વસઈમાં પ્લૅટફૉર્મ પર સૂતેલી પત્નીને પતિએ ટ્રેનની સામે ફેંકી, પત્નીનું મોત

આમચી મુંબઈ

ચારિત્ર્ય પર શંકા, પતિનું આઘાતજનક કૃત્ય, ૧૨ કલાકમાં આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચારિત્ર્ય પર શંકા અને ઘરેલુ વિવાદને લઈને તાજેતરમાં એક્સપ્રેસ ટ્રેનની સામે પતિએ પત્નીને ફેંકી દેવાનો આઘાજનક કિસ્સો વસઈ સ્ટેશન ખાતે બન્યો હતો, જ્યારે આ બનાવના ૧૨ કલાકમાં આરોપીનું પગેરું શોધી કાઢ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પશ્ર્ચિમ રેલવેના વસઈ રેલવે સ્ટેશનના પાંચ નંબરના પ્લૅટફૉર્મ પર સોમવારે પરોઢિયે ૪.૧૦ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. વસઈ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર સૂતેલી પત્નીને જગાડીને ક્રૂર પતિએ અવધ એક્સપ્રેસ (બરૌની-બાંદ્રા ટર્મિનસ જતી)ની આગળ ફેંકી હતી. આ બનાવ પછી પ્લૅટફૉર્મ પર સૂતેલાં બંને બાળકને લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સૌથી કમનસીબ બાબત એ હતી કે ટ્રેનની સામે પત્નીને ફેંક્યા બાદ ત્યાં મહિલાનું ટ્રેક મોત થયું હતું. આ બનાવનો ગુનો નોંધીને વસઈ રેલવે પોલીસે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરાઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ બનાવનો વિડિયો વાઈરલ થયા પછી રેલવે પોલીસે તેનું પગેરું શોધવા માટે વિશેષ ટીમ બનાવી હતી. પ્રાથમિક તબક્કે પોલીસને ફરાર થયેલા પતિએ વસઈથી દાદર તરફ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, દાદર ગયા પછી તેણે મધ્ય રેલવેના દાદર સ્ટેશનથી કલ્યાણની ટ્રેન પકડી હતી. આ બાબતમાં વધુ તપાસ વિશેષ ટીમ બનાવી હતી, ત્યાર બાદ એ શખસ ભિવંડી હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે તેના સંબંધમાં વધુ તપાસ કરતા રેલવે પોલીસની ટીમને આરોપીને ભિવંડીમાંથી શોધી કાઢ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરતા રેલવે પોલીસે તેની મંગળવારે ધરપકડ કરી હતી. તેણે તેનું નામ મહેંદી હસન અંસારી (ઉંમર ૩૫) તરીકેની ઓળખ આપી હતી. તે ભિવંડીના તેમઘરનો રહેવાસી છે તથા પેન્ટિંગનું કામકાજ કરે છે. તે મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગરનો છે, જ્યારે તેની પત્નીનું નામ નુરુનીસા મહેંદી હસન અંસારી (૨૫) હોવાની માહિતી આપી હતી, એમ રેલવે પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં આરોપીએ તેની પત્નીના ચારિત્ર્ય પરની શંકાને લઈ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે, કારણ કે તે તેના પતિના મિત્રની સાથે અગાઉ ભાગી ગઈ હતી અને બે દિવસ પછી પાછી ફરી હતી, તેથી તેના પર વધુ ગુસ્સે થયો હતો અને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને તેણે ગુસ્સામાં આવીને સોમવારે સવારે ટ્રેનની સામે ફેંકી દીધી હતી. બંને વચ્ચે ઝઘડો થયા પછી બાળકોની સાથે પોતાનો સામાન લઈને ફરાર થઈ ગયો હતો. ટ્રેનની સામે તેની પત્નીને ફેંકવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવાને કારણે તેનું પગેરું શોધવામાં મદદ મળી હતી.
વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં આઈપીસી ૩૦૨ અન્વયે ગુનો નોંધવામાં આવ્યા પછી રેલવે પોલીસે આરોપીને સોંપ્યો હતો તથા આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, એમ વરિષ્ઠ પોલીસ અધિકારી સચિન કદમે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.