે દંપતી સૂતું હતું. તેથી તેમને કંઇ શારીરિક ઇજા વગર તે બધું લઇ નીકળી ગઇ. આમ એકલાં રહેતા મા-બાપના દીકરાઓએ શું કરવું જોઇએ? પાલકની સલામતીની જવાબદારી સુપેરે નિભાવવા માટે તેઓ શું કરી શકે?
જવાબ: આજકાલ આપે જણાવી તે બાળકો વિદેશમાં અને પાલક ભારતમાં, તેવી પરિસ્થિતિ અનેક ઘરોમાં જોવા મળે છે. જોકે, પાલક અને બાળકો બંનેએ સ્વ સંમતિથી આ નિર્ણય લીધો હોય તો દૂરથી પણ પાલકની સંભાળ રાખવું આસાન બને છે. કારણકે બાળકોના કેરિયર કે ભણતર માટેની સમજ રાખતાં પાલક પોતાના વિશે, પોતાની એકલતા વિશે પણ વિચારે જ છે, તેઓ તેેને માટે માનસિકરીતે તૈયાર હોય છે. તમારા ત્યાં જે કિસ્સો બન્યો તેવો કિસ્સો થોડા સમય પહેલાં દિલ્હીમાં પણ બન્યો હતો. બદ્નસીબે તે વૃદ્ધ દંપતીની હત્યા કરી તેમને લૂંટી લીધા બાદ કેરટેકર ભાગી ગયાં હતાં. આ માટે વિદેશી બાળકો અને અહીં પાલકો બન્નેની સંયુક્ત જવાબદારી છે કે તેઓ ઠીકઠાક જીવન જીવે જેથી બાળકોને ચિંતા ના થાય. એકલાં વૃદ્ધો અને વિદેશી બાળકોએ મળી પોતાની સલામતી અંગે જોગવાઇ કરવી જોઇએ. જેના માટે કેટલાંક ધ્યાનાર્હ મુદૃા આ પ્રમાણે છે.
બાળકોએ દિવસમાં એકવાર કોઇપણ સંજોગોમાં પાલકને ફોન કરવો જોઇએ. બન્નેના ટાઇમઝોેન મુજબ પાલકને યોગ્ય અનુકૂળ હોય તે નક્કી કરી વાત કરવી અનિવાર્ય છે. આના લીધે પેરન્ટસની રોજબરોજની નાની મોટી જરૂરિયાતો, તેમની મૂંઝવણો વગેરેથી માહિતગાર થઇ શકાય. રોજ તેમણે શું ખાધું? તેઓ કોને મળ્યા? તેમને એકવિધતા ટાળવા માટે સોશિયલ મીડિયા વગેરેનો ઉપયોગ કરવા શીખવવું જેવી અનેક ચર્ચા સાથે એક કોલ થશે તો તેમને મનથી નિરાંત રહેશે કે તમે સલામત છો. આનાથી પાલકને થશે કે બાળકોને તેમની ફિકર છે અને આ અહેસાસ તેમની માનસિક શાંતિ માટે જરૂરી છે.
કોલ દરમ્યાન ખાસ વાત ધ્યાનમાં રાખવી કે વાતચીતમાં પેરન્ટસ બોલતા હોય ત્યારે તેમને વચ્ચે ટોકવા નહીં, વૃદ્ધાવસ્થામાં તેઓ વાતચીતમાં કોઇ ટોકે તો પરત પોતાની વાતનું અનુસંધાન સાધે તેવી માનસિકતા ના હોવાથી જે કહેવાની વાત હોય તે ભૂલી જાય છે.
પાલક પોતાની અને ઘરની જાતે જ દેખરેખ રાખી શકતા હોય તો વાંધો નથી. પણ જો તેઓ આ ના કરી શકે તો ખૂબ જ ખાતરીવાળા અને ઑથેન્ટિક હોય તેવા બ્યુરોમાંથી મદદગારની સર્વિસ લેવી. જો તમારું મિત્રવર્તુળ મોટું હોય, સંબંધીઓ સાથે સારા સંબંધ હોય તો તેમની મદદથી કોઇ ગરજુ અને સારા સ્વભાવવાળા કેરટેકર મળી જાય તો તે પણ સારું જ છે. જેથી તમે જણાવ્યું તેવા પ્રસંગ ના બને. આ ઉપરાંત જે કેરટેકર છે તેમની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં સલામતી માટે આપી રાખવી. ઘરમાં વૃદ્ધ પાલક માટે હરફર આસાન થાય તેવી વ્યવસ્થા કરવી જેથી તેઓ પડે કે વસ્તુઓ સાથે ભટકાય તેવું ઇન્ટિરિયર હોય તો વિદેશ જતા. પહેલાં બદલાવી લેવું-ઘરની સાફસૂફી નિયમિત થાય તે માટે ડોમેસ્ટિક હેલ્પર પણ આગળ કહ્યું તેમ જ બોલવવા.
બાળકો સહિત અગત્યના નંબર એટલે કે જે નજીકના સંબંધીઓ છે તેમના નંબર ઘરમાં મોટા અક્ષરથી એક ખૂણામાં પેપર ઉપર લખી ચોંટાડી રાખવા જેથી કયારેક કોઇ તકલીફ હોય તો હાથવગા રહે. પાલકના મોબાઇલમાં ઇમરજન્સી નંબર તરીકે બાળકના નંબર રાખવા આવા સંજોગોમાં પાડોશીઓ સાથે સારા સંબંધ ખૂબ ઉપયોગી છે, માટે સારા પાડોશી હોય તો તેમને પણ વૃદ્ધાપાલકનું ધ્યાન રાખવા વિનંતી કરવી. ફેમિલી ડૉક્ટર સાથે સંપર્કમાં રહેવું, યોગ્ય સમયાંતરે પાલકના વિવિધ ટેસ્ટ / ચેકિંગ અચૂક થાય. તે માટે વ્યવસ્થા કરવી. મુખ્ય ધ્યાનમાં રાખવાની બાબત ઘરમાં કોઇપણ ઘરેણાં ના રાખતા બૅંક લોકરમાં રાખવા. ઘરમાં મામૂલી એવી રકમ જ રોકડી રાખવી અને કોઇપણ ખર્ચને પહોંચી વળવા બૅંકના એકાઉન્ટમાં માતબર રકમ રહે તેમ કરવું, આ વ્યવસ્થા માતા-પિતા બન્નેના એકાઉન્ટ માટે વિચારવી.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.