વિકાસ એ રાજનીતિનો નહીં, લોકસેવાનો અવસર: મોદી

ટૉપ ન્યૂઝ

દક્ષિણ ગુજરાતમાં ૩,૦૫૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુશાસનના આઠ વર્ષ અમે દેશના ગરીબોની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવામાં સમર્પિત કર્યા છે. વિકાસ કામો એ અમારા માટે કોઇ રાજકીય બાબત નથી, પણ એ અમારો સેવાનો સંકલ્પ છે અને તેને પૂર્ણ કરી રહ્યા છીએ, એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવસારીના ખુડવેલ ખાતે યોજાયેલા ગુજરાત ગૌરવ અભિયાનમાં વિશાળ જનશક્તિને સંબોધન કરતા જણાવ્યું હતું. કેટલાક લોકોને એવું લાગે છે કે ચૂંટણી આવે એટલે વિકાસના કામો કરવામાં આવે છે, પરંતુ આ લોકોને મારો પડકાર છે કે મારું એક પણ અઠવાડિયું
એવું શોધી લાવે કે જેમાં અમે વિકાસનું કામ ના કર્યું હોય. વિકાસ એ અમારા માટે રાજનીતિનો વિષય નથી, પણ એ અમારી લોકસેવાની પ્રતિબદ્ધતા અને લોકકલ્યાણનો અવસર છે. તેનાથી જ અમને જનતાના આશીર્વાદ મળે છે, એવું વડા પ્રધાને ઉમેર્યું હતું.
નરેન્દ્ર મોદીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ખાતેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા, આરોગ્ય સેવાઓ, માર્ગ અને મકાન,ઊર્જા અને શહેરી વિકાસ વિભાગના કુલ રૂ. ૩૦૫૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં અંદાજિત રૂ.૯૦૦ કરોડના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, રૂ.૬૫૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને રૂ. ૧૫૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ યોજનાઓના લોકાર્પણ, ૧૨ યોજનાઓના ખાતમુહૂર્ત અને ૧૪ યોજનાઓનું ભૂમિપૂજન એક જ દિવસમાં એક જ સ્થળેથી સંપન્ન કર્યું હતું. વડાપ્રધાને નવસારી ખાતે અંદાજિત રૂ. ૫૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામનારી સરકારી મેડિકલ કોલેજ અને હૉસ્પિટલનું પણ ભૂમિપૂજન પણ કર્યું હતુ.
તેમણે આ પ્રસંગે કહ્યું હતું કે આઝાદી બાદની તત્કાલીન સરકારોમાં વિકાસને પ્રાથમિક્તા આપવામાં આવી નહોતી. અમારી સરકારે ગરીબ, વંચિત, પછાતો, મહિલાઓ સહિત આદિવાસી વિસ્તારોમાં આવાસ, વીજળી, શૌચાલય, ગૅસ જોડાણ, પીવાનું શુદ્ધ પાણી પહોંચાડ્યું છે. એટલું જ નહીં દુર્ગમ અને દૂરદરાજના વિસ્તારોની ચિંતા કરી કરોડો લોકોના સપનાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા સાથે અનેક નવા ક્ષેત્રોને વિકાસમાં જોડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આદિવાસી સામર્થ્ય અને સંકલ્પની ભૂમિ પર ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી બનવું એ મારા માટે પણ ગર્વની વાત છે તેવું જણાવીને તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઊભી થઇ છે, તેને ગુજરાતની ડબલ એન્જિનની સરકાર પ્રમાણિક્તાથી આગળ વધારી રહી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી. આર. પાટીલની જોડી લોકોમાં નવો ઉત્સાહ જગાવી રહી છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાને મળી રહેલા રૂ. ૩૦૫૦ કરોડના આ વિકાસ કામોથી આ વિસ્તારના તમામ લોકોનું જીવન સુખમય તો બનશે જ સાથે સાથે આદિવાસી વિસ્તારોમાં રોજગારીના અવસરો પણ ઊભા થશે.
આ વિસ્તાર સાથે પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળતા મોદીએ કહ્યું હતું કે, ચીખલીના લોકોએ મને ક્યારેય ભૂખ્યો સૂવા દીધો નથી. આદિવાસી પરિવારો પાસેથી મને ઘણું શીખવા મળ્યું છે. તેમની સ્વચ્છતા, સુઘડતા અને અનુશાસન અનુકરણીય છે, એટલું જ નહીં, આ સમાજની સમજદારીપૂર્વકની જીવનશૈલી છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન સાથે જળ, જમીન અને જંગલ સાથે જોડાઇને તેનું સંરક્ષણ કરે છે.
કુદરતી પડકારોનો સામનો કરીને અમલી બનાવવામાં આવેલા અસ્ટોલ પ્રોજેક્ટની પ્રશંસા કરતા શ્રી મોદીએ એમ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં મેં જ્યારે આ પરિયોજનાનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે કેટલાક લોકોને એમાં ચૂંટણી દેખાતી હતી, પણ આજે અમે ગર્વ સાથે કહીએ છીએ કે નેવાના પાણી મોભે નહીં પણ ૨૦૦ માળની ઊંચાઇએ ચઢાવી આદિવાસી પરિવારોના ઘર સુધી પીવાનું પાણી પહોંચાડ્યું છે, જે કામનું અમે ખાતમુહૂર્ત કરીએ છીએ, એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.